પાંચ સદી પુરાણા પાળિયાઓનું પૂજન કરીને કચ્છના ઇતિહાસને જીવંત રાખતા યુવાનોની વાત…

ભુજઃ દીપોત્સવી પર્વ બાદ શરૂ થતા વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભ ટાંકણે કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર ગામના કેટલાક યુવાઓ અંદાજે પાંચેક સદી પુરાણા પાળીયાઓનું ખાસ પુજન કરીને વાગડ પંથકના ઇતિહાસને જીવંત રાખી રહ્યા છે.
પાળીયાઓની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કર્યા બાદ, આ પાળિયાઓ પર સુગંધિત સિંદૂર લગાવીને પૂજા-અર્ચના કરીને દર વર્ષે વિક્રમ સંવંતના નવા વર્ષની વિશિષ્ટ રીતે ઉજવણી કરી રહ્યા છે. દરેક પાળીયા સાથે ભૂતકાળની કોઈ મોટી ઘટના સાથે સંકળાયેલો ઇતિહાસ છુપાયેલો હોય છે. ભીમાસર ખાતે ૫૪ જેટલા પાળીયા એક જગ્યાએ અડીખમ ઉભા છે જેમા એવી લોકવાયકા છે કે આ સ્થળે લગ્ન ગીતો ગાતી એક જાન અધર્મીના હુમલા વખતે લડતાં લડતાં વીરગતિને પામી હતી.
પાળીયા એટલે રણ મેદાનમા જેમણે પોતાનુ શુરાતન બતાવીને ધર્મ અને બહેન દિકરીઓ કે ગામની રક્ષા માટે પોતાનુ બલિદાન આપી દીધુ હોય તેમની યાદમા તેનું નિર્માણ કરવામા આવે છે, તેમજ સ્ત્રીઓ જેમણે પોતાના શુરવીર પતિ પાછળ સતિ થઈ હોય તે સતિ માતાજીના પાળીયા જોવા મળે છે. આ ઉપરાંત અધર્મીઓ સામે લડાઈ દરમ્યાન જયારે નરબંકાઓ પોતાના શરીરે ડગલો પહેરીને તેમા ઘી લગાવીને અંગુઠા આગળથી આગ લગાવે અને ચાલતા થાય અને જયા દેહ પડે ત્યા ત્રાગાનો પાળીયો ખોડાય અને સામે અધર્મીઓનુ ખેદાન મેદાન થઈ જાય.
ભૂતકાળમાં ત્રાગા કરવામા આવતા હતા તેમના પાળીયાઓ પણ વાગડમા જોવા મળે છે તેમજ ગોચર માટે જમીન દાનમા આપી હોય તેના પાળીયા પણ વાગડમા મોટી સંખ્યામાં જોવા મળે છે. ઉપરાંત ભુજના કલ્યાણેશ્વર મંદિરમાં તેમજ રાજાઓના સ્મશાન છતરડીમાં પણ સંખ્યાબંધ પાળિયાઓ આવેલા છે જેની પૂજન વિધિ ખાસ દિવસો દરમ્યાન કરવામાં આવે છે તેમ કચ્છ મ્યુઝિયમના પૂર્વ ક્યુરેટર દિલીપભાઈ વૈદ્યે જણાવ્યું હતું.
આપણ વાંચો : વલો કચ્છ : સમર્પણનું પ્રતીક: સજણકુંવરબા