વલો કચ્છ: કચ્છ ને અસમની પ્રજાગત સીમાંત સંવેદના…

-ડૉ. પૂર્વી ગોસ્વામી
કચ્છ અને અસમ. બે છેડાના સીમાંત પ્રદેશો, એક પશ્ર્ચિમે અને બીજો પૂર્વોત્તરમાં. કચ્છથી કામરૂપ એકસરખી સંવેદનાઓ વિસ્તરેલી છે; પ્રજાગત સંવેદનાઓ. કચ્છ અને અસમનું સરિતાસુખ અતીત અને વર્તમાનની વચ્ચે અન્ય એક સામ્ય રેખા ઊભી કરે છે. કચ્છની પાસે કોઈ મોટી નદી આજે તો નથી પરંતુ પૂર્વે સિંધુ અને સરસ્વતી અસમની બ્રહ્મપુત્રની જેમ વહેતી હતી. જીવ ધબકે છે બ્રહ્મપુત્રના કિનારે. બિહુ ઉત્સવોનો રાજવી છે. ઋતુચક્ર બદલાય એટલે નવા રૂપેરંગે આવે.
આસામના સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક બિહુ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. ગોરુ બિહુ, માનુહ બિહુ, ભાથ બિહુ, બોહાગ બિહુ. ચૈત્રના અંતે આવે તે છે ગોરુ બિહુ. અસમિયા ક્ધયા જાતે તૈયાર કરેલો પોશાક પહેરે. યુવકો મળે, નૃત્ય આરંભાય.
આ પણ વાંચો: વલો કચ્છ : એક ખાલી કોરું પેટથી એક ભરપૂર જીવન સુધીની કચ્છી યુવતીની અનોખી યાત્રા…
વાંસના કોરતાલ અને ઢોલ તેમાં મુખ્ય વાદ્ય. ચાર પંક્તિના બોલ હોય અને એકથી વધુ દિવસ ઉત્સવ ચાલે. માનુહ બિહુમાં એક અસમી બીજાને ગમછો ભેટ આપે. ભાથ બિહુ જાન્યુઆરીમાં આવે. ખેતીની મોસમ પૂરી થઈ હોય ત્યારે ધરતીનાં ગીત જામે. અસમી યુવતીના પ્રણયની આ પંક્તિ બ્રહ્મપુત્રે હૃદયસ્થ કરી રાખી છે:
ઓટ્ટ કોઈ સેનેહર મુંગારે બહુરા
તાત્તુકોઈ સેનેહર માકો
તાત્તુકોઈ સેનેહર બુહાગીરે બિહુટી
જોપાટિ કેને કોઈ ઠાકો
અર્થાત્, મને પસંદ છે મુગા (વસ્ત્ર), તેનાથી વધુ ગમે બોહાગ બિહુ. મારો પ્રિયતમ જ્યાં લગી ઢોલ વગાડયા કરશે, તેના તાલ પર હું નૃત્ય કરતી રહીશ! જાણે કચ્છના વ્રજવાણીની સાતવીસુ આહિરાણીયુંના રાસની અનુભૂતિ ન હોય! કૃષ્ણ સાથે જોડાયેલા બે પ્રસંગો, અસમે એક રૂક્મિનીહરણ તો કચ્છનું વ્રજ્વાણી તે બીજું. ગુજરાતનો હિસ્સો હોવા છતાં કચ્છનું પોતાનું નૂતન વર્ષ ઉજવાય છે;
અષાઢી બીજના. ‘આવડ બાવળ ને બોરડી ફૂલ કંઢા ને કખ, હાલ હોથલ કચ્છડે જિત માડુ સવા લખ’ લાખો ફુલાણી હોથલને કહે છે અને અષાઢી બીજના કચ્છને વર્ષારાણીના શુકન થાય અને પ્રજા એ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવે છે. છાલ, પૂર્વોત્તર- પશ્ર્ચિમની આ સંવેદનાનું સૌંદર્ય અક્ષત રહે.
આ પણ વાંચો: વલો કચ્છ : 1 મે 1960 ગુજરાત મહારાષ્ટ્ર સાથે કચ્છ પણ અલગ રાજ્ય બની શક્યું હોત!
બંને પ્રજાનો પોતાનો ઈતિહાસ, પરંપરા અને જીવનશૈલી છે. હાસ્ય અને રુદન છે. બીજા પ્રદેશો કરતાં સાવ અલગ. એકલા ગુજરાતનો નકશો જોઈએ તો સુરતી લાલાઓ, ચરોતરી ખેડૂતો, ડાંગના અને પંચમહાલના આદિવાસીઓ, આ બધાથી અલગ સામખિયાળી પહોંચતાવેંત અલગ પ્રદેશમાં પ્રવેશ્યાનો અનુભવ કરાવે કચ્છ! રણ, ડુંગરા અને દરિયાથી ભરેલો પ્રદેશ.
પ્રજાકીય અન્ય સંવેદનાઓ યુદ્ધની, શાંતિની, વિવાદ અને વિખવાદની, હિજરત અને ઘૂસપેઠની, વિષાક્ત રાજનીતિની. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની. કચ્છમાં મહાભૂકંપ આવે છે તો અસમનાં ગામડાંઓને ક્યારેક ગાંડી બનેલી બ્રહ્મપુત્રનો સામનો કરવો પડે છે. સમસ્યાઓ માટે આ બે પ્રદેશોમાં ક્યાય વિસ્મયની વાત નથી. સમયનાં પાન પર અહીંના હસ્તાક્ષરોમાં ચિંતા છે, અજંપો છે, વ્યગ્રતા છે, ગુસ્સો છે અને આ પીડાનાં કારણો રાજકીય-સામાજિક-આર્થિક-ભાષાકીય છે.
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જવાનોએ લોહી રેડીને છેક સિંધ થરપારકર સુધીનો વિસ્તાર પર કબજો કરી લીધો હતો પણ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે, ભારતે છાડબેટ અને ધાર બન્ની પાકિસ્તાનને આપી દેવું પડશે. છાડબેટ તો કચ્છના ધબકતો હૃદયનો એક ટુકડો! સરકારે ચુકાદો સ્વીકાર્યો કે કચ્છીમાડુઓના આ અન્યાય બદલ સત્યાગ્રહનો બુંગિયો ફૂંકાયો.
આ પણ વાંચો: વલો કચ્છ : કચ્છની કમાંગરી: શૈલી નહીં, એક વિશિષ્ટ કલાની ઉજવણી…
તમામ વિરોધ પક્ષો એક મંચ પર એકત્રિત થયા. એપ્રિલ અને મે 1968ના કચ્છ સત્યાગ્રહના જુસ્સાભર્યા દિવસો યાદ આવી જાય. એ સત્યાગ્રહનું એક અનુસંધાન અસમ સાથેનું પણ છે! કચ્છ સત્યાગ્રહના પહેલા દિવસે ખાવડાની બહાર સમાજવાદી આગેવાન, ઈશાન ભારતની રાજનીતિ અર્થનીતિ સમાજનીતિના પ્રખર અભ્યાસી હેમ બારૂઆએ અસમમાં ઘૂસણખોરીની વાત કરી.
‘કચ્છના રસ્તે ગુજરાતમાં આવું ન બને તેવી સાવધાની રાખવાનું કહેવા માટે હું ગુવાહાટીથી કચ્છ આવ્યો છું.’ કારણકે બરાબર આવી જ ઉપેક્ષા સરહદી અસમની થઈ હતી. જિંદગીનાં અસ્તિત્વ માટે ઝૂઝતી ગિરિવાસી-વનવાસી આદિમ પ્રજા અને પ્રાકૃતિક સંપદા પર પ્રજા અને પ્રદેશની આપણે કોઈ દરકાર રાખી જ નહીં. બિનઅસમ લોકોના સતત ધસારાને કારણે ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ વધતું જ રહેતું હતું અને આખરે કેન્દ્ર સુધી સરકાર મોટા પાયે સમજૂતીથી બિનઅસમીઓને જુદા તારવવા માટે કવાયત કરવા મજબૂર બની.
અસમ માટે પણ 1967ના વર્ષને વિભાજક વર્ષ તરીકે નિયત કરવામાં આવ્યું અને 1971ના વર્ષથી આવેલા બિનઅસમીઓને રાજ્ય બહાર મોકલવાનો નિર્ણય લેવાયો. ભારતના રાજકારણમાં કચ્છ સાથે અસમનું આંદોલન પણ સીમાચિહ્ન કહી શકાય.
સંદર્ભ: વિષ્ણુ અને આરતી પંડ્યા લિખિત ‘અલગાવની આંધી’