આઇપીએલ 2.0 નો આરંભ લગોલગઃ બેંગલૂરુ-કોલકાતાની આવી હોઈ શકે પ્લેઇંગ-ઇલેવન…

બેંગલૂરુઃ શનિવાર, 17મી મેએ આઇપીએલ (ipl-2025)નો (ભારત-પાકિસ્તાન યુદ્ધ પછીનો) બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને એમાં ફાઇનલ 17 મૅચ રમાશે જેમાંની શનિવારના પ્રથમ મુકાબલામાં સામસામે આવનાર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની સંભવિત પ્લેઇંગ-ઇલેવન તેમ જ એમ. ચિન્નાસ્વામીના ગ્રાઉન્ડનો પિચ-રિપોર્ટ, વેધશાળાની આગાહી વગેરે બધુ જ હવે તૈયાર થઈ ગયું છે. તો ચાલો, ફરી આઇપીએલની સફર શરૂ કરીએ.
રજત પાટીદારના સુકાનમાં બેંગલૂરુની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ગુજરાત ટાઇટન્સ પછી બીજા નંબરે છે, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કેકેઆર છેક છઠ્ઠા નંબરે છે.

પિચ રિપોર્ટ શું કહે છે?
બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણી વાર 200-પ્લસના ટીમ-સ્કોર જોવા મળ્યા છે. અહીં મોટા ભાગે હાઇ-સ્કોરિંગ મૅચો જોવા મળી છે. શનિવારે બેંગલૂરુ-કોલકાતા મૅચમાં પણ બૅટિંગનું વધુ જોર જોવા મળી શકે. જોકે નવા બૉલથી બોલર્સને સારી એવી મદદ મળી શકશે. અહીં પ્રથમ બૅટિંગ કરનારી ટીમોને 43 વખત અને લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમને 53 વાર વિજય મળ્યો છે.
હવામાન કેવું રહેશે?
બેંગલૂરુમાં થોડા દિવસથી વરસાદ પડે છે અને શનિવારે (મૅચના દિવસે પણ) વરસાદ પડવાની આગાહી છે. સાંજે અને રાત્રે વીજળીના કડકડાટ સાથે વરસાદ પડવાની સંભાવના છે. મૅચ દરમ્યાન નાના-મોટા વિઘ્નો આવી શકે. મૅચ દરમ્યાન આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે. જો મૅચ ખોરવાઈ જશે અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ અપાશે તો બેંગલૂરુની ટીમ પ્લે-ઑફમાં પહોંચી જશે અને કોલકાતા બહાર થઈ શકે.
હેડ-ટુ-હેડ મુકાબલાઃ
આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 20 કોલકાતાએ અને 15 બેંગલૂરુએ જીતી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરીએ તો આ સ્થળે બન્ને વચ્ચે 12 મૅચ રમાઈ છે જેમાંથી 8 કોલકાતાએ જીતી છે. નવાઈની વાત એ છે કે 2016ની સાલ પછી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીને ક્યારેય કેકેઆર સામે વિજય નથી મળ્યો. આ બધા આંકડા બતાવે છે કે કેકેઆર આ સ્થળે ફરી એકવાર યજમાન આરસીબીની ટીમ પર હાવિ થઈ શકે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, મયંક અગરવાલ, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, લુન્ગી ઍન્ગિડી અને યશ દયાલ.
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, ઍન્રિક નૉર્કિયા અને વરુણ ચક્રવર્તી.