ઉત્સવ

હેં… ખરેખર?! : 40 વર્ષમાં 27 પ્રસૂતિમાં 69 બાળકને જન્મ

-પ્રફુલ શાહ

Valentina Feodor Vassilyev. હા આજથી સવા બસો-અઢીસો વર્ષ અગાઉ થઈ ગયેલાં મહિલા વેલેન્ટિના ફિયોડોર વાસિલીવ વિશેની ચર્ચા આજના સંદર્ભમાં જરૂરી છે. વસતિ-નિયંત્રણ અને વસતિ-વધારાની વિરોધાભાસી લાગણી-માગણી વચ્ચે આ રશિયન બાનુ વેલેન્ટિનાનું નામ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમણે ગર્ભાધાન અને પ્રજોત્પત્તિમાં માની ન શકાય એવું કરી બતાવ્યું હતું.

ઈ.સ. 1725માં જન્મેલાં અને ઈ.સ. 1765માં અવસાન વચ્ચેના માત્ર ચાલીસ વર્ષના આયુષ્યમાં તેઓ 27 વખત ગર્ભવતી બન્યા હતા. આટલી પ્રસૂતાવસ્થામાં તેમણે 69 (હા. હા. છગડે નવડે ઓગણ સિત્તેર) બાળકોને જન્મ આપ્યો હતો. આ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે અને હવે કોઈ ક્યારેય આ વિક્રમને તોડી શકે એવું લાગતું નથી. પણ 27 ડિલિવરીમાં 69 બાળકો શક્ય લાગે છે?

વેલેન્ટિનાના કેસમાં ચમત્કાર જ લાગે એવું બન્યું હતું. તેમણે ચાર વખત એક સાથે ચાર બાળકો (quadraplets), સાત વાર ત્રણ બાળક એટલે ત્રેલડા (િશિાંહયતિં) અને 16 વખત જોડિયા (twins)ને જન્મ આપ્યાં હતાં. એક મહિલા માટે બાયોલોજિકલ અને ફિઝિકલ રીતે આટલી બધી ડિલિવરી અને આટલા અધધ બાળકોને જન્મ આપવાનું શક્ય કેવી રીતે બન્યું?

એક અભિપ્રાય મુજબ આ હાયપર ઓવ્યુલેશન (Hyper-ovulation)નો કેસ હોવો જોઈએ. આ સ્થિતિમાં દરેક માસિક ધર્મની સાઈકલમાં એકથી વધુ ઈંડા આવે અને બહુ-જન્મની શક્યતા વધી જાય. વેલેન્ટિનાના મામલામાં પણ આ એક માત્ર બાબત શક્ય લાગે છે.

આપણ વાંચો:  ઈકો-સ્પેશિયલ: યુદ્ધનો તનાવ વત્તા ટૅરિફના દબાવ વચ્ચે કેવો રહેશે સોનાનો ટ્રેન્ડ?

ગર્ભાધાન અને પ્રસૂતિ માટે મહિલામાં શારીરિક-માનસિક ક્ષમતા-તાકાત જોઈએ. વેલેન્ટિના એક ગરીબ ખેડૂતની પત્ની હતી. વળી એ સમયે પ્રસૂતિ માટે તો ઠીક, સામાન્ય માંદગી કે શાસ્ત્રક્રિયા માટે ય આધુનિક તબીબી સગવડો નહોતી. આવા સંજોગોમાં 69 બાળકોને જન્મ આપવો એ ચમત્કાર જ લાગે.

હાલ રશિયામાં તેઝા નદીના ડાબા કાંઠે વસેલા શુયા નગરમાં ક્યારેક વાસિલીવ દંપતી રહેતું હતું. આ સ્થળ વિશે ગૂગલ કરો તો એના નોંધપાત્ર નાગરિકોમાં એક નામ ખેડૂત ફિયોડોર વાસિલીવનું છે. શા માટે? એમની પહેલી પત્ની વેલેન્ટિનાએ વિક્રમસર્જક 69 બાળકોને આપેલાં જન્મના વિક્રમ બદલ. આમાં ફિયોડોરની હિમ્મત અને તાકાતને ય માન આપવું પડે. સાથોસાથ આટલા બધા બાળકોનો જન્મ અપાવીને તેમણે પત્ની વેલેન્ટિનાના આરોગ્યની અવગણના કરી એની ટીકા ય કર્યા વગર ન રહેવાય. આ જનાબ 1782માં 74-75 વર્ષની ઉંમરે અવસાન પામ્યા ત્યારે તેમના કુલ 87 બાળકો હતા. આનો અર્થ સ્પષ્ટ છે કે તેમણે પુન:લગ્ન કર્યા હશે. જેમાંથી પણ વધુ 20 બાળકોને જન્મ આપ્યો હતો.

બીજી પત્નીથી ફિયોડોરને 18 સંતાન થયા હતા. આમાં પણ છ જોડિયા અને બે ત્રેલડા હતા. આ રીતે તો સૌથી વધુ બાળકોના પિતા બનવાનો વિશ્ર્વ-વિક્રમ મિસ્ટર ફિયોડોર વાસિલીવના નામે ન હોવો જોઈએ! સ્થાનિક મોનાસ્ટ્રીએ આ જન્મના દસ્તાવેજો મૉસ્કોને સુપરત કર્યા હતા.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં વેલેન્ટિના ફિયોડોર વાસિલીવની વિશ્ર્વમાં સૌથી વધુ સંતાનોને જન્મ આપનારી માતા તરીકે નોંધ છે ખરી પણ આ હકીકત કે આંકડા સંપૂર્ણપણે સાચા હોવા અંગે અમુકને શંકા છે. નિષ્ણાતોની દલીલ છે કે અઢારમી સદીમાં સંખ્યાબંધ પ્રસૂતિના જોખમ અને ઊંચા બાળ-મરણ વચ્ચે આ બાબત માની શકાય એવી નથી. માની શકાય એવી ન લાગતી હોવાથી આ ઘટના, આંકડા અને નારી એક અપવાદ ન જ હોઈ શકે એવું શા માટે ધારી લેવું જોઈએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button