સુખનો પાસવર્ડ: જે થાય એ સારા માટે જ થાય છે…

-આશુ પટેલ
જેનો સમાવેશ ભારતના ટોપ ટેન આરજે(રેડિયો જોકી)માં થાય છે એવી દિલ્હીની પ્રખ્યાત આરજે સાયેમા ફિલ્મોનાં ગીતો સરસ મજાની વાતો સાથે શેર કરવા માટે જાણીતી છે. એ જીવનલક્ષી વીડિયોઝ પણ બનાવતી રહે છે. એના ફોલોઅર્સની સંખ્યા મિલ્યન્સમાં છે. થોડા દિવસ અગાઉ પોતાના જીવનની એક સરસ મજાની વાત કરી.
એ વીડિયોમાં સાયેમાએ કહ્યું: ‘સ્કૂલમાં અને કોલેજમાં મારો ફેવરિટ સબજેક્ટ ઈંગ્લિશ રહ્યો, પણ જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે સૌથી ઓછા માર્ક્સ ઈંગ્લિશમાં આવ્યા. મને હજી યાદ છે એ દિવસ… હું મારા રૂમમાં ઉદાસ બેઠી હતી. કોઈ સાથે વાત કરવાનું મન થતું નહોતું. એ વખતે સામે એક પુસ્તક પડ્યું હતું: ‘અકબર બિરબલ કી કહાનિયાં’. મેં એ પુસ્તક હાથમાં લીધું. અને એ વાંચવા લાગી. એ પુસ્તકની એક એક વાર્તા વાંચતા જ મને સમજાયું કે મારે ઉદાસ થવું જોઈએ નહીં. એ વાર્તા તમારી સાથે શેર કરું છું….
એકવાર બાદશાહ અકબર શિકાર પર ગયા. શિકાર કરતી વખતે બાદશાહની આંગળીમાં તીર વાગી ગયું. બાદશાહને બહુ દર્દ થયું. આંગળીમાંથી લોહી પણ નીકળવા લાગ્યું. આ જોઈને બિરબલ બોલ્યા:
‘ભગવાન જે કરે છે એ સારું જ કરે છે.’
બિરબલ આવું બોલ્યા તો બાદશાહ અકબરને બહુ ખરાબ લાગ્યું, પણ ત્યારે તેઓ કશું ન બોલ્યા. પાછા દરબારમાં આવીને બાદશાહ અકબરે બિરબલની ગેરહાજરીમાં આ વાત દરબારીઓને કહી. બિરબલથી ઈર્ષા કરવાવાળા દરબારીઓએ બાદશાહને ભડકાવ્યા. એક દરબારીએ કહ્યું:
‘જહાંપનાહને આટલું દર્દ થયું અને એ વાતને પણ બિરબલે મજાકમાં લીધી!’બીજો બોલ્યો:
‘જહાંપનાહે બિરબલને બહુ માથા પર ચડાવ્યો છે. એ ભૂલી ગયો છે કે સમ્રાટનું સન્માન કેવી રીતે કરાય? જ્યારે હોય ત્યારે મજાક જ કરે છે!’
ત્રીજો કહે :‘બિરબલે જહાંપનાહનો ઈલાજ કરવો જોઈએ, પણ એણે તો એમની મજાક ઉડાવી.’
દરબારીઓની આવી ચાપલૂસીભરી વાતો સાંભળીને બાદશાહ અકબરને ય ગુસ્સો આવ્યો. એમને પણ લાગ્યું કે બિરબલને પોતે જ બહુ માથા પર ચડાવ્યો છે. એથી એ પોતાની ફરજ પણ ભૂલી ગયો છે. એમણે એ ચાપલૂસ દરબારીઓને પૂછ્યું કે ‘આ હાલતમાં શું કરવું જોઈએ? જેથી બિરબલને અક્કલ આવે.’
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ: પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ…
દરબારીઓ બોલ્યા : ‘જહાંપનાહ, એને કાઢી મૂકો. એને સખ્ત સજા આપો.’
કોઈએ કહ્યું : ‘મને તો લાગે છે એને છ મહિના માટે જેલમાં પૂરી દેવો જોઈએ.’
આખી રાત વિચાર કરીને બાદશાહ એ નિર્ણય પર પહોંચ્યા કે બિરબલને સજા આપવી જ યોગ્ય રહેશે, જેનાથી એનું દિમાગ ઠેકાણે આવે.
બીજા દિવસે બાદશાહ અકબર દરબારમાં આવ્યા. બધા દરબારીઓ અને બિરબલ પણ આવી ગયા હતા. બાદશાહે બેસીને સૌથી પહેલાં સેનાપતિને બોલાવ્યો અને એને આદેશ આપ્યો :
‘બિરબલને કેદ કરીને કારાગારમાં મોકલી આપો.’
બાદશાહના આ આદેશથી ચાપલૂસ દરબારીઓ સિવાયના બધા સ્તબ્ધ થઈ ગયા. બિરબલને પણ આંચકો લાગ્યો. જોકે પછી એમને સમજાયું કે કાલે એમની ગેરહાજરીમાં તેમની ઈર્ષા કરવાવાળા દરબારીઓએ કંઈક વાત પર બાદશાહને ઉશ્કેર્યા હશે, જેનાથી બાદશાહ નારાજ થઈ ગયા છે. જોકે કોઈ કારણ પૂછયા વિના એ સેનાપતિ સાથે ચાલ્યા ગયા. બિરબલ જેલમાં પુરાયા એનાથી ચાપલૂસ દરબારીઓ બહુ ખુશ થઈ ગયા.
થોડા દિવસો પછી બાદશાહનું મન શિકાર પર જવાનું થયું, પણ બિરબલ તો જેલમાં હતા એટલે ઘણો વિચાર કર્યા બાદ એમણે એકલા જ શિકાર પર જવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…
શિકાર પર નીકળેલા બાદશાહ રસ્તો ભૂલી ગયા અને નરભક્ષી આદિવાસીઓની વસતિમાં પહોંચી ગયા. આદિવાસીઓએ બાદશાહને પકડીને એક થાંભલા સાથે બાંધી દીધા અને પેલાનાઓના સરદારે કહ્યું કે ‘આનો બલી ચડાવવામાં આવે એટલે કે બાદશાહને મારી નાખવામાં આવે.’
આ ઘોષણા થતા જ આદિવાસીઓ ઢોલ-નગારા વગાડીને નાચવા લાગ્યા. રાત થઈ એટલે તેમણે બાદશાહને દેવતાની મૂર્તિ સામે લાવીને બાંધી દીધા. પછી આગ સળગાવીને બધા એની આજુબાજુ નાચવા લાગ્યા. અચાનક આદિવાસીઓના પૂજારી બલીનું નિરીક્ષણ કરવા આવ્યા. બાદશાહની તૂટેલી આંગળી જોઈને એમણે તરત નૃત્ય- સંગીત બંધ કરાવી દીધું અને બોલ્યા: ‘આનો બલી નહીં ચડાવી શકીએ આ માણસ ખંડિત છે એને છોડી દેવામાં આવે…. દેવતા કોઈ ઘાયલ કે રોગી મનુષ્યનો બલી સ્વીકાર નથી કરતા.’
આદિવાસીઓએ બાદશાહ અકબરને છોડી દીધા એમની ચંગુલમાંથી છૂટતા જ બાદશાહ પોતાનો ઘોડો પોતાના રાજ્ય તરફ દોડાવ્યો ત્યારે એ વિચારવા લાગ્યા કે બિરબલે સાચું જ કહ્યું હતું કે ‘ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. જો એ દિવસે મારી આંગળીને ઈજા ન થઈ હોત તો આજે આ નરભક્ષી આદિવાસીઓ પોતાના દેવતા સમક્ષ મારો બલી ચડાવી દેત!!
બાદશાહે પાછા આવતા વેંત જ સેનાપતિને આદેશ આપ્યો કે ‘બિરબલને તરત છોડીને સન્માન સાથે મારી પાસે લઈ આવો.’ તરત જ એ આજ્ઞાનું પાલન કરવામાં થયું.
બિરબલ સામે આવતા જ બાદશાહે કહ્યું:
‘બિરબલ,મને માફ કરી દે. મેં તને કોઈ કારણ વગર જેલમાં ધકેલી દીધો. તેં પેલા દિવસે કહ્યું હતું ને કે ‘ભગવાન જે કરે છે એ સારું કરે છે’ ત્યારે મને તારી વાત પર ગુસ્સો આવ્યો હતો. મને લાગ્યું હતું કે તું મારી મજાક કરી રહ્યો છે, પણ આજે એક એવી ઘટના બની કે મને તારી વાત સાચી લાગી.’
એ પછી અકબરે માંડીને વાત કરી. પછી કહ્યું: ‘મને તારી વાત સમજાઈ કે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે, પણ બિરબલ, એક વાત મારી સમજમાં આવી નથી રહી’
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…
‘શું, જહાંપનાહ?’
‘એ જ કે મને ઘાયલ કરીને ભગવાને મારા માટે સારું કર્યું કે હું બલી ચડવામાંથી બચી ગયો, પણ તને ભગવાને જેલમાં મોકલીને તારું શું સારું કર્યું?’
‘જહાંપનાહ, ભગવાને મને જેલમાં મોકલીને એ રીતે એ આદિવાસીઓથી મારી પણ રક્ષા કરી.’
‘કેવી રીતે?’
‘જો તમે મને જેલમાં ન મોકલ્યો હોત તો તમે શિકાર પર મને સાથે જ લઈ ગયા હોત. ત્યારે આપણે બંન્નેને પકડીને આદિવાસી આપણે બંનેને બલી ચડાવવા માટે મંદિરમાં લઈ જાત. ત્યાં તમે ખંડિત હોવાના કારણે બચી જાત ને હું માર્યો જાત!’
‘વાહ બિરબલ, આ સાચું જ છે કે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે.’ અકબરે કહ્યું.
આ વાર્તા કહ્યા પછી સાયેમાએ ટિપ્પણી કરી: ‘આ વાર્તા વાંચીને મને સમજાયું કે મારા જે ઓછા માર્ક્સ આવ્યા એ માટે મારે ઉદાસ ન થવું જોઈએ. એ ક્યાંકને ક્યાંક મને સમજાશે કે ખરાબ નથી કંઈક સારું જ થશે.’
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : …તો કોઈની પણ આંખની શરમ ન રાખો !
અહીં સાયેમાએ વાત પૂરી કરી હતી, પણ એણે વીડિયોમાં નથી કહી એ વાત જાણવા જેવી છે. સાયેમાના પિતા લેક્ચરર છે અને એમની જેમ સાયેમા પણ લેક્ચરર બનવા ઇચ્છતી હતી. ઇંગ્લિશ લિટરેચર સાથે અભ્યાસ કરીને તે ડિગ્રી મેળવવા ઇચ્છતી હતી અને બારમા ધોરણમાં એને અંગ્રેજી સિવાય બીજા બધા વિષયમાં ઊંચા માર્કસ આવ્યા હતા, પણ અંગ્રેજીમાં ઓછા માર્કસ આવ્યા હતા. સાયેમાના કિસ્સામાં જે થયું એ સારું જ થયું. એ લેક્ચરરને બદલે ખૂબ સફળ રેડિયો જોકી બની અને આખા દેશમાં જાણીતી થઈ.
જીવનમાં કપરા સંજોગો આવે ત્યારે આ વાત યાદ રાખવી જોઈએ કે જે થાય છે એ સારા માટે જ થાય છે.