આપણું ગુજરાત

ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટમાં વારંવાર નાપાસ થાઓ છો? આ છે તેનું સોલ્યુશન!

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ લેનારા ચાલકોની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ મોટા પ્રમાણમાં લોકો લાઈસન્સ ટેસ્ટમાં નાપાસ થાય છે. આરટીઓના ડેટા પ્રમાણે, 57 ટકા ફોર વ્હીલ ચાલકો અને 15 ટકા ટુ વ્હીલ ચાલકો ટેસ્ટમાં નાપાસ થાય છે. જોકે હવે આના સોલ્યુશન માટે અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં મોક ટ્રેક બનાવવામાં આવ્યા છે. જ્યાં પ્રેક્ટિસ કરીને ચાલકો ટેસ્ટમાં પાસ થઈ રહ્યા છે.

અમદાવાદમાં સાત, ગાંધીનગરમાં ચાર આ મોક ટ્રેક છે. આ ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચમાં પણ આવા ટ્રેક બનાવાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ ટ્રેક ગેરકાયદેસર નથી. આરટીઓ પરિસરની બહાર આવેલા છે અને ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા ચાલકો પૂર્વ તૈયારી કરી શકે છે. 2024-25માં 20.5 લાખ લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર 6 લાખ ચાલક સફળતાપૂર્વક પાસ કરી શક્યા હતા.

આ પણ વાંચો: મેમો નહિ ભરો તો લાઇસન્સ થશે રદ્દ; સરકાર કરી રહી છે નવા નિયમોની તૈયારી

ડ્રાઇવિંગ ટ્રેક ચલાવનારા વ્યક્તિના કહેવા પ્રમાણે, તેમની પાસે દરરોજ 10-15 ટુ વ્હીલ અરજીકર્તા અને 5 જેટલા કાર ડ્રાયવર આવે છે. જેમાંથી મોટાભાગના નાપાસ થયા હોય છે. અમુક તો બે વખત પણ નાપાસ થયા હોય છે. નાની અમથી ભૂલ પણ નાપાસનું કારણ બની શકે છે. ઘણી વખત ટેસ્ટ આપનારા વ્યક્તિને ટ્રેક લેઆઉટનું જ્ઞાન હોતું નથી. અહીં આવીને તેઓ પૂર્વ તૈયારી કરી શકે છે.

વડોદરામાં આવા બે ટ્રેક છે. જેમાં એક વાઘોડીયામાં ગોલ્ડન ચોકડી પાસે અને બીજો અકોટામાં છે. સુરતના ડ્રાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે, આ ટ્રેકથી ઘણો ફાયદો થયો છે. પહેલા આરટીઓ ટેસ્ટમાં આશરે 50 ટકા જેટલા નાપાસ થતા હતા, પરંતુ હવે મોક પ્રેક્ટિસથી 90 ટકા લોકો જ પ્રથમ ટ્રાયમાં જ પાસ થઈ રહ્યા છે. અમે ઈન્સ્ટ્રક્ટરને રિવર્સિંગ, બ્રેક કંટ્રોલ અને મિરર યુઝ પર ધ્યાન આપવા કહીએ છીએ.

અમદાવાદમાં આરટીઓથી માત્ર 100 મીટરના અંતરે જ આવો ટ્રેક છે. જ્યાં એજન્ટો ટેસ્ટ પાસ કરવાની ટ્રેનિંગ આપવા સહિત તમામ પ્રકારની સુવિધા આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button