બ્રિટિશ પર્વતારોહકે ૧૯મી વખત એવરેસ્ટ પર ચઢાણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો…

કાઠમંડુઃ એક બ્રિટિશ પર્વતારોહક ગાઇડે આજે ૧૯મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ હતું. આ સાથે તેમણે નોન-શેરપા ગાઇડ તરફથી વિશ્વના સૌથી ઊંચા પર્વત પર સૌથી વધુ ચઢાણ કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

હિમાલયન ગાઇડ્સ નેપાળના ઇશ્વરી પૌડેલના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ૫૧ વર્ષીય કેન્ટન કૂલે આજે અન્ય કેટલાક પર્વતારોહકો સાથે ૮,૮૪૯ મીટર ઊંચા શિખર પર ચઢાણ કર્યું હતું. તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ શિખર પરથી નીચે ઉતરી રહ્યા છે. કૂલે પહેલી વાર ૨૦૦૪માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું અને ત્યારથી લગભગ દર વર્ષે તેઓ ચઢાણ કરે છે.
વર્ષ ૨૦૧૪માં તેઓ એવરેસ્ટ ચઢી શક્યા ન હતા, કારણ કે હિમપ્રપાતમાં ૧૬ શેરપા ગાઇડના મોત બાદ સીઝન રદ્દ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫માં જ્યારે ભૂકંપના લીધે ફરી હિમપ્રપાત થયો ત્યારે તેમાં ૧૯ લોકોના મોત થયા હતા. કોરોનાકાળ દરમિયાન વર્ષ ૨૦૨૦માં ક્માઇમ્બિંગ સીઝન રદ્દ કરવામાં આવી હતી.
બ્રિટિશ પર્વતારોહક ગાઇડ કેન્ટન કૂલ કરતાં માત્ર નેપાળી શેરપા ગાઇડોએ જ આ શિખર પર સૌથી વધુ વખત ચઢાણ કર્યું છે. નેપાળી શેરપા ગાઇડ કામી રીતાએ માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ ૩૦ વખત ચઢાણ કર્યું છે, જે વર્તમાનમાં પણ પહાડ પર છે અને આગામી થોડા દિવસોમાં ચઢાણ કરે તેવી અપેક્ષા છે.
આપણ વાંચો : માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ