કોરોનાનો ખતરો ટળ્યો નથી! ચીન સહિત એશિયાનાં આ દેશોમાં ફરી વધી રહ્યા છે કેસ, ભારતે રહેવું પડશે સાવધાન!

સિંગાપોર: જો તમે વિચારી રહ્યા છો કે હવે કોરોના સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે તો સતર્ક થઈ જજો. એશિયામાં કોવિડ 19 ફરી તેનું માથું ઊંચકી રહ્યો છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે. એશિયાના ઘણા દેશો જેવા કે સિંગાપોર, હોંગકોંગ અને થાઈલેન્ડમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. એકબાજુ દુનિયા મહામારી વિત્યા બાદ સામાન્ય જનજીવન જીવતી થઈ છે તે સમયે કોરોનાએ દસ્તક દીધી છે.
અહેવાલો અનુસાર આ આ દેશોની અંદર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધવાની સાથો સાથ મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે થાઈલેન્ડ જેવા દેશમાં ઇન્ફેકશનનાં કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો કે આ સ્થિતિમાં સવાલ થઈ રહ્યો છે કે કોરોના મહામારીની આ કોઇ નવી લહેર છે કે તેના થઈ રહેલા ફેલાવાથી ભારતે ચેતવાની જરૂર છે કે કેમ?
હોંગકોંગમાં કેવી સ્થિતિ?
હોંગકોંગમાં સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કોમ્યુનિકેબલ ડિસીઝ બ્રાન્ચના વડાએ જણાવ્યું હતું કે હોંગકોંગમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વાયરલ લોડમાં વધારો, હોસ્પિટલોમાં ભીડ, ગંભીર કેસોની સંખ્યા અને મૃત્યુમાં પણ ઝડપથી વધારો થયો છે. ૩ મેના રોજ પૂરા થતા સપ્તાહ સુધીમાં હોંગકોંગમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 31 નોંધાયો છે.
સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ
સિંગાપોરની વાત કરીએ તો, અહીં કોવિડ-19ના કેસોમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 14,200 ને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકોની સંખ્યામાં પણ 30 ટકાથી વધુનો વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, તેમણે પુષ્ટિ આપી કે એવા કોઈ સંકેત નથી કે વર્તમાન પ્રકારો પહેલાના પ્રકારો કરતા વધુ ચેપી અથવા ગંભીર છે.
ભારતમાં શું છે હાલત?
એશિયાનાં અન્ય દેશોની જેમ જ ચીનમાં પણ કોવિડના કેસ સતત નોંધાઈ રહ્યા છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અહેવાલો દર્શાવે છે કે ઉનાળામાં પણ ત્યાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એશિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારત માટે પણ આગામી સમયમાં કોઇ ખતરો મંડરાય રહ્યો છે કે કેમ? જો આંકડાઓ પર નજર કરીએ તો હાલ ભારત માટે કોઇ ચિંતાની વાત નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સત્તાવાર ડેશબોર્ડ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 ના ફક્ત 93 કેસ નોંધાયા છે.