સાયલા-ચોટીલા હાઈવે પરના ઢેઢુકી ટોલનાકા નજીક 3 વાહન ટકરાયા, 8 કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર

સુરેન્દ્રનગર: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા અનેક દિવસોમાં રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સર્જાય હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા ઢેઢુકી ટોલનાકા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પરંતુ સદનસીબે, આ ત્રિપલ અકસ્માતમાં કોઈને પણ ઈજા પહોંચી નથી, પરંતુ અકસ્માત સર્જાયા બાદ એક ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં સાયલા પોલીસ મોડી પહોંચી હતી અને ત્યારબાદ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આપણ વાંચો: અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતઃ એસટી બસ, કાર અને બાઈકની ટક્કરમાં ત્રણનાં મોત
અવારનવાર સર્જાય છે અકસ્માતો
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાજુના વાહનો સામસામે આવી જતાં હાઈવે પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ઢેઢુકી ટોલનાકાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ ટોલનાકા પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો હતો અકસ્માત
થોડા દિવસ પૂર્વે જ અમરેલી જિલ્લાનાં રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણા રોડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલા-જાફરાબાદ રૂટની ગુજરાત એસટી બસ, મારુતિ સ્વિફ્ટ કાર અને એક બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.