MSRTCની ઈ-બસ ભાડાની અસમાનતાને લઈ પ્રવાસીઓમાં પ્રશાસન પ્રત્યે ગુસ્સો

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) દ્વારા એકસમાન ઇલેક્ટ્રિક બસો (ઈ-બસ) માટે સરખી સુવિધા આપીને વધુ ભાડું વસુલ કરવામાં આવતા મુસાફરો રોષે ભરાયા છે. નિષ્ણાતો અને મુસાફરોએ ઇલેક્ટ્રિક શિવનેરી અને શિવાઇ બ્રાન્ડની બસના ભાડા ઓછા વત્તા રાખવા માટે રાજ્ય સંચાલિત કોર્પોરેશનની ટીકા કરી છે.
એમએસઆરટીસી દેશની સૌથી મોટી સરકારી પરિવહન સંસ્થા છે. સંસ્થા અંદાજે 15 હજાર બસના કાફલાનું સંચાલન કરે છે, જેમાં નોન-એસી સર્વિસથી માંડીને પ્રીમિયમ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક કોચનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 15 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ફરી એસટી બસો થશે ૩-૨ સીટવાળી
આ વર્ષે જાન્યુઆરીમાં મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એસટીએ)એ એમએસઆરટીસી બસ ભાડામાં 14.95 ટકા વધારાને મંજૂરી આપી હતી. કોર્પોરેશન બ્લુ રંગની ‘ઇ-શિવનેરી’ બસો પર 21.25 રૂપિયા પ્રતિ 6 કિમી અને સફેદ-લીલા ‘ઇ-શિવાઇ’ માટે 15.15 રૂપિયા ચાર્જ કરે છે.
એમએસઆરટીસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇ-શિવનેરી કાફલો મુખ્યત્વે મુંબઇ-પુણે રૂટ પર કામ કરે છે, અને ઇ-શિવાઇ બસો થાણે-અલીબાગ, બીડ-પુણે અને નાસિક-છત્રપતિ સંભાજીનગર રૂટ પર દોડે છે. બંને 12 મીટર લાંબી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો છે, જેમાં પુશ-બેક સીટ, ચાર્જિંગ પોઇન્ટ્સ અને રીડિંગ લેમ્પ્સ જેવી સુવિધા સરખી છે.
(પીટીઆઈ)