
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે મહત્વનો આદેશ કર્યો છે. જેમાં કોર્ટે ટાંક્યું છે કે ભરતી જાહેરાત હેઠળ અરજી કરવા માટે જાતિ પ્રમાણપત્ર તેમાં નિર્ધારિત ફોર્મેટમાં સબમિટ કરવું આવશ્યક છે. જો ઉમેદવાર તેમ કરવામાં નિષ્ફળ રહેશે તો અનામતનો લાભ મળી શકે નહિ. તેમજ ઉમેદવાર અનામત કેટેગરીના હોવા છતાં અનામતનો દાવો કરી શકતો નથી.
ઉમેદવારને રાહત આપવાનો ઇનકાર
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની ડિવિઝન બેન્ચે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ દ્વારા જાહેરાત કરાયેલી જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.જે ભરતી જાહેરાતમાં જરૂરી ચોક્કસ ફોર્મેટને બદલે કેન્દ્ર સરકારની નોકરીઓ માટે માન્ય ફોર્મેટમાં જાહેર કરાયેલ ઓબીસી જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અરજી કરી હતી. આ જાહેરાત મુજબ જો પ્રમાણપત્ર રાજ્યના ફોર્મેટમાં સબમિટ કરવામાં ન આવે તો ઉમેદવારને બિનઅનામત શ્રેણીમાં ગણવામાં આવશે.
આ અંગે ભરતી જાહેરાતમાં ઉલ્લેખિત રાજ્ય સરકારના ધોરણો મુજબ ઓબીસી પ્રમાણપત્ર જમા ન કરવાને કારણે ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવારને બાકાત કરવામાં આવ્યા હતા. તેનાથી નારાજ ઉમેદવારે અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરી. હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે ઉમેદવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
ત્યારે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતા ન્યાયાધીશ દત્તાના ચુકાદામાં રજિસ્ટ્રાર જનરલ, કલકત્તા હાઈકોર્ટ વિરુદ્ધ શ્રીનિવાસ પ્રસાદ શાહ, (2013) 12 SCC 364 ના કેસ પર આધાર લેવામાં આવ્યો છે. જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા જાહેરાતમાં નિર્ધારિત ફોર્મેટ અનુસાર જમા કરાવવા જરૂરી છે અન્યથા તે ઉમેદવારની ઉમેદવારી પર પ્રતિકૂળ અસર કરશે.
ભરતી પ્રક્રિયાનો શ્રેષ્ઠ ન્યાયાધીશ ભરતી સત્તાધિકારી
સુપ્રીમ કોર્ટના મતે ભરતી પ્રક્રિયાનો શ્રેષ્ઠ ન્યાયાધીશ ભરતી સત્તાધિકારી છે અને ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ઉમેદવારો પાસે જગ્યાઓ માટે અરજી કરતા પહેલા ભરતી સૂચના વાંચવાની અને સમજવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો….ઓટીટી અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ પર રોક લગાવવાની માંગ મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી