ટોમ ક્રૂઝની ‘મિશન ઇમ્પોસિબલ’ જોવા ગયેલા ચાહકો થયા નિરાશ! કારણ જાણી તમે પણ ચોંકી જશો

નવી દિલ્હીઃ હોલિવુડની ફિલ્મો પસંદ કરતા લોકોનો ભારતમાં ખૂબ જ મોટો વર્ગ છે. ભારતમાં પણ લોકો હોલિવુડ ફિલ્મ (Hollywood Film)ની આતુરતાથી રાહ જોતા હોય છે. હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ (Tom Cruise)ની લોકપ્રિય ફ્રેન્ચાઇઝ ‘મિશન ઇમ્પોસિબલ’ (Mission Impossible)ની છેલ્લી ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’ (Mission: Impossible – The Final Reckoning) આજે સિનેમાઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. ટોમ ક્રૂઝની ફિલ્મ સમગ્ર વિશ્વના લગભગ એક અઠવાડિયા પહેલા રિલિઝ થઈ હતી, પરંતુ ભારતમાં આજે એટલે કે 17 મેના રોજ રિલિઝ થઈ છે.
ટોમ ક્રૂઝના ચાલકોનો ઉત્સાહ અચાનક ગુસ્સામાં ફેરવાઈ ગયો
ટોમ ક્રૂઝ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. જેથી દિલ્હીમાં પણ વહેલી સવારે લોકો ટોમ ક્રૂઝની આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી ગયાં હતાં, પરંતુ દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી છે. ચાલકો જે ઉત્સાહ સાથે ફિલ્મ જોવા માટે આવ્યાં હતા તેમનો ઉત્સાહગુસ્સામાં ફેરવાઈ ગયો હતો. જો કે, તેમને ગુસ્સાનું કારણ ફિલ્મ નહીં પરંતુ થિયેટરનું સંચાલન છે. લોકોએ કલાકો સુધી રાહ જોઈ છતાં પણ ટોમ ક્રૂઝની ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા હતાં.
6:05 વાગ્યાનો શો 7:30 વાગ્યા સુધીમાં પણ શરૂ ના થયો
ઘટનાની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં PVR વેગાસ, દ્વારકામાં આ શો સવારે 6:05 વાગ્યે શરૂ થવાનો હતો. લોકો વહેલી સવારે ટિકિટ લઈને થિયેટરમાં પહોંચી પણ ગયાં હતાં પરંતુ 7:30 વાગ્યા સુધીમાં પણ ફિલ્મ શરૂ કરવામાં નહોતી આવી. લોકોએ આ ફિલ્મને બીજા ઓડીમાં શરૂ કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ ફિલ્મ શરૂ નથી થઈ તો ટિકિટના પૈસા પાછા આપવા માટે પણ કહ્યું હતું. પરંતુ મેનેજર પાસે કોઈ પણ સવાલનો જવાબ નહોતો. મહત્વની વાત એ છે કે, આ ઘટના પછી કેટલાક લોકોએ થિયેટર માલિકને કાનૂની નોટિસ મોકલવાની પણ વાત કરી હતી.
માત્ર 70 લોકોને ટિકિટના રૂપિયા પાછા આપવામાં આવ્યાં
આ સમગ્ર મામલે થિયેટરમાં નોકરી કરતા મેનેજરે કહ્યું કે, સર્વરમાં સમસ્યા હોવાના કારણે ફિલ્મ નથી ચલાવી શક્યાં. સર્વરના કારણે 9:30નો શો પણ બંધ કરવો પડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે કુલ 180 લોકોએ ટિકિટ લીધી હતા, જેમાંથી 70 લોકોને રૂપિયા પાછા આપવામાં આવ્યાં છે. પરંતુ થિયેટરના સંચાલન સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે. આ ફિલ્મ માટે લોકો વહેલી સવારે એટલે કે, 5:30 વાગ્યાથી થિયેટરમાં આવી ગયાં હતાં. સ્વાભાવિક છે કે, ટોમ ક્રૂઝ લોકપ્રિય ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ’ જોવા આવેલા ચાહકોએ નિરાશ થઈને ઘરે પાછા ગયાં હતાં.
આ પણ વાંચો…હોલિવુડના ચાહકો માટે આનંદો! ડીસી યુનિવર્સની પહેલી ફિલ્મ સુપરમેનનું શાનદાર ટ્રેલર રિલિઝ