શામળાજીની અસાલ જીઆઈડીસીમાં ચાર મહિનાથી બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શામળાજીની અસાલ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા મોડાસા સહિત આસપાસની દસ ફાયર ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું હતું.
શામળાજી-હિંમતનગર હાઈવે પર અસાલ ગામમાં આવેલી જીઆઇડીસીમાં એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. આ કેમિકલ ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. આગની જાણ થતાં સ્થાનિક લોકો અને સરપંચે પહોંચી મોડાસા ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટો જોવા મળ્યા હતા. બનાવ સ્થળ પાસે ઉભેલા કેમિકલ ભરેલા ૬૦ જેટલા ટેન્કર પણ આગની ઝપેટમાં બળીને ખાક થઈ ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં મોડાસાથી ત્રણ જેટલી ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી. જોકે આગ ભીષણ હોવાથી મોડાસા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવવા માટે હિંમતનગર, ઇડર અને મહેસાણાથી ફાયર વિભાગની ગાડીઓ બોલાવવામાં આવી હતી. આ કેમિકલ કંપનીમાં લાગેલી આગની અસર અન્ય ફેકટરીઓને ન થાય એ માટે આગને કાબૂમાં લેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન છ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.