નેશનલ

સત્યપાલ મલિકે 2024ની કરી આગાહી, કહ્યું, “લખીને આપું છું કે આ વખતે..”

વર્ષ 2023ના અંતિમ 2 મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરના મહિના ભારતીય રાજકારણ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને આ રાજ્યોની ચૂંટણીઓનું પરિણામ આગામી લોકસભા ચૂંટણીમાં જનતાનો મિજાજ પારખવા માટે અતિ ઉપયોગી બની રહેશે. પાાંચેય રાજ્યોમાં હાલ ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે અને સ્ટાર પ્રચારકો ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ લોકસભા માટે પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે મુલાકાત થઈ હતી જેનો વીડિયો રાહુલ ગાંધીના યુટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યો છે.

28 મિનિટ ચાલેલી આ મુલાકાતમાં સત્યપાલ મલિકે મોદી સરકાર પર નિશાન સાધતા એવો દાવો કર્યો હતો કે, “ફક્ત 6 મહિનાની વાત છે, હું લખીને આપું છું કે હવે આ સરકાર નહિ આવે..”

ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ મલિકને પૂછ્યું હતું કે ભારતનું રાજકારણ 2 વિચારધારાઓમાં વહેચાઇ ગયું છે. એક ગાંધીવાદી અને બીજી RSSની વિચારધારાઓ. આ સવાલના જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું, હિંદુસ્તાન એક દેશ તરીકે ત્યારે જ ચાલી શકશે જ્યારે લિબરલ હિંદુઇઝમના રસ્તે ચાલશે.. આ ગાંધીનું વિઝન હતું, તેઓ ગામે ગામ ગયા હતા, ત્યારે આ વિઝન સુધી પહોંચ્યા હતા… જો આ વિચારધારા પર દેશ ચાલશે, ત્યારે જ ચાલી શકશે, નહિં તો ટુકડા થઈ જશે… આપણે લડાઈ-ઝગડા કર્યા વગર એક થઈને રહેવું પડશે.

આ પછી રાહુલ ગાંધીએ જ્યારે તેઓ કાશ્મીરના રાજ્યપાલ પદે હતા ત્યારે તેમને શું તકલીફો પડી હતી તે અંગે સવાલ પૂછતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરને જબરજસ્તી સેનાઓ ખડકીને ઠીક ન કરી શકાય. ત્યાના લોકોના મન જીતવા પડે. જમ્મુ કાશ્મીરની સમસ્યાઓના સમાધાન માટે સૌથી પહેલા તો તેમણે રાજ્યનો દરજ્જો પરત કરવો પડશે.

પુલવામાં હુમલા પર તેમણે કહ્યું હતું કે.”હું એમ નથી કહી રહ્યો કે એ તેમણે કરાવ્યું હતું. પુલવામામાં જે થવાનું હતું તેને નજરઅંદાજ કરીને તેમણે તેનો રાજકીય ઉપયોગ કર્યો. મને જ્યારે માહિતી મળી કે પુલવામાના શહીદોને એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે તો મને સિક્યોરીટીવાળાએ કહ્યુ કે તમે ન જશો. પણ મેં કહ્યું કે હું તો જઇશ. એ લોકોએ એરપોર્ટ પર મને રૂમમાં પૂરી દીધો. પીએમ નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. હું ગમેતેમ નીકળ્યો તો મેં જોયું કે પીએમના આગમનનો આખો શો ઉભો કરાયો છે. ખરેખર તો તેમણે શ્રીનગર જવાનું હતું.”

સત્યપાલ મલિકે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો એટલા માટે શહીદ થયા કારણ કે તેમણે પાંચ વિમાનોની માંગણી કરી હતી. એરક્રાફ્ટ માટેની અરજી ચાર મહિનાથી ગૃહ મંત્રાલયમાં પેન્ડિંગ હતી. ગૃહ મંત્રાલયે પછી તેને ફગાવી દીધી હતી. આથી આ લોકો બાય રોડ જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી આવી હતી.

સત્યપાલ મલિકે કહ્યું હતું કે મણિપુરમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે ઉત્તર પૂર્વની શાંતિને ખલેલ પહોંચાડી છે. રાહુલે કહ્યું હતું કે, તેમણે મારા યુટ્યૂબ એકાઉન્ટને દબાવીને રાખ્યું છે. હવે તમારા પર પણ EDનું આક્રમણ થશે. જેના જવાબમાં મલિકે કહ્યું હતું કે, આનાથી મને કોઈ ફરક પડતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button