આકાશ મારી પાંખમાં : મારી લક્ષ્મી પર હાથ ઉગામશો તો કાઢી જ મૂકીશ

-ડૉ. કલ્પના દવે
ગરીબ લક્ષ્મીને યશોદાબેને જ ઉછેરીને મોટી કરી હતી. સાપુતારાની કન્યાશાળામાં કામ કરતા યશોદાબેને જ દારૂની લતને લીધે, ફેફસાના રોગમાં કમોતે મરનાર ગણપતની આ બાર વર્ષની નમાઈ દીકરી લક્ષ્મીને યશોદાબેને પોતાને ખોળે લીધી હતી. લક્ષ્મી પણ એ જ કન્યાશાળામાં ભણી હતી. બારમું ધોરણ પાસ કરીને એ જ શાળામાં નોકરી કરતી હતી. કન્યાશાળામાં વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મનું કાપડ વેચવા આવતા વડોદરાના વેપારી મણિભાઈની નજર લક્ષ્મી પર ઠરી હતી.
એક દિવસે મણિભાઈએ યશોદાબેનને કહ્યું- બહેન, તમારી દીકરી લક્ષ્મી ખૂબ ડાહી અને કામકાજમાં હોશિયાર છે. તમે હા પાડો તો હું એની સાથે લગ્ન કરવા માગું છું. તમે ચિંતા જરાય ન કરતા, હું એને ખૂબ ખુશમાં રાખીશ. તમે સારા કુટુંબના છો, અને ધંધામાં ઠરેલ છો. તમારા મા-બાપને મળીને તથા લક્ષ્મીની ઈચ્છા જણાવીને પછી કહું. પણ, એટલું કહી દઉં કે લક્ષ્મીને મેં ખૂબ લાડકોડમાં ઉછેરી છે.
વડોદરા શહેરની ઝાકમઝોળે અને મણિભાઈના બોલકા સ્વભાવે લક્ષ્મીનું મન જીતી લીધું અને બંનેના લગ્ન લેવાઈ ગયાં. ભરયુવાનીમાં વિધવા થયેલાં યશોદાબેનના જીવનના બે જ આધાર- એક સાપુતારાની કન્યાશાળાની નોકરી અને લાડકી દીકરી લક્ષ્મી. રૂઢીચુસ્ત યશોદાબેન તો લક્ષ્મી દીકરીના ઘરનું પાણી પણ ના પીએ. એમને લક્ષ્મીની ચિંતા રહે કે સાસરે મારી લક્ષ્મી સુખી તો હશે જ ને-
લગ્ન પછી યશોદાબેનને જાણવા મળ્યું કે મણિભાઈ એના મા-બાપના એક ના એક જ દીકરા છે, અને એની મા કોઈ મુસલા જોડે ભાગી ગઈ હતી, એના બાપા તો કાકાને ધંધો સોંપીને બાવા થઈ ગયા હતા તે સોળ વર્ષના મણિયાને કાકાએ જ ઉછેર્યો.
જો કે મણિભાઈ પોતે ધંધામાં કુશળ અને વિવેકી જણાયા એટલે અને લક્ષ્મીને પણ એમના માટે પ્રેમ છે જાણી યશોદાબેને લગ્ન કરાવવાની હા પાડી હતી.
લગ્નને દોઢેક વર્ષ થયું હશે ને અચાનક સાંજે સાત વાગે લક્ષ્મી યશોદાબેનેના ઘરે આવી ગઈ. એની સૂજેલી આંખો, લઘરપઘર કપડા-અસ્તવ્યસ્ત વાળ- એને જોઈને યશોદામા તો હેબતાઈ જ ગયા. એક નાની થેલીમાં બે-ત્રણ જોડી કપડાં લઈને આમ અચાનક એકલી કેમ આવી હશે- આવા અજાણ્યાને મારી લક્ષ્મી મેં શું કામ આપી- હું જ જવાબદાર છું. બીજી તરફ લક્ષ્મી તો યશોદામાના ખોળામાં માથું મૂકીને ડૂસકાં દઈને રડતી જ હતી.
બેટા, કંઈ કહે તો ખરી, શું થયું છે, તું આ રીતે અચાનક કેમ આવી ગઈ, શું થયું છે? યશોદામાએ પૂછયું. મા, છેલ્લા કેટલાક સમયથી એમને દારૂની લત લાગી હતી અને સોસાયટીમાં રહેતા બે મિત્રો સાથે જુગાર રમતા હતા. પૈસા જીતીને આવે ત્યારે દારૂ ઢેંચે અને મને રંજાડે. મારો પાંચમો મહિનો જાય છે, હવે સંબંધ ન કરાય પણ માને જ નહીં. જો કોઈ વાર હારીને આવે તો બધી દાઝ મારા પર કાઢે. (એ ડૂસકાં દઈ રડવા લાગી.)
આવવા દે એને અહીંયા એને સીધો દોર કરી નાંખીશ. સમજે શું એના મનમાં-એની યશોદામા હજુ જીવતી બેઠી છે. યશોદામા એ પીઠ પસવારતાં કહ્યું. ત્યાં જ પીઠ પર સોળ પડેલા જોયા. આ શું થયું છે? યશોદામાએ ચિંતિત થતા પૂછયું. મા, કાલે રાત્રે બે વાગે આવ્યા ત્યારે એ ખૂબ નશામાં હતા. દારૂના નશામાં ધૂત હતા. મને રંજાડવા આવ્યા મને પીડા થતી હતી મેં એમને દૂર હડસેલતા ના પાડી. તો, ખૂબ બરાડા પાડવા લાગ્યા. અને મારા વાળ પકડીને મને ધીબી નાંખી. સવારે એ ગયા કે તરત હું બે કપડાં લઈને એમને કીધા વગર જ તારી પાસે આવી છું. કહેતાં લક્ષ્મી ફરી રડવા લાગી. હાય, હાય સાલો રાક્ષસ છે, બેજીવવાળી પત્નીને આ રીતે રંજાડે છે! અકળાયેલા યશોદામાએ કહ્યું.
મા,મા ઈ બે પૈસા ઓછું કમાય તો ચાલે,પણ જુગાર રમે, દારૂ પીએ અને મને મારે તે કેમ ચલાવી લઉં. આ અગાઉ પણ મને બેત્રણ વાર મારી હતી પણ તને દુ:ખ થાય એટલે ના કહ્યું. મેં એમને બે-ત્રણ વાર સમજાવ્યા કે હવે બાળક આવશે તમે આવું કરો નહીં. જુગાર રમાડે-દારૂ પીવડાવે એવાની સોબત છોડી દો. આવવા દે મારી પાસે એને મારી દીકરી પર હાથ ઉગામે છે સમજે છે શું એના મનમાં? તું ચિંતા ના કરીશ. યશોદાબેન બોલ્યાં. મા, મા હવે હું એની હારે નહીં રહું. મને ડર લાગે છે. હું તારી હારે જ અહીં એક ખૂણામાં પડી રહીશ. મારે એ ઘરમાં નથી રહેવું.
જો, દીકરા તું કોઈ ફિકર કરતી નહીં. તારા ગર્ભમાં રહેલા બાળક પર અસર થશે. તું એને સાચવ. કાલે જ મનસુખકાકાને વડોદરે મોકલીશ. કન્યાદાન કરાવનાર મનસુખકાકા ત્યાં જઈને તપાસ કરશે. યશોદામાએ કહ્યું. સાપુતારા કન્યાશાળાના મોટાસાહેબ બીજે જ દિવસે વડોદરામાં આવેલી મણિલાલની કાપડની દુકાને પહોંચ્યા. ત્યાંતો દુકાન પર તાળું, તપાસ કરતાં ખબર પડી કે દાણચોરીનો માલ એમની દુકાનમાંથી પકડાયો અને મણિભાઈના એક વેપારી એ પોલિસ ફરિયાદ કરી કે મણિલાલે એના નામની ખોટી સહી કરીને બે લાખની રકમ ઉચાપત કરી છે. એટલે મણિલાલ સાથે એના બે મળતીયા પણ પોલીસ કસ્ટડીમાં છે. મનસુખભાઈ પોલીસ સ્ટેશને ગયા.
મનસુખલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે એમને જોતાં જ મણિભાઈ કરગરવા લાગ્યા- બાપા, તમે કહેશો તેમ કરીશ, પણ મને અહીંથી છોડાવો. મારી લક્ષ્મીને પણ મેં ખૂબ રંજાડી પણ મને માફ કરો. મારી લક્ષ્મી ત્યાં આવી છે, ને? હું આજે સાપુતારા આવવાનો જ હતો ને આ પોલીસે દરોડા પાડ્યા. બાપા મને બચાવી લો. મનસુખલાલે લક્ષ્મી ખાતર મણિલાલને છોડાવવા મોટા સાહેબ સાથે વાત કરી. મામલો શાંત કરીને બે દિવસે મણિલાલની સાથે સાપુતારા આવ્યા.
મણિભાઈ યશોદામાને પગે લાગવા ગયા- ત્યાંજ યશોદામા બરાડ્યા- તું ત્યાં છેટો જ રહેજે. તેં દારુ પીધો મારી લખમીને મારી છે. મારે તારી સાથે કોઈ વાત કરવી નથી. મા, મને માફ કરો. હું ટેન્શનમાં હતો. ટેન્શનમાં હોય એટલે દારુ ઢેંચીને બૈરી પર હાથ ઉગામવાનો – મારી લક્ષ્મી નહીં આવે. એની મા હજુ જીવે છે. યશોદાબેને કહ્યું, મારી એક શરત છે, હવે લક્ષ્મી વડોદરા નહીં આવે, એ કન્યાશાળામાં નોકરી કરશે. બોલો, મણિભાઈ તમારે વડોદરા રહેવું છે કે અહીંયા? પછી જરા મર્મમાં જ કહ્યું કે તમે પણ અહીં રહી જાવ, મારી નજર સામે. કોઈ નોકરી શોધી લો.
મણિલાલે નીચી નજરે ડોકું ધૂણાવ્યું. યશોદામાએ કહ્યું- મારી લક્ષ્મી પર હાથ ઉગામશો તો કાઢી જ મૂકીશ. મા- તમે કહો છો તેમ જ કરીશ. મને માફ કરો. લક્ષ્મી આ જમાઈ માફી માગે છે, શું તું એને માફ કરીશ? આજે એ ઘટનાને પાંચ વર્ષ થયા મણિલાલ અને લક્ષ્મીને સુંદર દીકરો છે. યશોદાબેન સાથે સમાજસેવાનું પણ કામ કરે છે.
આપણ વાંચો : આકાશ મારી પાંખમાં : જનનીની જોડ સખી નહીં જડે રે લોલ