નેશનલ

માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી સક્રિય રાજકારણમાં, બન્યા પાર્ટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર

લખનઉ: રવિવારે બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) દ્વારા પાર્ટીની હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જ લેવામાં આવેલા નિર્ણય બાદ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ( Akash Anand) ફરી એકવાર મુખ્ય પ્રવાહના રાજકારણમાં પાછા ફર્યા છે. પાર્ટીની હાઈલેવલ મીટિંગમાં તેમને ચીફ નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે.

આપણ વાંચો: BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા

અન્ય ત્રણ નેશનલ કોઓર્ડિનેટર નીમ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણીમાં આકાશ આનંદ પાર્ટીની પ્રચારની ધૂરા સંભાળશે. પાર્ટીએ કુલ ત્રણ નેશનલ કોઓર્ડીનેટરને નીમ્યા છે, તેના ચીફ નેશનલ કોઓર્ડિનેટર આકાશ આનંદને બનાવવામાં આવ્યા છે.

અન્ય ત્રણ નેશનલ કોઓર્ડિનેટરમાં રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામનો સમાવેશ થાય છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર રાજ્યના પ્રભારી પણ છે.

આપણ વાંચો: માયાવતીની આખરે આકાશ આનંદે માગી માફી, પાર્ટીમાં કામ કરવા માટે લખી ભાવુક પોસ્ટ

પાર્ટીને આગામી ચૂંટણીઓમાં મજબૂતી મળશે

બસપા સૂત્રોએ જણાવ્યું હતું કે આકાશ આનંદની આ નવી ભૂમિકાથી પાર્ટીને આગામી ચૂંટણીઓમાં મજબૂતી મળશે. તેઓ પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે કાર્ય કરશે અને ચૂંટણી રેલીઓમાં બસપાની નીતિઓનો પ્રચાર કરશે.

આકાશ આનંદ લાંબા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમની છબી યુવા અને ઊર્જાવાન નેતા તરીકેની છે. તેમની આ નવી ભૂમિકાથી પાર્ટીને માત્ર યુવા નેતૃત્વનો સંદેશ જ નહીં મળે, પરંતુ માયાવતીના વિશ્વાસુ સહયોગી તરીકે તેમની ભૂમિકા પણ વધુ મહત્વપૂર્ણ બની છે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ પહેલી યાદી પછી બીજી યાદી બહાર પાડીને બહુજન સમાજવાદી પાર્ટી ચર્ચામાં

બસપાથી કાઢવામાં આવ્યા હતા આકાશ આનંદને

આ પૂર્વે માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદ અને તેમના સસરા અશોક સિદ્ધાર્થને કથિત શિસ્તભંગના કારણે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. જો કે, એક મહિના પછી એક નાટ્યાત્મક વળાંક આવ્યો અને બસપા પ્રમુખે આકાશને બીજી તક આપવાનો નિર્ણય કર્યો અને સંગઠનમાં તેમની વાપસીની જાહેરાત કરી. આજની બેઠક પહેલાં આકાશને માયાવતી સાથે પડછાયાની જેમ જોવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button