શું ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 10 લાખ પેલેસ્ટિનિયનોને લિબિયામાં સ્થળાંતરિત કરશે ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝામાં અનેક પેલેસ્ટિનિયન નાગરિકો બેઘર થયા છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધી છે. તેની બાદ હવે આ પેલેસ્ટિનિયન નાગરિકોના વસવાટ મુદ્દે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી છે. ત્યારે અમેરિકાનું ડોનાલ્ડ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી 10 લાખ લોકોને લિબિયામાં કાયમી વસવાટ માટેની યોજના પર કામ કરી રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી
આ અંગેના મીડિયા અહેવાલ મુજબ એક પૂર્વ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. લિબિયાની આગેવાની વચ્ચે વાતચીત પહેલા જ ચાલી રહી છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે યુએસ સરકાર પેલેસ્ટિનિયનોના પુનર્વસનના બદલામાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં બ્લોક કરાયેલા લિબિયાને અબજો ડોલરના ભંડોળ મુક્ત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને ઇઝરાયલને વહીવટીતંત્રની ચર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી છે.
યુએસ સરકારે દાવા ફગાવ્યા
જોકે, યુએસ સરકારના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘આ અહેવાલો ખોટા છે. આવી કોઈ યોજના માટે કોઈ પાયાનો આધાર નથી અને આ બાબતે કોઈ ચર્ચા પણ થઈ નથી. આ સમાચારોનો કોઈ અર્થ નથી.
લિબિયામાં બે જૂથો દ્વારા શાસન
વર્ષ 2011 માં નાટો સમર્થિત બળવા દ્વારા લાંબા સમયથી શાસક સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીને હાંકી કાઢવામાં આવ્યા અને માર્યા ગયા પછી લિબિયામાં અરાજકતા ફેલાઈ ગઈ. દેશનું વિભાજન થયું હતું. તેના પૂર્વ અને પશ્ચિમ ભાગો બે હરીફ લશ્કરી જૂથો દ્વારા નિયંત્રિત હતા. લિબિયા હાલમાં બે સ્પર્ધાત્મક વહીવટ દ્વારા શાસન કરે છે. અબ્દુલ હમીદ દબીબેહના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય એકતા સરકાર(GNU)અને ઓસામા હમ્માદના નેતૃત્વ હેઠળ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ-સમર્થિત રાષ્ટ્રીય સ્થિરતા સરકાર(GNS)જે લિબિયન નેશનલ આર્મી અને તેના કમાન્ડર ખલીફા હફ્તારના શાસન હેઠળ છે.
બે સરકારો દેશની કાયદેસરતા અને નિયંત્રણ માટે સ્પર્ધામાં
રાષ્ટ્રીય એકતા સરકાર (GNU)ત્રિપોલીમાં સ્થિત છે અને દેશના પશ્ચિમ ભાગને નિયંત્રિત કરે છે, જ્યારે રાષ્ટ્રીય સ્થિરતાની સરકાર (GNS) પૂર્વીય અને મધ્ય પ્રદેશોમાં કાર્યરત છે. આ વિભાજનથી લિબિયામાં સત્તાના બે કેન્દ્રો બન્યા છે. જેમાં બે સરકારો દેશની કાયદેસરતા અને નિયંત્રણ માટે સ્પર્ધા કરી રહી છે.
આ પણ વાંચો…ઇઝરાયેલ પોલીસે ઓસ્કાર વિનર પેલેસ્ટિનિયન ડાયરેક્ટને મુક્ત કર્યા…