ઉત્સવ

ઝબાન સંભાલ કે : ગાંભુ ગયું ને ગાભા રહ્યા

-હેન્રી શાસ્ત્રી

જીવનની ફિલસૂફી ભાષા અને ખાસ કરીને કહેવતો અને રૂઢિપ્રયોગ મારફત અત્યંત અસરકારક રીતે વ્યક્ત થતી આવી છે. સંપ ત્યાં જંપ એ ત્રણ શબ્દોમાં એકતા હોય તો શાંતિ જળવાય અને સુખેથી રહેવાય એ વાત કેવી સરસ રીતે રજૂ થઈ છે. ઘણા માણસોએ ભેગા મળીને કરવાનું કે શરૂ કરેલું કામ સંપ વિના નથી પાર પડતું એ અનુભવ સિદ્ધ વાત છે. ગાંભુ ગયું ને ગાભા રહ્યા એ કહેવતમાં આ ભાવાર્થ સુપેરે પ્રગટ થાય છે. એ કહેવત કેમ પડી એની કથા જાણવા જેવી છે. વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ગાંભુ નામનું એક ગામ આવેલું છે એ અસલના વખતમાં ગાંભુ નામના દરજીઓનો એક તાલુકો હતો. એક વખત ગાંભુ ગામ પર પાડોશી રાજાએ ચડાઈ કરી દરજીઓને હાંકી કાઢી તાલુકો કબજે કર્યો. આ વાતની જાણ દેશ – પરદેશના દરજીઓને થઈ અને તાલુકો પાછો મેળવવા હથિયાર લીધા વિના ગાંભુ તરફ પ્રયાણ કર્યું. દરજી સિલાઈ મશીન ચલાવી જાણે, બુદ્ધિ નહીં. પ્રથમ ગજના મારથી શત્રુને જમીનદોસ્ત કરી કાતરથી તેમના પેટ ચીરી નાખવા એવી યોજના તૈયાર કરી. કૂચ કર્યા પછી સાંજ પડતા ગાંભુ દેખાયું ત્યારે દરજીઓએ વિસામો કરવાનું નક્કી કર્યું. હકીકત એમ હતી કે બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા અને ઘણા લોકોને રાત્રે સરખું દેખાતું પણ નહોતું. પરોઢ થતા જ હુમલો કરી ગામ કબજે કરવું એવી સહમતીથી સૌ કતારબંધ સૂઈ ગયા. સંખ્યા એટલી મોટી હતી કે ગાઉ લાંબી હાર – પંક્તિ થઈ. થોડી વાર પછી ગામના દરવાજા પાસે સૂતેલા પહેલા દરજીને વિચાર આવ્યો કે સવારે દરવાજો ખુલતા હું જ પહેલો હાથે ચડીશ અને મારા રામ રમી જશે તો મારા પરિવારનું શું થશે? એમ વિચારી એ છેલ્લો જઈને સૂઈ ગયો. પહેલો ગયો એની જાણ બીજાને થતા એ પણ ગભરાઈને ગાઉ છેટે પહેલાની બાજુમાં જઈ સૂઈ ગયો. આ રીતે બધા દરજી વારાફરતી છેલ્લે જઈને સૂતા અને સવાર પડતા તો દરવાજાથી ખૂબ છેટે પહોંચી ગયા. સવારે જાગીને જોયું તો દરવાજો દેખાયો નહીં અને તપાસ કરતા ગાંભુ ગામ પાંચેક ગાઉ દૂર હોવાની જાણ થઈ. આવું કેમ થયું એની સમજણ આપતા એક વડીલે કહ્યું કે ‘તમારામાં સંપ નથી. દરેક જણ પંડની વધુ કાળજી રાખે છે. આટલે દૂર આવી જવાનું કારણ પણ એ જ છે. હવે માણસોની ખાનાખરાબી કર્યા વિના પોતપોતાને ગામ જતા રહેવામાં જ શાણપણ છે. તમારાથી કંઈ નથી થવાનું.’ દરજીઓને આ વાત ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી ગઈ અને બધા વિખેરાઈ ગયા. આમ દરજીઓએ પોતાનો તાલુકો હંમેશને માટે ખોયો. એના પરથી કહેવત પડી કે ગાંભુ ગયું ને ગાભા રહ્યા. મતલબ કે ગાંભુ તાલુકો ખોયો અને ગાભા એટલે કે લુગડાંના કટકા સાથે નાતો રહ્યો – કામ રહ્યું.

BEAUTY OF LANGUAGE

દરેક ભાષાનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે. અનોખી કરામત પણ હોય છે જે તમને હેરાતમાં મૂકી આનંદ આપી સમજણનો વિસ્તાર કરે છે. English language has its own beauty which can baffle you at times or make you wonder as well. Let’s take an example. એક ઉદાહરણ તપાસીએ. SWEDEN and DENMARK are two different countries. બંને ઉત્તર યુરોપના અલગ અલગ દેશ છે અને નોર્ડિક કન્ટ્રીઝ તરીકે ઓળખાય છે. બંને દેશો વચ્ચે કેટલીક સાંસ્કૃતિક સમાનતા છે અને બંને દેશમાં નોર્ડિક ભાષાનું ચલણ છે. આ બંને દેશના નામ જોશો તો એક મજેદાર વાત જાણવા મળે છે. સ્વીડનના અંગ્રેજી સ્પેલિંગ (SWEDEN)ના પ્રથમ ત્રણ અક્ષર અને ડેનમાર્કના અંગ્રેજી સ્પેલિંગ (DENMARK)ના પ્રથમ ત્રણ અક્ષર જોડવાથી SWEDEN નામ બને છે અને સ્વીડનના છેલ્લા ત્રણ અક્ષર અને ડેનમાર્કના છેલ્લા ત્રણ અક્ષર લેવાથી મળે છે DENMARK. ભાષાની કેવી કમાલ છે ને. નામની આવી લાક્ષણિકતા અન્ય કેટલાક દેશોના નામમાં પણ જોવા મળે છે. સ્વીડન – ડેનમાર્ક જેવી ખાસિયત CYPRUS – RUSSIA નામમાં પણ જોવા મળે છે. સાયપ્રસ છે પશ્ચિમ એશિયામાં જ્યારે રશિયા ઉત્તર એશિયા અને પૂર્વ યુરોપમાં ફેલાયેલો છે. બ્રિટિશ ગુલામીમાંથી સાયપ્રસને 16 ઓગસ્ટ, 1980ના દિવસે આઝાદી મળી અને એના બે જ દિવસ પછી 18 ઓગસ્ટે સોવિયેત સંઘે એને માન્યતા જાહેર કરી. એ જ રીતે સોવિયેત સંઘના વિસર્જન પછી તરત સાયપ્રસે રશિયન ફેડરેશનને માન્યતા જાહેર કરી હતી. જોકે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુરોપિયન યુનિયનના મેમ્બરના નાતે સાયપ્રસે રશિયા પર પ્રતિબંધ મૂક્યા હતા જેના જવાબરૂપે રશિયાએ સર્વં યુરોપિયન યુનિયનના દેશો ‘અમિત્ર દેશ’ જાહેર કર્યા હતા. જોકે, સંબંધોની આવી સરવાળા – બાદબાકી વચ્ચે એમના નામની લાક્ષણિકતા જાણવા જેવી છે. સાયપ્રસના અંગ્રેજી સ્પેલિંગ (CYPRUS)ના પ્રથમ ત્રણ અક્ષર અને રશિયાના અંગ્રેજી સ્પેલિંગ (RUSSIA)ના પ્રથમ ત્રણ અક્ષર જોડવાથી CYPRUS નામ તૈયાર થાય છે. એ જ રીતે સાયપ્રસના છેલ્લા ત્રણ અક્ષર અને રશિયાના છેલ્લા ત્રણ અક્ષરના સંયોજનથી RUSSIA નામ તૈયાર થાય છે. આવું જ બીજું એક અનન્ય ઉદાહરણ POLAND – ANDORRA પણ છે. બંને યુરોપિયન રાષ્ટ્ર છે અને સ્વીડન – ડેન્માર્ક તેમજ સાયપ્રસ – રશિયા કેવો અક્ષરમેળ આ બંને દેશના નામમાં પણ ઊડીને આંખે વળગે છે. ભાષાની કેવી કેવી કરામત હોય છે ને.

આપણ વાંચો:  હેં… ખરેખર?! : 40 વર્ષમાં 27 પ્રસૂતિમાં 69 બાળકને જન્મ

सुंदरी का सौंदर्य

હિન્દી ભાષા શાળામાં શીખવવી ફરજીયાત કરવી કે નહીં એનો વિવાદ જોરશોરથી શરૂ થઈ શમી પણ ગયો. જોકે, સોશિયલ મીડિયા પર હિન્દી ભાષાના લગાવ અંગે બાળકોના મજેદાર વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. અલબત્ત એમાં ભાષા શીખવાની તમન્ના કરતા ટીખળ કરવાની વૃત્તિ વધુ જોવા મળે છે. એક વીડિયોમાં મોટો ભાઈ નાના ભાઈનું હિન્દીનું જ્ઞાન ચકાસવા માટે કેટલાક અંગ્રેજી શબ્દો હિન્દીમાં કઈ રીતે પ્રચલિત છે એ અંગે સવાલ કરે છે. જવાબ આપનારો નાનો ભાઈ હિન્દી અનુવાદ આપ્યા પછી એની જે સ્પષ્ટતા કરે છે એમાં મજાક – મસ્તી જ ડોકિયાં કરે છે. પહેલો સવાલ છે કે Air Hostess को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે हवाई सुंदरी. मतलब विमान जब हवा में उड़ता है तब जो खूबसूरत कन्या पैसेंजर्स को मदद करती है. મોટો ભાઈ બીજો સવાલ કરે છે કે Nurse को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે કે दवाई सुंदरी. मतलब बीमार व्यक्ति जल्द अच्छी हो जाए इसलिए मेडिसिन देती है वो. મોટા ભાઈનો ત્રીજો સવાલ છે Lady Teacher को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે पढाई सुंदरी. मतलब जो क्लास में या ट्यूशन में हमें अलग अलग विषय पढ़ाती है. મોટા ભાઈનો ચોથો સવાલ છે Maid को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે सफाई सुंदरी. मतलब जो स्त्री घरकी सफाई करके उसे सुंदर रखती है. વધુ એક સવાલ આવે છે કે Wife को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે लड़ाई सुंदरी. આ ભાવાર્થને રમૂજમાં લેવાનો, ગંભીરતાથી લઈ તલવાર તાણવાની જરૂર નથી. એવું જ અંતિમ સવાલની બાબતમાં છે. Mother को हिंदी में क्या कहते हैं? નાનો ભાઈ જવાબ આપે છે पिटाई सुंदरी मतलब मम्मी. અત્યાર સુધીના બધા જવાબ ચુપચાપ સાંભળી રહેલી માતુશ્રી આ છેલ્લી વ્યાખ્યા સાંભળી નાના દીકરાને ધોલ મારી કહે છે ‘આવી રીતે શીખવાની ભાષા?’ આ કેવળ ભાષા વિનોદ છે.

मराठी म्हणी गुजराती मध्ये

મરાઠી – ગુજરાતી ભાષામાં અનેક તફાવત હોવા છતાં મનમેળ ઘણો છે. આજે આપણે કેટલીક મરાઠી કહેવતો તપાસી એની સમકક્ષ ગુજરાતી કહેવતો જાણીને ભાષાનો આનંદ લઈએ. इच्छा तिथे मार्ग કહેવતમાં કશુંક કરવાની તમન્ના હોય તો રસ્તો મળી જાય કે સૂઝી જાય એવો ભાવાર્થ છે. આને સમકક્ષ ગુજરાતી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. બીજી કહેવત છે કે वेळीच केलेल्या उपायांमुळे संभाव्य हानी टळते. સમયસર ઉપાય કરવામાં આવે કે આગમચેતી રાખવામાં આવે તો સંભવિત હાનિ – નુકસાન ટાળી શકાય છે. આવો ભાવાર્થ ધરાવતી ગુજરાતી કહેવત છે સમય સાચવે તેને ઈશ્વર સાચવે. બીજી એક મરાઠી કહેવતથી પરિચિત થઈએ. हाजीर तो वजीर: હળવાશ ધરાવતી આ કહેવતનો ભાવાર્થ સમજવા જેવો છે. હાજર હોય એ ફાવી જાય એવો એનો ભાવાર્થ છે. વહેલો તે પહેલો ગુજરાતી કહેવત તમે જાણતા જ હશો. બીજી એક સમજવા જેવી કહેવત છે दोन्ही घरचा पाहुणा उपाशी બે બાબત પર આધાર રાખી બેસતી વ્યક્તિ બંનેમાંથી લટકી જાય એવું બને એ કહેવતનો ભાવાર્થ છે. બે ઘરનો પરોણો ભૂખ્યો મરે ગુજરાતી કહેવતમાં આ જ ભાવાર્થ છે. ज्याचा शेवट गोड त्याचे सारेच गोड. આ કહેવત ગુજરાતીમાં જેનો અંત ભલો એનું બધું જ ભલું તરીકે જાણીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button