અમદાવાદટોપ ન્યૂઝ

ઘરેથી છત્રી લઈને નીકળજોઃ એક અઠવાડિયા સુધી વરસાદની છે આગાહી

અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને વાવાઝોડા જેવા વાતાવરણમાં ત્રણના મોત થયા છે ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. આજથી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય 13 જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક પેટર્ન 23મી મે સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે.

વરસાદની શક્યતા આજથી છે ત્યારે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીરમાં પણ વરસાદની આગાહી છે.

આ સાથે 22 અને 23 તારીખે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદની રમઝટ બોલાશે તેવી આગાહી છે. અગાઉ એકાદ અઠવાડિયા પહેલા અમદાવાદમાં સારો એવો વરસાદ વરસી ગયો હતો. 22 અને 23 તારીખે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા હોવાથી ખેડૂતો અને કાચા મકાનોમાં રહેતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. કમોસમી વરસાદનો માર ખાસ કરીને બાગાયતી ખેડૂતો વધારે ઝીલે છે. એક અઠવાડિયા પહેલા પડેલા માવઠાને લીધે સૌરાષ્ટ્ર અને કચ્છની કેરીને ભારે નુકસાન ગયું છે.

જોકે માવઠા બાદ અમદાવાદ સહિત શહેરોમાં ગરમી અને બફારો વધી ગયો છે. સવારથી જ ગરમ વાતાવરણ રહે છે અને મોડી રાત્રે થોડી રાહતનો અનુભવ થાય છે. ગઈકાલે સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી અને સુરતમાં 35 ડિગ્રી અને વડોદરામાં 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું. આગામી 23મી મે સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી.

આ પણ વાંચો…ગુજરાતમાં 16 આની ચોમાસું રહેવાની શક્યતા: 50 થી વધુ આગાહીકારનું તારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button