મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓવૈસી, થરૂર વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ…

નવી દિલ્હીઃ મોદી સરકારે અનેક દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલીને પાકિસ્તાની પોલ ખોલવાનો નિર્ણય કર્યો છે. એક મોટા કૂટનીતિ અભિયાન હેઠળ સરકાર વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લુ પાડવા આગામી સપ્તાહે ભારતીય નેતાઓને અલગ અલગ દેશોમાં મોકલશે.શશિ થરૂર, ઓવૈસી સહિત 30 સાંસદો પાકિસ્તાનને વિશ્વમાં ઉઘાડું પાડવા માટે અલગ અલગ દેશોનો પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલય સાંસદોને તેમના રાજદ્વારી મિશન માટે રવાના થતાં પહેલાં માહિતી આપશે.
કયા કયા પક્ષના સાંસદો બને ડેલિગેશનનો હિસ્સો
સૂત્રોએ જણાવ્યું કે ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એનસીપી (એસપી), જેડીયુ, બીજેડી, સીપીઆઈ (એમ) અને કેટલાક અન્યનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ થશે. આ ડેલિગેશનના એક સંભવિત સભ્યએ કહ્યું કે તેમને 22-23 મે સુધી 10 દિવસ માટે રવાના થવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય બાકીની માહિતી અને વિગતો સાથે તેમને પછીથી સંપર્ક કરશે. સૂત્રોએ કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, ઓડિશાના બીજેપી સાંસદ અપરાજિતા સારંગી શાસક પક્ષ તરફથી આ ડેલિગેશનનો ભાગ હોઈ શકે છે.
કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા ચાર સાંસદોને સામેલ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારની યાદીમાં કોંગ્રેસના સાંસદોમાં શશિ થરૂર, મનીષ તિવારી, સલમાન ખુર્શીદ અને અમર સિંહનો સમાવેશ થાય છે અને પક્ષ દ્વારા પણ તેઓ પ્રતિનિધિમંડળનો ભાગ બનશે તેવી પુષ્ટિ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા શશિ થરૂર અને એઆઈએઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ આ ડેલિગેશનનો ભાગ હોઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, જેડીયુના સંજય ઝા, બીજેડીના સસ્મિત પાત્રા, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે, ડીએમકેના કે. કનિમોઝી, સીપીઆઈ (એમ)ના જોન બ્રિટાસ અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીને પણ પ્રતિનિધિમંડળનો ભાગ બનવા માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રતિનિધિમંડળ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી છે.