નેશનલ

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈ : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. જે મુંબઈ એરપોર્ટ પોલીસના ઇ-મેઇલ આઈડી પર પ્રાપ્ત થઈ હતી. આ ઇમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલ પેલેસ હોટેલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે.

ઇ-મેઇલમાં આતંકીઓનો ફાંસી આપવાનો ઉલ્લેખ

આ ઇ-મેઇલમાં અફઝલ ગુરુ અને શૈવક્કુ શંકરને ફાંસી આપવાનો ઉલ્લેખ કરીને ધમકીઓ આપવામાં આવી છે. આ બંનેના નામ ભારતમાં થયેલા કેટલાક મોટા આતંકવાદી હુમલાઓ સાથે જોડાયેલા છે. તેમને આપેલી ફાંસીના વિરોધમાં અનેક વખત આવી ધમકીઓ આપવામાં આવી છે.

પોલીસે ધમકીના કેસને ગંભીરતાથી લીધો

મુંબઈ પોલીસે ધમકીના કેસને ગંભીરતાથી લીધો છે અને તપાસ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પોલીસ ઇ-મેઇલ મોકલનારને ઓળખવા અને ટ્રેક કરવાના પ્રયાસો કરી રહી છે. જ્યારે ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દરેક સ્થળે તપાસ કરી રહી છે અને સંબંધિત વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર

મુંબઈ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે. મુંબઈ પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ આ મામલાની ખૂબ જ સતર્કતા સાથે તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button