ઉત્સવ

આજે આટલું જ : જીત્યા પછીની જવાબદારીઓનો કેફ!

-શોભિત દેસાઈ

અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે એના માટે INTROSPECTION… આત્મનીરીક્ષણ અને સ્વપરીક્ષણ. 140-145 કરોડ લોકોનો દેશ સવળાં પાસાઓના સહારે અને દૂરંદેશીભરી મર્દાનગીસભર કુનેહથી બોલતી બંધ કરી આવ્યો. વસૂલી પણ કરી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. ઠેઠ 1999થી વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજના વ્યાજનું વ્યાજ જે ઉઘરાવવાનું બાકી જ રહી જતું હતું, હિસાબનો એ ચોપડો સરભર થઈ ગયો લગભગ. પૂંછડી બાકી છે એ તો હવે ભારતની મુન્સફી ઉપર ગમે ત્યારે વસૂલ કરી શકાશે.

હવે વારો છે ઠેકાણે પાડવાનો વિદેશી આડખીલીકર્તાઓને. બાપનો માલ સમજીને ભારતને જે હજી પણ નધણિયાત સમજે છે એ મદારીઓની બસુરી બીનમાં હવા જતી બંધ કરવાનો. શીખતા આવડે તો વિજય અને પરાજય બન્ને ગુરુવર્ય છે. પરાજિત ચપ્પણીયું લઈને કાયમ ઊભો રહેતો ભિખારી કશું જ નથી કરી શકવાનો. નિચોવું શું અને નહાવું શું…પણ આપણે આ વિજયથી ઘણું લઈ/શીખી શકીએ એમ છીએ. મદોન્મત્ત હાલતમાં ભાન ન ખોઈ બેસીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે… અરે યારો! ધોધમાર નદી પ્રચંડ ખળખળ સાથે સાગરને મળે છે ત્યારે હુંકાર ભણ્યા વગર ઉંડાણનો અંદાજ આપતો સાગર અનુભવ્યો છે?!

એમેઝોન એટલાન્ટિકને મળે છે એ મિલનનો અંદાજ ખરો? એમેઝોન એટલાન્ટિક જેવડા એટલાન્ટિકને થોડોક ભાગ પૂરતો મીઠો કરી નાખે છે. આપણે ભારતવાસીઓ એકી અવાજે સોગંદ લઈએ દેશ પ્રત્યેની વફાદારી અક્ષુણ્ણ રાખવાના, વૈભવના ઉછાંછળા પ્રદર્શનથી બચવાના, ભારતને સીધું કે આડકતરું નડનાર દરેક વ્યક્તિ-વસ્તુ-વિચાર-દેશને જીવનમાંથી કાયમને માટે તગેડી મૂકવાના. પછી ભલે વડો પ્રધાન કરગરતો આવે -ઘૂંટણિયા તાણે, શુદ્ધ દેશીમાં કહું તો લાળા ચાવે… યાર! 145 કરોડથી તો દુનિયા ડરે! ઘણ ઉઠાવ! હે 145 કરોડની ભૂજા?!

અતિશયોક્તિના ઘણાં નબળાં પાસાં છે, પણ સંમોહન જગાડે એવું એનું પાસું એટલે એની ધ્યાનાકર્ષકતા. ધ્યાન તરત જ ખેંચાય જ. સામાન્યત: જે દુર્લક્ષ સેવતા હોય એનું પણ ધ્યાન દોરાય જ. ગયા વખતે મેં એક બિલિયન ડૉલરનાં 90 હજાર કરોડ રૂપિયાનું કોળું શાકમાં નાખ્યું… 9 હજાર કરોડ રૂપિયાને બદલે… અને તમને ખબર છે પરિણામ? શાક એવું ધમધમાટ થઈ ગયું કે ન વાંચવાવાળા ઘણાઓએ સુંઘીને મારું ધ્યાન દોર્યું. એ બધાનો અને તમારો શુક્ર ગુજાર છું, મને ટપારવા બદલ… ‘દોસ્તી’નું એક ગીત કેમ ગણગણે છે અત્યારે મારા હોઠ?!

અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો…
યે દિલ તુમ્હારે પ્યારકા મારા હૈ દોસ્તો.

એ રવિવારના તોર અને દૌર જ એવા હતા કે ભાન ભૂલાઈ જાય, ભાષા મર્યાદાઓના કિનારા વટાવીને રેલમછલ કરવા માંડે જ્યાં સુધી વિસ્તરી શકાય ત્યાં સુધી અને શબ્દો અચાનક બ્યૂગલના અવાજ બની જાય, સંગ્રામભેરીની હાક સિવાય બીજું કશું જ ન સંભળાય અને જાનના જોખમે પણ દુશ્મનનો નાશ જ આકારાય. ‘મરીઝ’ એટલે જ તો મહાનતમ છે.
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે.

સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.
હવે બધું શમી ગયું છે. મારી અને તમારી પાસે સહેજ પણ સમય નથી તામસી ન્યૂઝ એનલોના વાગ્યુદ્ધો માટે. મનહર મોદીના બે શેર સાથે આવનારા સમયને આવકારીએ..

રોજ સવારે એ જ શીખું છું
બોલું એ આચરવું હોજી..
કાલ વધારે સુંદર લાગે
આજે એવું કરવું હોજી..
આજે આટલું જ…

આ પણ વાંચો….આજે આટલું જ : એક કરોડ રૂપિયાની શોભિતકુલની રીત -તમારા ચહેરાનું સ્મિત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button