હરિયાણામાં ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પ્રોફેસરની ધરપકડ

સોનિપતઃ ઓપરેશન સિંદૂર મુદ્દે ગુજરાત, રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વાંધાજનક ટિપ્પણી કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હરિયાણાના સોનિપતમાં પોલીસે એક યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર એસોસિએટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની પોસ્ટ સામે આવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ યુવા મોર્ચાના નેતાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અલી ખાન મહમૂદાબાદ અશોકા યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર હતો. હરિયાણા મહિલા આયોગે પણ એસોસિએટ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી.
પોલીસે કહ્યું કે અલી ખાન મહમૂદાબાદની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી કેટલીક ટિપ્પણી સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ અલી ખાન મહમૂદાબાદને આ સંદર્ભમાં નોટિસ મોકલી હતી. 12 મેના રોજ આપવામાં આવેલી નોટિસ મુજબ આયોગે સોનિપતમાં અશોકા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રમુખ મહમૂદાબાદ દ્વારા 7 મે કે તેની આસપાસ આપેલા નિવેદન કે કરેલી ટિપ્પણીને લઈ આમ કર્યું છે.
આપણ વાંચો: RSS અને અમારી પાર્ટીની વિચારધારા વચ્ચે જમીન આસમાનનો તફાવતઃ ઓવૈસી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2 FIR ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારતીય સશસ્ત્ર દળોએ 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો, ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી ભારતના અનેક શહેરનો નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતની ડિફેન્સ સિસ્ટમે આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે.