અંજાર

વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: કરોડોની મિલકત જપ્ત

અંજાર: રાજ્યમાં નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે.

આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણ વાંચો: વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ફિનાઇલ પીધું

કચ્છના અંજારમાં GCTOC કાયદા અન્વયે કાર્યવાહી

કચ્છ જિલ્લાના અંજારમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GCTOC) કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં હતા.

આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલ્કત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.

આપણ વાંચો: મોરબીમાં બે લાખના 22 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ ખેતીની જમીનનું સોદાખત કરાવ્યું

ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી

અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેમની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ—રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, રહે. મંકલેશ્વર, અંજાર—સામે કાર્યવાહી કરી હતી. આ આરોપીઓએ “Organized Crime Syndicate” બનાવી, આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા.

કઈ કઈ મિલકત કરવામાં આવી જપ્ત?

જપ્ત કરાયેલી મિલ્કતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (2.52 લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (14.79 લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (12.42 લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (6.45 લાખ); તેમજ આરોપીઓની માતાનાં નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (0.60 લાખ અને 12.94 લાખ) અને અંજારમાં ગંગોત્રી-૦૨માં પ્લોટ (13.71 લાખ)નો સમાવેશ થાય છે. આ કુલ મિલ્કતોની કિંમત 63.46 લાખ રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button