IPL 2025

મેઘરાજાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતાને આઇપીએલમાંથી આઉટ કરી દીધું…

ધોધમાર વરસાદે કર્યા નિરાશ: જોકે બેંગલૂરુ પ્લે-ઑફની લગોલગ

બેંગલૂરુ: અહીં મેઘરાજા આઇપીએલ (IPL-2025)ના પુન: આરંભની મજા બગાડશે એવો ડર હતો અને એવું જ થયું. ચોમાસાની મોસમ બેસે એ પહેલાં જ વરસાદે દેશભરમાં અનેક રાજ્યોમાં વિનાશ વેર્યો છે એવામાં આઇપીએલ ૨.૦ના નવા શેડ્યૂલની શનિવારની પહેલી જ મૅચ ધોવાઈ ગઈ છે. બેંગલૂરુ (RCB) અને કોલકાતા (KKR) વચ્ચેની મૅચ વરસાદને કારણે (ટૉસ થયા વગર) સાવ ધોવાઈ જતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ ફાળવવામાં આવ્યો હતો.

જોકે એ એક પૉઇન્ટ સાથે જ ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લે-ઑફમાં પહોંચતાં પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ અજિંક્ય રહાણેને આ ટીમનું સુકાન સોંપ્યું હતું, પરંતુ ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે અને છેલ્લે મેઘરાજાના વિઘ્નોને કારણે આ ટીમે વહેલી એક્ઝિટ જોવી પડી છે.

રજત પાટીદારના સુકાનમાં બેંગલૂરુની ટીમ એક પૉઇન્ટ લઈને પ્લે-ઑફની વધુ નજીક પહોંચી ગઈ છે. બેંગલૂરુની ટીમને બીજો ફાયદો એ થયો કે એને ૧૭ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન થવા મળ્યું છે.

ગુજરાતની ટીમ ૧૬ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. પંજાબ (૧૫) ત્રીજે, મુંબઈ (૧૪) ચોથે અને દિલ્હી (૧૩) પાંચમા સ્થાને છે.
કોલકાતાની ટીમની ૧૩ મૅચ થઈ ચૂકી હોવાથી ૧૨ પૉઇન્ટ સાથે સ્પર્ધાની બહાર થઈ ગઈ છે, જ્યારે લખનઊ (૧૧ મૅચ) હજી સ્પર્ધામાં છે.

હૈદરાબાદ, રાજસ્થાન, ચેન્નઈ ઘણા દિવસ પહેલાં જ પ્લે-ઑફની દોડની બહાર થઈ ગઈ હતી.


રવિવારે કઈ બે મૅચ રમાશે?

રાજસ્થાન વિરુદ્ધ પંજાબ
જયપુર, બપોરે ૩.૩૦ વાગ્યે

દિલ્હી વિરુદ્ધ ગુજરાત
દિલ્હી, સાંજે ૭.૩૦ વાગ્યે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button