મોર્નિંગ મ્યૂસિંગ: લોકોને સત્ય પસંદ હોય છે, પરંતુ પોતાની અનુકૂળતાનું!

-રાજ ગોસ્વામી
The first casualty of war is the Truth…
યુદ્ધમાં સૌથી પહેલો ભોગ સત્યનો લેવાય છે. પ્રાચીન ગ્રીકમાં એસ્ચિલીસ નામનો એક નાટ્યકાર થઇ ગયો. એના નામે આ બયાન ચઢેલું છે. એસ્ચિલીસને સાહિત્યમાં ‘ટ્રેજેડીના જનક’ તરીકે ઓળખવામાં આવે છે. એણે લખેલાં 90 નાટકોમાંથી 7 જ બચ્યાં છે. એના એક નાટકમાં એસ્ચિલીસે આ બયાન લખ્યું હતું. એના શબ્દો જુદા હતા, પરંતુ સમય જતાં તે બયાન આ રીતે લોકપ્રિય થયું હતું :
The first casualty of war is the Truth…
કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર ટકરાવ થયો ત્યારે, ભારતમાં (અને પાકિસ્તાનમાં પણ) વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા સમાચારોનો જબરદસ્ત મારો ચાલ્યો હતો.
ચાહે 1971નું ભારત-પાક યુદ્ધ હોય, બે વિશ્વયુદ્ધ હોય કે પછી અમેરિકા-રશિયા વચ્ચેનું શીત યુદ્ધ હોય, દરેક મોટા યુદ્ધમાં ઘણી અફવાઓ અને ગપ ફેલાયાં છે. કેટલીક અફવાઓ એવી રીતે ફેલાય છે લોકો ડરના માર્યા તેને સાચી માની લે છે, પરંતુ પછીથી જુદી જ વાસ્તવિકતા સામે આવતી હતી. અફવાઓ અને જૂઠી માહિતીઓ કેમ ફેલાય છે તેનાં અનેક કારણ છે- ઘણીવાર તે પ્રચાર-પ્રપંચનો હિસ્સો હોય છે, ઘણીવાર ભય અને અરાજકતા ફેલાવાનું કાવતરું હોય છે અને ઘણીવાર સાચી માહિતીઓનો અભાવ હોય છે.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!
ભારતે તો દૂર જવાની પણ જરૂર નથી. આપણે કોરોના વખતે જોયું હતું કે લોકો અનેક પ્રકારની અફવાઓ અને જૂઠાણાંના શિકાર બન્યા હતા. તે વખતે ડરનો માહોલ હતો અને કોઈની પાસે અધિકૃત, વૈજ્ઞાનિક જાણકારી નહોતી. પરિણામે લોકોએ તમામ પ્રકારની અફવાઓને સાચી માની લીધી હતી. વર્તમાનમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ બહુ ગેરમાહિતીઓ ફેલાયેલી છે.
બીજા વિશ્વયુદ્ધમાં તો જાણી જોઇને લોકોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જર્મન પ્રજાને, જેથી એડોલ્ફ હિટલર તરફી વાતાવરણ બની રહે. હિટલર ખુદ આવા પ્રચારમાં કેટલી હદે માનતો હતો અને લોકોને એ કેટલા બેવકૂફ સમજતો હતો એના માટે એનું આ બયાનને સમજવા જેવું છે. એણે લખ્યું હતું;
‘તમામ પ્રચાર લોકપ્રિય હોવા જોઈએ અને તે સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી કેટલાય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.’
વ્યવસ્થિત જૂઠ્ઠાણું ફેલાવવા માટે બહુ વગોવાયેલા હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સના નામે એક કુખ્યાત વિધાન છે : ‘જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે….’ હિટલર અને ગોબ્બેલ્સ બંને મહાઠગ હતા. એમને માણસોની ટૂંકી બુદ્ધિની ખબર હતી. એ જાણતા હતા કે સમૂહમાં રહેવાની આદતના કારણે લોકો એકબીજાના વિચારો અને માન્યતાઓને અપનાવી લેતા હોય છે. એટલે નાઝી તંત્રએ આખાને આખા સમાજને ગુમરાહ કરવા માટે વ્યવસ્થા ગોઠવી હતી.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : હવે સોશ્યલ મીડિયા કોઈ પણ દેશમાં ગૃહ યુદ્ધ ભડકાવી શકે
ગ્રૂપ પોલોરાઈઝેશન એટલે કે સામૂહિક ધ્રુવીકરણ પણ આ રીતે જ થાય છે. ટોળામાં રહેવાની જરૂરિયાતના કારણે લોકો એકલા હોય એની સરખામણીમાં ટોળામાં હોય ત્યારે વધુને વધુ આત્યંતિક વિચાર કે વર્તન તરફ ઢળે છે. દાખલા તરીકે, એકલો માણસ કોઈનું ખૂન કરતાં બે વાર વિચાર કરે, પણ તે જો હિંસક ટોળાનો હિસ્સો હોય તો એના માટે બે-ચાર ખૂન કરવાં આસાન હોય છે.
સાદી ભાષામાં આને જ ઘેટાં વૃત્તિ કહે છે.
એમાં સારું-ખરાબ કે સાચું-ખોટું અપ્રસ્તુત અને અતાર્કિક બની જાય છે. સત્ય સાથે એકલા અને અસુરક્ષિત રહેવા કરતાં જૂઠ સાથે ટોળામાં રહીને સુરક્ષિત રહેવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે.
મધ્ય આફ્રિકાના દેશ રવાન્ડામાં આવી જ રીતે નરસંહાર થયો હતો. 1994ની ભયાનક કત્લેઆમ દરમિયાન પેટ્રીઓટિક ફ્રન્ટ નામના રાજકીય પક્ષના રેડિયો પર એક નારો બ્રોડકાસ્ટ થતો હતો : ‘હજુ કબરો ભરાઈ નથી…’ . એ પછી 12 સપ્તાહમાં હુથુઓએ હજારો તુત્સીઓને રહેંસી નાખ્યા હતા.
આ નરસંહારનાં મૂળિયાં આમ તો રવાન્ડાના ગુલામીના ઈતિહાસમાં છે, પણ એનો ભડકો રેડિયો પરથી થયો હતો. રવાન્ડાનો નરસંહાર ભડકાવવા અને દિશા નક્કી કરવા માટે રેડિયો પાવરફુલ સાધન બન્યો હતો. વોટ્સએપ પર આવતા ફેક મેસેજીસ, નફરતના વીડિયો અને ઘટિયા ઠઠ્ઠા-મશ્કરીઓને ફાલતું ગણીને ખારીજ કરવા જેવા નથી. આ ઘૃણા આવનારા સમયનો પૂર્વાભાસ છે.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : હિમાલયમાં ‘અટકી’ ગયેલા એટકિન, જેણે નંદાને મુગટ બનાવી ને ગંગાને ગોદ !
રવાન્ડાના રેડિયોના મેસેજ ‘ડ્યુક યુનિવર્સિટી’ માં સચવાયેલા પડ્યા છે. એમાં કેવી રીતે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા એની સાબિતીઓ છે. ખાલી એક ટ્રાન્ઝિસ્ટર અને બે બેટરીઓથી રેડિયો જો પાવરફુલ માધ્યમ બની જતો હોય તો, આજે ટીવી ચેનલો, વોટ્સએપ જેવાં અનેક ઓનલાઈન પ્લેટફોર્મ અને મોબાઈલ છે. આજે નફરત ફેલાવતા જે ઢગલાબંધ મેસેજ વોટ્સએપમાં આવે છે, તે રવાન્ડાના રેડિયોની જેમ, ફૈબ્રિકેટડ ઈતિહાસ પેશ કરે છે અને આપણને ‘એક્શન’ લેવા ઉકસાવે છે.
સભ્યતાઓના ઇતિહાસમાં જૂઠની ભૂમિકા હંમેશાં રહી છે. રાજકારણીઓ, જે આમ જનતા કરતાં વધુ ગંભીર, જવાબદાર અને સમજદાર હોય છે, એમણે હંમેશાંથી જનતાને લાગણીઓમાં ગુમરાહ કરવાને બદલે તથ્યો અને નીતિઓ સાથે બાંધી રાખી હતી, પરંતુ સમાજો અસ્થિર અને ભયભીત થઈ રહ્યા છે એટલે રાજકારણીઓએ લોકોને ગમે તેવું બોલવાનું શરૂ કર્યું છે અને એમાં તથ્ય, સત્ય અને હકીકતનો ભોગ લેવાયો છે.
લોકોને સત્ય પસંદ હોય છે તે વાત સાચી, પરંતુ મોટાભાગના લોકોની એમાં એક શરત હોય છે કે તે સત્ય એમને અનુકૂળ હોવું જોઈએ. આપણે સત્યને નિરપેક્ષ (તટસ્થ) સત્ય તરીકે પસંદ નથી કરતા. આપણે એ સત્ય આપણા માટે કેટલું કામનું છે તે મુજબ પસંદ કરીએ છીએ : કાં તો તે મારી માન્યતાને મળતું આવવું જોઈએ અથવા મારા અહંને પંપાળે તેવું હોવું જોઈએ. નહીં તો તે સત્યનું મારા માટે કોઈ મૂલ્ય નથી.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
મોટાભાગના લોકો પ્રતિકૂળ સત્યને જૂઠ કહીને નકારી કાઢે છે અને અનુકૂળ સત્યને પુષ્ટિ આપે છે. આપણે અર્ધ-સત્ય અને અર્ધ-જૂઠમાં જીવીએ છીએ. હકીકત એ છે કે આપણે જેને સત્ય માનીએ છીએ તેમાં જૂઠનું તત્ત્વ હોય છે, અને જેને જૂઠ ગણીએ છીએ તેમાં સત્યનો અંશ હોય છે.
જો બહુમતી લોકો તમારા અભિપ્રાયમાં સૂર પુરાવતા હોય, તો એ અભિપ્રાય તમારો નહીં, ટોળાનો કહેવાય અને તેને
અભિપ્રાય નહીં, પ્રોપેગેંડા કહેવાય. અસલી અભિપ્રાય લાગણીઓથી દોરવાયા વગર, વિવેકબુદ્ધિના ઉપયોગથી તારવવામાં આવેલ નિષ્કર્ષને કહેવાય એટલા માટે અભિપ્રાય એકલવાયો હોય અને પ્રોપેગેંડા ટોળાથી દોરવાયેલો હોય, કારણ કે લોકો એકબીજાનું જોઈને એમાં માનતા હોય છે. અભિપ્રાય ક્રિટિકલ થિન્કિંગ અને લાગણીઓની ગેરહાજરીમાંથી આવે. પ્રોપેગેંડા લાગણીને ઉત્તેજિત કરીને વિચારો પર કાબૂ મૂકવાના ઉદ્દેશ્યમાંથી આવે. અભિપ્રાય વ્યક્તિગત હોય, જ્યારે પ્રોપેગેંડા માસ મીડિયામાંથી આવે.