વાદ પ્રતિવાદ

ઈસ્લામી ઈતિહાસનો બોધ આપનારો પ્રસંગ: જ્યારે એક ન્યાયાધીશે પોતાના દીકરાને ફાંસીની સજા સુણાવી

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આ એ સમયનો પ્રસંગ છે જ્યારે ઈસ્લામી હુકૂમત, સત્તાનો સર્વત્ર શાસન કાયમ હતો.

અરબસ્તાનના એક રાજ્યમાં બનુ ઉમૈયા ખલીફા, રાજ્યકર્તા હતા.

ચારેકોર ઈન્સાફ, ન્યાય, સમાનતાની જાહોજલાલીના દિદાર થતા હતા.

મુહમ્મદ બિન અલી નામના એક અલ્લાહવાળા વિદ્વાન હતા. તે સ્પેનના પાટનગર કરતબામાં ન્યાયાધીશ હતા. બધા લોકો તેમને માનની નજરે જોતા હતા.

એક દિવસ દરબાર ભરાયો હતો. તેમાં દેશના મોટા મોટા સરદારો તેમ જ આગેવાન નાગરિકો શામિલ હતા. ન્યાયાધીશ મુહમ્મદ બિન અલી પણ તેમાં હાજર હતા. તેમની કદરદાની અર્થે આ ખુશીના અવસરે તેમને જમીનનો એક ભાગ આપવાનો ખલીફા હુકમ કરે છે.

પરંતુ ન્યાયાધીશ મુહમ્મદ બિન અલી તેને લેવાનો ઈન્કાર કરે છે અને કહે છે- ‘મને અલ્લાહતઆલાએ જરૂર કરતાં ઘણું બધું આપ્યું છે. મને વધારે સંપત્તિની જરૂર નથી. વધારે ધન-દ્રવ્ય ઈન્સાનને ઘણી વખત બૂરાં કૃત્યો તરફ દોરી જાય છે. એટલે હું મજકૂર જમીનનો સ્વીકાર કરી શકતો નથી.’

એ વખતે તો ખલીફા ચૂપ રહે છે, પરંતુ થોડા દિવસો પછી મજકૂર જમીન તે જ ન્યાયાધીશના દીકરાને સ્વેચ્છાએ આપી
દે છે.

અબ્દુલ્લાહ તે ન્યાયાધીશનો એકનો એક અને લાડકવાયો દીકરો હતો. જમીનની બક્ષિસનું સાંભળી ન્યાયાધીશ ખલીફાને કહે છે કે આ જમીન તેને આપવી જોઈએ નહીં. તે હજુ નવ જવાન છે. ક્યાંક આટલી બધી ધન-પુંજીને નિહાળીને તે કુકૃત્યો (દુરાચાર) તરફ ન દોરવાઈ જાય, પરંતુ ખલીફાએ ન્યાયાધીશની એકેય વાતને માની નહીં. તેણે તે જમીન અબ્દુલ્લાહને હવાલે કરી દીધી.

અબ્દુલ્લાહ જુવાન હોવાની સાથે બેહદ રૂપાળો હતો. ઘન, લાલસાની પરીક્ષા એવી છે, કે તેમાં સારા પરહેઝગાર લોકો પણ ઘણી વખત થાપ ખાઈ જાય છે. પરિણામ એ આવ્યું કે અબ્દુલ્લાહ તે પરીક્ષામાં સફળ રહ્યો નહીં. તે પણ અલ્પજીવી દુન્યવી એશોઆરામ અને વૈભવ-વિલાસમાં સપડાઈ ગયો.

માણસ જ્યારે બૂરાઈના માર્ગે આગળ ધપે છે, ત્યારે તેની ગતિ રોકવી મુશ્કેલ હોય છે. તે બુરાઈની તરફ આગળને આગળ વધતો જ રહે છે. અંતે અબ્દુલ્લાહ એક સ્પેનવાસી ખ્રિસ્તી છોકરી અજરાના પ્રેમમાં પડે છે. યુવતી પણ તેને ચાહવા લાગે છે. તે પોતાના કુટુંબીઓથી ભાગી છૂટીને અબ્દુલ્લાહ પાસે આવી જાય છે અને યુવતીનું આખું કુટુંબ અબ્દુલ્લાહનું દુશ્મન બની જાય છે. તે કારણે યુવતીના પિતાની અબ્દુલ્લાહના હાથે હત્યા થઈ જાય છે અને એ કારણે અબ્દુલ્લાહની ધરપકડ કરવામાં આવે છે.

આ સંગીન પ્રકારનો ખટલો (મુકદ્દમો) ખલીફાએ વડા જજ મુહમ્મદ બિન અલી સમક્ષ સુનાવણી માટે મોકલ્યો. જજ અબ્દુલ્લાહના પિતા હતા. કેસ શરૂ થયો. વૃદ્ધ વિદ્વાન જજ મુહમ્મદ બિન અલીએ પોતાના દીકરાને ગુનેહગારના પાંજરામાં હાથકડીઓ સાથે જોયો. દિલમાં અગ્નિ ભભૂકી ઊઠ્યો અને નયનોમાંથી શ્રાવણ, ભાદરવો શરૂ થઈ ગયો, પરંતુ જજને બધી જવાબદારીઓથી વધારે જવાબદારી મૃત્યુ પછી ખુદા સમક્ષ ‘રોઝે મહેશર’માં (અલ્લાહની અદાલતમાં) જવાબ આપવાનું ભાન હતું.

જજ ન્યાયની ખુરસી પર બિરાજમાન હતા અને કાગળોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. અબ્દુલ્લાહ ગુનેગારોના પાંજરામાં ઊભો હતો. જજે માથું ઊંચું કર્યું અને કહ્યું- ‘અબ્દુલ્લાહ તમે આ સંગીન પ્રકારના કેસમાં શું કહેવા માંગો છો?’

અબ્દુલ્લાહે કહ્યું કે- ‘માનનીય પિતા…!’ હજી તે એટલું જ બોલવા પામ્યો હતો કે જજે એક કંપાવનારો સાદ દીધો- ‘તમે અહીં તમારા પિતાની સાથે વાતો કરવા નથી આવ્યા. આ ન્યાયકચેરી છે. અહીં કૌટુંબિક શબ્દોનો ઉપયોગ થઈ શકે નહીં.’

અબ્દુલ્લાહે ઘણી કાકલૂદી-આજીજીઓ સાથે અરજ ગુજારી કે ‘મને જજ સાહેબ ક્ષમા આપશે, એવી હું ઉમ્મીદ રાખું છું.’

અબ્દુલ્લાહ હજુ વાક્ય પૂરું કરે ત્યાં જજે ત્રાડ પાડી-‘પયગંબરે ઈસ્લામ હુઝુરસલ્લલ્લાહો અલયહિ વસલ્લમે એક ચુકાદા વખતે ફરમાવ્યું છે કે- તે પાકજાતના સોગંદ! અગર જો મારી લાડકવાયી દીકરી (હઝરત) ફાતિમા (અલૈયહિસલ્લામ) પણ જો કોઈ ગુનો કરત તો તે પણ સજાને પાત્ર ઠરત!’ આવી સ્પષ્ટ હિદાયત મળ્યા પછી હું ન્યાયનો ભક્ષક બની શકું નહીં. હું કાયદા-કાનૂનનો રક્ષક છું.

અલ્લાહ અને તેના રસૂલ હઝરત મુહમ્મદ (સલ.)ને ખરા દિલથી માનું છું. માલદાર હોય કે ગરીબ! ગુનેગાર સજાને પાત્ર ઠરે છે. આ ન્યાયાલયમાં ઈન્સાફ અવ્વલ છે, અને તેના બતાવેલા હુકમ પ્રમાણે ન્યાય આપું છું. પવિત્ર કુરાનમાં અલ્લાહતઆલાએ ફરમાવ્યું છે કે- ખૂનનો બદલો (ન્યાય) ખૂન (ફાંસી) છે…’ એટલે હું ન્યાયાધીશ મુહમ્મદ બિન અલી દરેક વિગતોને જોતાં એવો ચુકાદો આપું છું કે આરોપી અબ્દુલ્લાહને મૃત્યુદંડ આપવો. હા, ઈસ્લામિક કાયદા પ્રમાણે મરનારના કુટુંબીજનો-વારસદારો જો ખૂનના બદલામાં ‘ખૂનબહા’ એટલે કે સૂચિત રકમ લઈ તને માફી માટે અદાલતને અરજ કરે છે તો તું મૃત્યુદંડમાં છૂટી શકે તેમ છે…’

મરનારના કુટુંબ અને વારસદારોએ આ બાબત માન્ય ન રાખતા આરોપી અબ્દુલ્લાહને ફાંસી આપવામાં આવી. આ ન્યાયપ્રિય ચુકાદાની અસર એ પડી કે જેઓ ઈસ્લામ પર ઈમાન નહોતા લાવતા અને અલ્લાહના રસૂલ હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમની એકેશ્ર્વરવાદ (અલ્લાહ જ એકમાત્ર) હોવાની વાતને સતત જુઠલાવતા હતા તેઓ ઈસ્લામ પર ઈમાન ધરાવતા થઈ ગયા.
ઈસ્લામી ઈતિહાસના પાનાઓનું પૃથક્કરણ કરતા આપણને આવા અનેક પ્રેરણા પ્રદાન પ્રસંગો ચિંતન-મનન અને હિદાયત (ધર્મની સાચી સમજ) આપનારા બની રહે છે.

  • જાફરઅલી ઈ. વિરાણી

સાપ્તાહિક સંદેશ:
જે શખસ પોતાની ભૂલ જોઈ શકે છે તે બીજાની ભૂલ પ્રત્યે નમ્ર બની શકે છે.

  • શેરેખુદા હઝરત અલી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button