ઉત્સવ

ઊડતી વાત : હોદ્દો સંભાળ્યાના બારમા દિવસે એણે શું કર્યું?

-ભરત વૈષ્ણવ

‘સાહેબ, રાધારાણી બોલું છું.’ રાધારાણીએ પ્રદેશ પ્રમુખ ડબડબરાયને ફોન કર્યો. ડબડબરાયનું સાચું નામ તો ડોલરરાય હતું, પરંતુ દરેક બાબતમાં ડબડબ કરવાની આદતને લીધે લોકો એમને ડોલરરાયને બદલે ‘ડબડબરા’ય કહેતા હતા. ‘બોલો બેન, મને કેમ યાદ કર્યો.’ ડબડબરાયે ચોકલેટ ખાતા હોય તેવા લિસ્સા અવાજે પૂછયું.

‘સાહેબ, થોડી મજા આવતી નથી.’ રાધારાણીએ ફરિયાદના ટોનમાં કહ્યું. સામા છેડે ડબડબરાયની બેચેની વધી ગઇ, કારણ કે એમને રાધારાણી પર ક્રશ હતો. પોલિટિકલ પાર્ટીમાં તો આવું સામાન્ય ગણાય. ‘કેમ શું થયું?’ ડબડબરાયે ચિંતાભર્યા સ્વરે પૂછયુ.

‘થોડો લોચો લાગે છે.’ કેમ,. ઓલો ખચ્ચર વિતાડે છે? કાંઇ વાંધો નહીં. ચિંતા કરવાની નહીં. આપણે તમારો ધણી બદલી નાખીશું.’ ડબડબરાયે ‘ધણી બદલો’ ફોર્મ્યુલા રજૂ કરવાની તત્પરતા દાખવી. ના પ્રમુખ સાહેબ, હજુ તો ધણીને ધાકમાં ને વાંકમાં રાખી શકું છું. ધણીને કણકની જેમ ટીપી ટીપીને માંડ અનુકૂળ બનાવ્યો છે. હવે નવા ધણીને નવેસરથી કેળવવાને ટપારવીને મજા નો આવે’ રાધારાણીએ ધણીછૂટી વાત કહી.

તો તો ઠીક છે. બાકી ધણી બદલવાનો હોય તો મારા સહિત ઘણા બધા લાઇનમાં ઊભા છે.’ આમ કહી ડબડબરાયે કોરા હોઠ પર ભીની જીભ ફેરવી લીધી.

સાહેબ એ હું જાણું છું ને કે તમને મારા’ બાકીનું વાક્ય રાધારાણીએ અધ્યાહાર રાખ્યું.

‘તમે કાંઇ લોચાલાપશીની વાત કરતા હતા’ ડબડબરાય મૂળ મુદ્દા પર આવ્યા.

‘સાહેબ, મુંવું ટાંટિયા તોડીને નગરપાલિકાની પ્રમુખ બની એમાં મને એમ કે મોટો લોચો મળશે.’ રાધારાણીએ વાત શરૂ કરી.
‘રાધારાણી, રાજકારણમાં કશું એમ ને એમ મફતમાં મળતું નથી. તમે તન-મન-ધનનું જે બલિદાન આપ્યું છે એનાથી હું કયાં અજાણ છું.?’ ડબડબરાયે ડબકું મેલ્યું.

‘સાહેબ, થોડા દિવસ તો બોવ સારું લાગ્યું. સંસ્થા, લોકો તરફથી સન્માન કરે શાલ ઓઢાડે, હારતોરા કરે, સ્મૃતિભેટ આપે એટલે સારું લાગે. પ્રમુખની ખુરશીમાં બેઠી તો રાજા ભોજના સિંહાસને બેઠી હોય તેવું લાગ્યું. પ્રમુખ તરીકે રહેવા મોટો બંગલો મળ્યો.

ફરવા માટે લકઝુરિયસ ગાડી મળી. નોકરચાકર મળ્યા. સાહેબ, ખોટું નહીં બોલું ….પણ સ્વર્ગ અને મારી વચ્ચે ચાર વેંત નહીં પણ બે વેઢાનું અંતર હોય તેવું લાગ્યું. જો કે એ બધું તો સવારમાં પડેલી ઝાંકળને સૂરજનો તાપ અડે અને ઝાંકળ ઊડી જાય તેવું થયું છે.’ રાધારાણીએ પ્રમુખપદના કાંટાળા તાજની વિતક કથા કહેવાનું શરૂ કર્યું.

‘બેન, હોદ્દો મળ્યો તો હોદ્દાને લાયક બનવા કંઈક કરવું પડે. હોદો મેળવવા જેટલા ખોખા ગુમાવ્યા છે તેના કરતાં અનેકગણા કમાવા તો પડશે કે નહીં?’ ડબડબરાયે હિંમત બંધાવી.

‘મને એમ હતું કે ભાણિયા-ભત્રીજાને નગરપાલિકામાં નોકરી અપાવીને તેની લાઇફ બનાવી દઇશું. આ બધું તો બધે જ ચાલે છે.’ રાધારાણી બોલ્યા.

‘હઅમ, તમારી વાત સો ટચના સોના જેવી પ્રેક્ટિકલ છે.’ ડબડબરાયે ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની જેમ હા મા હા મિલાવી.
‘પ્રમુખ સાહેબ, એ બધું સાચું. તમારા ભાઇએ મથામણો કરે છે. માખણમલાઇવાળી ફાઇલો પર પહેલા મારા કાંડા કપાવે છે. મને તો બહુ બીક લાગે છે કે મારા કાળામાં ધૂળ ન પડે. ધોળામાં ધૂળ પડે તો વાંધો ન આવે. કાળામાં ધૂળ પડે તો સૌને ખબર પડે.’ રાધારાણીએ ભીતિ દર્શાવી.

‘એવું બહુ મનમાં નહીં લેવાનું. રાજકારણમાં આળી ચામડીના નહીં ગેંડા જેવી જાડી ચામડીના થવું જ પડે.’ ડબડબરાયે ફિલોસોફી ઝાડી.

‘સાહેબ, મૂઈ પબ્લિક લોહી પી ગઇ છે. સ્ટ્રીટ લાઇટ ન હોય તો મને ફોન કરે. નળમાં પાણી ન આવે તો મારુ પાણી હરામ કરી નાંખે. ગટર ઉભરાય તો જાણે મેં ગટર સાફ કરવાનો ચૂંટણી સંકલ્પપત્રમાં સંકલ્પ કર્યો હોય તેમ લોહી પી જાય છે.

લોકના ઘરે પાણી ન આવે તો મારી ચેમ્બરમાં બેનો માટલી ફોડે છે. કોઇને કમિશનર પાસે જવું જ નથી. હુંય ગાંજી જાવ તેવી નથી. મેં પણ અજિતદાદા પવારની જેમ લોકને કહેવાનું શરૂ કર્યુ છે કે હું તમારી નોકર નથી. નાની બાબતમાં શું મારે ત્યાં દોડ્યા આવો છો?’

રાધારાણીએ પ્રજા પીડા કહી દીધી.
‘તમે લોકોને ઉલ્લુ બનાવવાનું શીખી લો. તમારે માટે નગરપાલિકા પ્રમુખ થયા પછી એમએલએ, મંત્રી, મુખ્યમંત્રી બનવાની શક્યતા હું ખુલ્લી આંખે જોવ છું. મનની નિરાશા સિગારેટની રાખની જેમ ખંખેરી નાખો.’ ડબડબરાયે સોનેરી સલાહ આપી.
‘સાહેબ, તમારી બધી વાત સાચી. એક મુશ્કેલી હોય તો લડી લેવાય. અહીં તો ધાડેધાડા છે. પાર્ટીના તાલુકા, જિલ્લા, રાજ્ય, કેન્દ્રની જુદા જુદા યુનિટ ચંદા માટે મગરની જેમ મોં ફાડે છે.. ‘માનો કે દાતા એક રાધારાણી ઔર ભિખારી સારી દુનિયા!’ કાઉન્સિલર પણ મારા ટાંટિયા ખેંચીને ખુરશી બંધાવવાની કોશિશ કરે છે. ‘આમદાની અઠન્ની નહીં ને ચવન્ની ને ખર્ચા રૂપિયા કરોડ ભૈયા…’ જેવો તાલ થાય છે. ગાંઠનું ગોપીચંદન કરવા રાજકારણ થોડું જોઇન કર્યું છે…?’ રાધારાણીએ તકલીફોની લંગાર જણાવી.

આપણ વાંચો:  મિજાજ મસ્તી : જીવન નામે ચમત્કાર….. આ દુનિયામાં છે એક અજીબ દુનિયા !

‘હઅમ’ ડબડબરાયે ડબકું મુકયું.
‘સાહેબ, લોકનાં કામ કરવા જઇએ તો અધિકારીઓ ગાંઠતા નથી. સાલા, ઇયળ જેવા હોય છે. સોયના નાકામાંથી નીકળી જાય અને પછી દરવાજો પણ સાંકડો પડે…. લાગે છે કે વહીવટની આંટીઘૂંટીમાં તો મારી ટર્મ જ પૂરી થઇ જશે!?’
‘બેન, બધા સાથે શરૂઆતમાં આવું જ થાય. તમને પ્રમુખ થયે જુમ્મે જુમ્મે ચાર દિન થયા છો. બ્યુરોક્રેસી તો આપણને ભાંગડા કરાવે .’ ડબડબરાયે કહ્યું.

‘સાહેબ, મારે માટે તો ચકલી નાની નહીં પરંતુ, કીડી નાનીને ફૈડકો મોટો જેવું થયું. માનો કે નાના માથાને મોટી પાઘડી પહેરાવી દીધી. મારું સુખચેન નીંદ હેરાન થઇ ગઇ. પ્રમુખનો તાજ કાંટાળો હશે તેની ખબર હોત તો પ્રમુખ બનવા કરતા ભીખ માગવાનું પસંદ કરત.’ રાધારાણીએ બધી ભડાશ નિકાળી.

ડબડબરાય એમની રીતે રાધારાણીને પોલિટિકલ આંટીઘૂંટી સમજાવતા રહ્યા. રાધારાણીએ ભાંજગડમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ગોતી કાઢ્યો.

રાધારાણીએ મનને આહ્વાન આપ્યું: ‘રાધારાણીને કહો કે કાઢે કાગળ, હવે તો રાજીનામું એ જ કલ્યાણ! ’
જો કે જોગાનુજોગ રાધારાણી પ્રમુખ થયાને એ બારમો દિવસ હતો ને રાધારાણીની પોલિટિકલ કેરિયરનું પણ જીવતેજીવ બારમું થઇ ગયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button