
- અજય મોતીવાલા
2014માં સુકાની તરીકે રમેલો પહેલો જ બૉલ માથામાં વાગ્યો અને પછી બધા હરીફ બોલર માટે બન્યો માથાનો દુખાવો અને ભારતને મળ્યો નંબર-વન કૅપ્ટન વિરાટ કોહલીએ 14 વર્ષની શાનદાર ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચથી કરી હતી, પરંતુ ટેસ્ટ ટીમના કૅપ્ટન તરીકે તેણે 2014માં ઑસ્ટે્રલિયા સામેના મુકાબલાથી આરંભ કર્યો હતો અને કરીઅરની અંતિમ ટેસ્ટ પણ ઑસ્ટે્રલિયા સામે જ રમ્યો. તાજેતરમાં ટેસ્ટ-કારકિર્દીને અલવિદા કરનાર કોહલીએ ભારતના સૌથી સફળ સુકાની તરીકે આ ફલકને ગુડબાય કરી છે. કૅપ્ટન તરીકે તેની સફળ સફરની શરૂઆત વિશે જાણશો તો કદાચ ચોંકી જશો.
ખેલાડી પર જ્યારે કોઈ મોટી જવાબદારી આવી પડે ત્યારે શરૂઆતના સમયગાળામાં તેણે ઘણા પડકારો ઝીલવા પડતા હોય છે, પરંતુ કોહલીનો કિસ્સો સાવ નોખો જ હતો. 2014માં ટેસ્ટ-કારકિર્દીના સુવર્ણ કાળમાં માત્ર બૅટ્સમૅન તરીકે તે મસ્ત હતો ત્યારે તેના પર નેતૃત્વનો ભાર આવી પડ્યો હતો. ઍડિલેઇડમાં 2014ની નવમી ડિસેમ્બરે શરૂ થયેલી ટેસ્ટનો પ્રથમ દાવ ઑસ્ટે્રલિયાએ ત્રણ સેન્ચુરિયનો (વૉર્નર-145 રન, કૅપ્ટન માઇકલ ક્લાર્ક-128 રન અને સ્ટીવ સ્મિથ-અણનમ 162)ની મદદથી 517/7ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર પછી કોહલીની ખરી કસોટી શરૂ થવાની હતી.
ઓપનર મુરલી વિજયની બીજી વિકેટ પડ્યા પછી કોહલી (પહેલી વાર ટેસ્ટના કૅપ્ટન તરીકે) બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો. ઑસ્ટે્રલિયાનો એ સમયનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર મિચલ જૉન્સન જબરદસ્ત ફૉર્મમાં હતો. મુરલી વિજયને કલાકે 145 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને તેણે મુરલીને બ્રૅડ હૅડિનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. જૉન્સનની ઓવરનો એ પહેલો જ બૉલ હતો અને તેનો બીજો કાતિલ બૉલ કોહલીએ રમવાનો હતો. જૉન્સનનો એ શૉટ-પિચ્ડ બૉલ કોહલીને હેલ્મેટ પર જોરદાર વાગ્યો હતો. જૉન્સને ત્યારે કોહલીને જાણે ડરાવવા એવો કાતિલ બૉલ ફેંક્યો હતો અને જૉન્સનનું તીર નિશાના પર વાગ્યું હતું. ત્યારે થોડા જ સમય પહેલાં ઑસ્ટે્રલિયાના ઓપનર ફિલ હ્યુઝને માથામાં બૉલ વાગતાં મૃત્યુ પામ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો એટલે કોહલીને માથા પર ઈજા થતાં જ બધા ડરી ગયા હતા. હરીફ ખેલાડીઓ તેમ જ કોહલીનો સાથી બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા તેની પાસે દોડી આવ્યા હતા. કૅપ્ટન માઇકલ ક્લાર્કે જૉન્સનને શાંત પાડ્યો હતો.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન: સીએસકેની નિષ્ફળતા માટે એકમાત્ર ધોની જ જવાબદાર શા માટે?
સદનસીબે કોહલી થોડી જ વારમાં સ્વસ્થ થઈ ગયો હતો અને બૅટિંગ શરૂ કરી દીધી હતી. કવર ડ્રાઇવ, ફ્લિક અને પુલ શૉટથી પુષ્કળ રન બનાવવાનું શરૂ કરીને તેણે સૌને સંકેત આપી દીધો હતો કે પોતે ફિટ ઍન્ડ ફાઇન છે અને કોઈ પણ સ્થિતિમાં એવો જ રહેશે. કંપારી છૂટી જાય એવી એ ઘડી બાદ કોહલી 267 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને તેણે 184 બૉલમાં 12 ચોક્કાની મદદથી 115 રન ખડકીને ઑસ્ટે્રલિયનોને સીધો મૅસેજ આપી દીધો કે તે ડગમગી જાય એવો કૅપ્ટન નથી.
ખરેખર એવું જ બન્યું. એવર ગ્રીન અને એવર ફિટ કોહલીને જાણે મિચલ જૉન્સનના એ બૉલના ઝટકાએ સફળ કૅપ્ટન બનવાનો સંકલ્પ અપાવ્યો હતો. 2014થી 2022 સુધી કોહલીએ 68 ટેસ્ટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું અને તેમને 40 ટેસ્ટમાં વિજય અપાવીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ-કૅપ્ટન સાબિત થયો.
ભારત ઍડિલેઇડની એ ટેસ્ટ 48 રનથી હારી ગયું હતું, પણ ટીમ ઇન્ડિયાને ભરોસાપાત્ર અને વિજયી સુકાની મળી ગયો હતો. કૅપ્ટન તરીકે તેણે ભારતને સૌથી વધુ નવ ટેસ્ટ-સિરીઝમાં વિજય અપાવ્યા હતા અને 2018-’19માં તે ઑસ્ટે્રલિયામાં ટેસ્ટ-સિરીઝ જીતનાર પ્રથમ એશિયન સુકાની બન્યો હતો. સુકાન સંભાળવાની સાથે તેણે બૅટ્સમૅન તરીકે પણ ઘણા વિક્રમો રચ્યા હતા.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન :પૈસા મળે કરોડોમાં, પણ પર્ફોર્મન્સના નામે મીંડું
હું તો માનતો હતો કે કોહલી હજી બે-ત્રણ વર્ષ રમશે: રવિ શાસ્ત્રી
123 ટેસ્ટમાં 9,230 રન કરનાર વિરાટ કોહલી કૅપ્ટન હતો ત્યારે હેડ-કોચ રવિ શાસ્ત્રી સાથે તેનો બહુ સારો તાલમેલ હતો. કોહલીએ સોમવારે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી એના ત્રણ દિવસ બાદ શાસ્ત્રીનું તેના રિટાયરમેન્ટ વિશે નિવેદન આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું છે, `મેં કોહલી સાથે અઠવાડિયા પહેલાં ફોન પર ઘણી વાતચીત કરી હતી. હું માનું છું કે તે હજી બીજા બે-ત્રણ વર્ષ ટેસ્ટ-ક્રિકેટ રમી શક્યો હોત. તેના નિર્ણયથી પહેલાં તો હું ડઘાઈ ગયો હતો, પરંતુ તેનો જવાબ મને ગળે ઊતરી ગયો હતો. તેણે મને કહ્યું કે શારીરિક રીતે ભલે હું ખૂબ ફિટ છું, પણ માનસિક રીતે હવે ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખવું મને ઠીક નથી લાગતું. કોહલીએ મને એવું પણ કહ્યું કે ટેસ્ટ છોડવાનો તેને કોઈ જ ખેદ નથી, કારણકે તેણે આ ફૉર્મેટમાં બનતું બધું જ કર્યું અને પૂરી ક્ષમતાથી રમ્યો હતો.’
કોહલી શું સચિનનો 100 સેન્ચુરીનો વિશ્વવિક્રમ તોડી શકશે?
વિરાટ કોહલીએ 12મી મેએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી એ સાથે હવે તે સચિન તેન્ડુલકરનો કુલ 100 આંતરરાષ્ટ્રીય સદીનો વિશ્વવિક્રમ તોડી શકશે કે કેમ એમાં ઘણાને શંકા છે. વન-ડેમાં વિશ્વમાં સૌથી વધુ 51 સેન્ચુરી કોહલીના નામે છે, પણ ટેસ્ટમાં તેણે 30 સદી અને ટી-20માં એક સદી ફટકારી હતી. સરવાળે તેની સદીનો આંકડો 82 થાય છે. હવે તે સચિનની બરોબરીમાં થવા 18 સેન્ચુરી ફટકારી શકશે (કે રેકૉર્ડ તોડવા 19 સદી પૂરી કરી શકશે) એ સૌથી મોટો સવાલ છે.
કોહલી હવે માત્ર વન-ડે મૅચો જ રમશે. હવે પછીનો વન-ડે વર્લ્ડ કપ 2027માં રમાશે. એ પહેલાં ભારત 27 વન-ડે રમશે. જો ભારત એ વિશ્વ કપમાં ફાઇનલ સુધી પહોંચશે તો ભારત 2027ના વર્લ્ડ કપના અંત સુધીમાં 39 વન-ડે રમાશે એમ કહી શકાય. કોહલી 36 વર્ષનો થઈ ગયો છે. 2027માં 38 વર્ષની ઉંમર સુધીમાં તેણે 18 કે 19 વન-ડે સેન્ચુરી ફટકારી હશે કે કેમ એ પણ પ્રશ્ન છે. સચિને 100 સેન્ચુરી કુલ 782 ઇનિંગ્સમાં ફટકારી હતી, જ્યારે કોહલીએ 82 સદી 617 ઇનિંગ્સમાં ફટકારી છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?