આમચી મુંબઈ

આવતીકાલે મધ્ય રેલવે પર રહેશે ટ્રેનોના મહાધાંધિયા, પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત…

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરા માટે લાઈફલાઈન સમાન છે. આ લાઈફલાઈનના મેઈન્ટેનન્સ વર્ક માટે દર રવિવારની જેમ જ આ આવતીકાલે એટલે કે રવિવારે પણ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ મેગા બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે ધાંધિયા જોવા મળશે. જો તમે પણ વેકેશનમાં બાળકો સાથે મુંબઈ દર્શન કે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે.

મળતી માહિતી પ્રમાણે આવતીકાલે મધ્ય રેલવે પર સવારે 10.30 કલાકથી બપોરે 3.40 કલાક સુધી થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે આ લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત હોલ્ટ ઉપરાંત કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશન પર પણ ઊભી રહેશે, જેને કારણે લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં 10થી 15 મિનિટ મોડી પડી શકે છે. મુલુંડ બાદ આ ટ્રેન અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.

હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી વડાલા-માનખુર્દ વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન પનવેલ, બેલાપુર, વાશીથી સીએસએમટી અને સીએસએમટીથી વાશી, બેલાપુર અને પનવેલ વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન પનવેલ-માનખુર્દ-પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. હાર્બર લાઈન પર પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓને બ્લોકના સમયે ટ્રાન્સ હાર્બર લાઈન કે મેન લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવેમાં આવતીકાલે કોઈ મેગા બ્લોક હાથ નહીં ધરવામાં આવે છે. પરંતુ આજે રાતે પશ્ચિમ રેલવે પર રાતે 12.30 કલાકથી વહેલી સવારે 4.00 કલાક સુધી વસઈ રોડ-ભાયંદર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સ્પેશિયલ જમ્બો નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયે સ્લો લોકલ વિરાર-વસઈથી બોરીવલી-ભાયંદર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.

આપણ વાંચો : મેટ્રો લાઇન થ્રીમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાનો અંત, હવે આ સુવિધા મળશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button