
બેંગ્લૂરુ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ શનિવારે આઈપીએલ (IPL-2025)ની બહાર થઈ જતાં એણે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની હરોળમાં આવવાનો મોકો ગુમાવ્યો હતો. મુંબઈ અને ચેન્નઈ માત્ર બે એવી ટીમ છે જે આઈપીએલનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં સફળ રહી છે. ચેન્નઈએ 2010માં પહેલી વાર આઇપીએલનું ટાઈટલ જીત્યા પછી 2011ની સાલમાં ટાઈટલ ડિફેન્ડ કર્યું હતું. મુંબઈએ 2019ની આઈપીએલની ફાઇનલમાં ચેન્નઈને હરાવીને ટાઈટલ જીત્યા બાદ 2020માં દિલ્હી કેપિટલ્સને માત આપીને સતત બીજી વાર ટાઈટલ જીતી લીધું હતું. મુંબઈએ 2021માં ટાઇટલની હૅટ-ટ્રિક કરવાની અમૂલ્ય તક ગુમાવી હતી.
બે મૅચ ધોવાઈ એ કેકેઆરને ભારે પડ્યું:
આ વખતે કોલકત્તાએ ટાઈટલ ડિફેન્ડ કરવાનો સારો મોકો ગુમાવ્યો. જોકે પહેલાં પંજાબ સામે અને હવે બેંગલૂરુ સામેની મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ અને ફક્ત એક-એક પોઇન્ટ મળ્યો એ કોલકાતાને સૌથી ભારે પડ્યું છે. કોલકાતાએ આ વખતે વખતે ઑક્શન વખતે શ્રેયસ ઐયર, મિચલ સ્ટાર્ક અને ફિલ સૉલ્ટ ગુમાવ્યા એ પણ કોલકાતા માટે સારું નહોતું થયું.

કોલકત્તા કેવી રીતે પ્લે ઑફથી વંચિત?
2024ની ચેમ્પિયન ટીમ કોલકાતા આ વખતે 13 મૅચ રમીને ફક્ત 12 પોઇન્ટ મેળવી શકી છે. બેંગલૂરુ, ગુજરાત અને પંજાબ ટોચના અનુક્રમે ત્રણ સ્થાને છે. મુંબઈ (14 પોઇન્ટ) ચોથા અને દિલ્હી (13 પોઇન્ટ) પાંચમાં નંબરે છે. કલકત્તાની એક જ મૅચ બાકી છે જે જીતીને એ વધુમાં વધુ ૧૪ પોઇન્ટ સુધી પહોંચી શકે. જોકે મુંબઈ-દિલ્હી વચ્ચેની મૅચ બાકી છે. એમાં જીતનાર ટીમ ઓછામાં ઓછો એક પોઇન્ટ લેનાર ટીમ પ્લે ઑફમાં જઈ શકશે. એ પહેલાં ટોચની ત્રણ ટીમ લાસ્ટ ફોરમાં ઑલમોસ્ટ પહોંચી ગઈ છે.
બેંગ્લૂરુના ચાહકો નિરાશ, પણ ખુશીની લહેર પણ ફેલાઈ…
બેંગલૂરુની ટીમ શનિવારની મૅચ પહેલાં પ્લે ઑફની નજીક પહોંચી જ હતી અને શનિવારે એક પણ બૉલ ફેંકાયા વગર મૅચ અનિર્ણીત જાહેર કરવામાં આવી એ સાથે એને વધુ એક પોઇન્ટ મળ્યો હતો. યજમાન ટીમના સુપર સ્ટાર અને તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર વિરાટ કોહલીની ફટકાબાજી જોવા આવેલા અસંખ્ય ક્રિકેટપ્રેમીઓને આ મૅચનો ન રમાતાં વિરાટની ફટકાબાજી નહોતી જોવા મળી. જોકે બેંગ્લૂરુ ટીમ પ્લે ઑફની વધુ નજીક પહોંચી એનો એના ચાહકોને આનંદ છે.
આજે કઈ બે મૅચ રમાશે?
જયપુરમાં આજે બપોરે 3:30 વાગ્યાથી રાજસ્થાન અને પંજાબ વચ્ચે મુકાબલો છે. રાજસ્થાનની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. આજની બીજી મૅચ સાંજે 7:30 વાગ્યાથી દિલ્હીમાં દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાશે.
આપણ વાંચો: મેઘરાજાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતાને આઇપીએલમાંથી આઉટ કરી દીધું…