વિરાટ કોહલીની ઓચિંતી નિવૃત્તિ બીસીસીઆઇને કારણે?

નવી દિલ્હીઃ રોહિત શર્માએ સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી અચાનક રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે ઘણાએ માની લીધું હશે કે જૂનમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે કમસે કમ વિરાટ કોહલી (VIRAT KOHLI) તો જશે, પરંતુ રોહિત પછી કોહલીએ પણ ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું, બીસીસીઆઇને સંકેત આપી દીધો અને એ મુદ્દે વિશ્લેષણો તૈયાર થાય એ પહેલાં તો કોહલીએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેના આ નિર્ણય પાછળ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)નો હાથ હોવાનું મનાય છે.
આ મુદ્દે એક ચોંકાવનારી એ વાત બહાર આવી છે કે બીસીસીઆઇ કોહલીને ફરી કૅપ્ટન્સી સોંપવા માગતું હતું, પણ છેલ્લી ઘડીએ બીસીસીઆઇએ યુ-ટર્ન લઈ લીધો હતો. એક જાણીતા અંગે્રજી સામયિકની વેબસાઇટના અહેવાલ મુજબ તાજેતરમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી (BORDER GAVASKAR TROPHY) વખતે બીસીસીઆઇએ કોહલીને ફરી ટેસ્ટનું સુકાન સોંપવાનો સંકેત આપ્યો હતો. એ સિરીઝમાં ભારતનો 1-3થી પરાજય થયો હતો.
એક સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ વિરાટ કોહલીના નજીકના સૂત્રો કહે છે કે તેને ફરી સુકાન સોંપાશે એવો અણસાર ઍડિલેઇડ ટેસ્ટ બાદ આપવામાં આવ્યો હતો, પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઍડિલેઇડની ટેસ્ટ સુધી બન્ને ટીમ 1-1ની બરાબરીમાં હતી. ઍડિલેઇડમાં ભારતનો 10 વિકેટે પરાજય થયો હતો. કોહલી ફરી કૅપ્ટન બનવાની આશા સાથે જ (એક દાયકાથી પણ વધુ સમય બાદ) રણજી ટ્રોફીમાં દિલ્હી વતી રમ્યો હતો, પરંતુ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતની કારમી હાર પછી સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી.
રોહિત અને કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય તથા ટેસ્ટ છોડી ચૂક્યા છે. હવે તેઓ માત્ર વન-ડેમાં અને આઇપીએલમાં રમતા જોવા મળશે.
આપણ વાંચો : રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે