નેશનલ

વેપાર અંગેની સમસ્યાના ઉપાયની તપાસ માટેના દસ્તાવેજો ઓનલાઈન પાઠવવા પ્લેટફોર્મ તૈયાર કરતી સરકાર

નવી દિલ્હી: ટ્રેડ રેમેડિઝ અથવા તો વેપારની સમસ્યાના ઉકેલ અંગેની તપાસ કરવા માટેના દસ્તાવેજો ઓનલાઈન ધોરણે પાઠવી શકાય તે માટે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. જેથી પારદર્શકતાને પ્રોત્સાહન મળવાની સાથે તપાસમાં અસરકારકતા વધે અને જે તે ઉદ્યોગના તમામ હિસ્સેધારકોને સરળતાપૂર્વક એક્સેસ મળશે, એમ એક અધિકૃત યાદીમાં જણાવાયું છે.

નોંધનીય બાબત એ છે કે સામાન્યપણે આ તપાસ વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર) દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 1995થી અત્યાર સુધીમાં ટ્રેડ રેમેડિઝ અંગેની અંદાજે 1200થી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેશમાં સામાન્ય કરતાં નીચા ભાવથી અથવા તો સબસિડાઈઝ ધોરણે થતી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગનાં હિત જોખમાતાં હોવાથી ઉદ્યોગ દ્વારા થતી ફરિયાદનાં ઉકેલ માટે ડીજીટીઆર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. તાજેતરમાં સોલાર એનર્જી અને એડવાન્સ મટિરિયલ જેવાં ક્ષેત્રોમાં સોલાર સેલ અને કોપર વાયર રોડ જેવી ચીજોની આયાત નિયંત્રિત રાખવા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદીને સરકાર હસ્તક્ષેપ કરતી હોય છે.

આમ ટ્રેડ રેમેડિઝનાં સંદર્ભમાં કરવામાં આવતી તપાસ માટે ફાઈલ કરવા પડતા દસ્તાવેજો માટે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવી રહી છે, જેથી ઈલેક્ટ્રોનિક ધોરણે દસ્તાવેજોનું સબમિશન થઈ શકે, એમ વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.

આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થઈ જશે અને તેના થકી પારદર્શકતા અને અસરકારકતામાં વધારો થવાની સાથે તમામ હિસ્સેધારકો તેનું એક્સેસ પણ મેળવી શકશે, એમ યાદીમાં ઉમેર્યું હતું. આ પ્લેટફોર્મ તૈયાર કરવા ડિરેક્ટોરેટનો મુખ્ય ઉદ્દેશ સંવેદનશીલ ક્ષેત્રોમાં વેપારોના સરળીકરણના યુગમાં નિકાસકારો દ્વારા દેશમાં સસ્તા ભાવથી ઠલવાતા અથવા તો માલના ડમ્પિંગ જેવી માઠી અસરથી સ્થાનિક ઉદ્યોગની સલામતી તથા હિતને જાળવવાનો છે. ડીજીટીઆરનું મુખ્ય કાર્ય એન્ટિ ડમ્પિંગ, એન્ટિ સબસિડી/સીવીડી (કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી) અને સેફગાર્ડ અંગેની તપાસ હાથ ધરવાનું છે. જો તપાસના અંતે ફલિત થાય કે ડમ્પિંગને કારણે ઉદ્યોગનાં હિત જોખમાઈ રહ્યા છે તો ડીજીટીઆર ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરે છે. જોકે, તેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.

આપણ વાંચો:  અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

વધુમાં ડીજીટીઆર તેની ટ્રેડ ડિફેન્સ વિન્ગ મારફતે ફોરેન ટ્રેડ રેમેડી ઑથોરિટા દ્વારા અસરકારક ધોરણે આ પ્રકારની વેપાર સમસ્યાના ઉકેલ માટે અસરકાર પગલા લે છે.

આ પ્રયાસોને પરિણામે ભારતીય નિકાસ પરની ડ્યૂટીમાં ઘટાડો થયો છે અથવા તો આવા પગલાંથી સંપૂર્ણ રાહત મળી છે. તેમ જ તેના
થકી ભારતના આંતરરાષ્ટ્રીય વેપારનું રક્ષણ પણ થયું હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button