ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી કરનારી જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

ચંદીગઢ : હરિયાણા સ્થિત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દૂતાવાસનો અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના સંપર્કમાં હતો.

જ્યોતિ દાનિશના સતત સંપર્કમાં હતી

આ ઉપરાંત દાનિશ ભારતના ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સરોના સંપર્કમાં હતો. પહલગામ હુમલા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન જ્યોતિ દાનિશના સતત સંપર્કમાં હતી. કાશ્મીરમાં જ્યોતિ જે લોકોને મળી હતી તેમની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જ્યોતિના પાકિસ્તાન પ્રવાસનો તમામ ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત દાનિશે ઉઠાવ્યો હતો.

જ્યોતિનો ઉપયોગ એસેટ તરીકે કરી રહ્યો હતો

પહલગામ હુમલા પછી દાનિશ ભારતના ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સરો પાસે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સારી છબી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન તે જ્યોતિનો ઉપયોગ એસેટ તરીકે કરી રહ્યો હતો. દાનિશે જ્યોતિના પાકિસ્તાન પ્રવાસનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો.

જ્યોતિ 2023માં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન દાનિશને મળી

અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ પાકિસ્તાન દૂતાવાસમાં રાજદ્વારી અધિકારી હતા. પરંતુ ભારતીય એજન્સીઓએ તેને 13 મે 2025 ના રોજ શંકાસ્પદ પ્રવુતિમાં સામેલ થવા બદલ 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. જ્યોતિ 2023માં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન દાનિશને મળી હતી. જ્યાં તે એક પ્રતિનિધિમંડળ સાથે ગઈ હતી. ભારત પરત ફર્યા પછી તેણે દાનિશ સાથે સંપર્ક જાળવી રાખ્યો અને તેની ભલામણ પર ફરીથી પાકિસ્તાનની મુલાકાત લીધી. જ્યાં તે શાકિર અને રાણા શાહબાઝ જેવા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને પણ મળી હતી.

આપણ વાંચો:  વેસ્ટર્ન કમાન્ડ – ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો, જુઓ…

ઓપરેશન સિંદૂર અને લશ્કરી પ્રવૃત્તિઓ વિશેની માહિતી લીક

સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યોતિ મલ્હોત્રા માત્ર સામાજિક બેઠકો જ નહીં પરંતુ ભારતના લશ્કરી છાવણીઓ અને ઓપરેશન સિંદૂર સંબંધિત સંવેદનશીલ માહિતી પણ પાકિસ્તાની એજન્ટોને પૂરી પાડતી હતી. આ તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે પહલગામ આતંકવાદી હુમલા પછી તે પાકિસ્તાની પક્ષને ભારતની લશ્કરી તૈયારીઓ વિશે માહિતી આપતી રહી.

ધરપકડ બાદ ઘણા વધુ નામો પ્રકાશમાં આવ્યા

તપાસ એજન્સીઓએ જ્યોતિના લેપટોપ, મોબાઇલ, કેમેરા સહિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કોલ રેકોર્ડ્સની તપાસ કરી જેનાથી સ્પષ્ટ થયું કે તે દાનિશ અને અન્ય પાકિસ્તાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી. અધિકારીઓએ એમ પણ કહ્યું કે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ઘણા વધુ નામો પ્રકાશમાં આવ્યા છે. જેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button