સ્પોર્ટસ

અરે વાહ! ઑલિમ્પિક્સના પ્રેક્ષકો-વીઆઇપીઓ માટે પહેલી વાર ઍર ટેક્સી ઉડાડાશે!

લૉસ ઍન્જલસઃ 2028ની સાલમાં અમેરિકામાં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ વખતે પ્રેક્ષકો (spectators) અને વીઆઇપીઓ (VIPs) માટે ઐતિહાસિક વ્યવસ્થા કરવામાં આવશે. પહેલી વાર વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવમાં ઍર ટેક્સી (Air Taxi)નો ઉપયોગ કરવામાં આવશે. બીજી રીતે કહીએ તો લૉસ ઍન્જલસમાં જે પણ સ્થળે ઑલિમ્પિક્સની સ્પર્ધાઓ યોજાશે ત્યાં પહોંચવા માટે પ્રેક્ષકો અને મુખ્ય અતિથિઓ તેમ જ વિશેષ મહેમાનો અને ખાસ પ્રેક્ષકગણ માટે ઍર ટેક્સીની વ્યવસ્થા રાખવામાં આવશે.

લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ (Los Angeles Olympics) 14-30 જુલાઈ દરમ્યાન યોજાશે અને એ દરમ્યાન મિડનાઇટ નામની ઇલેકટ્રિક ઍર ટેક્સીઓ અમેરિકામાં સૌથી વધુ (40 લાખ લોકોની) વસતિ ધરાવતા શહેર લૉસ ઍન્જલસના આકાશમાં ઉડતી જોવા મળશે. વર્ટિપૉટ ખાતેથી ટેક-ઑફ કરનારી ઍર ટેક્સી (ફેરી)માં ચાર મુસાફરોને લઈ જવામાં આવશે અને ઑલિમ્પિક્સની સ્પર્ધાના સ્થળની નજીકના હબમાં ઍર ટેક્સી લૅન્ડિંગ કરશે.

યોજનાબદ્ધ નેટવર્કમાં ઇન્જલવૂડનું સૉફી સ્ટેડિયમ, લૉસ ઍન્જલસ મેમોરિયલ કૉલિસીયમ, લૉસ ઍન્જલસ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ, હૉલીવૂડ, સાન્તા મૉનિકા અને ઑરેન્જ કાઉન્ટીના વર્ટિપોર્ટનો સમાવેશ હશે. એપી/પીટીઆઇના અહેવાલ મુજબ આર્ચર ઍવિએશનના સીઇઓ તથા સ્થાપક ઍડમ ગોલ્ડસ્ટેઇને જણાવ્યું છે કે `અમેરિકામાં અમે લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સના પ્રેક્ષકો માટેની ઍર ટેક્સીની વ્યવસ્થા સાથે ભાવિ પરિવહન માટે નવી અને અનોખી પરંપરા શરૂ કરવા માગીએ છીએ. મારા મતે પરંપરાગત હેલિકૉપ્ટરની તુલનામાં ઍર ટેક્સીના ઉપયોગમાં અવાજ ઓછો હોય છે અને હવામાં પ્રદૂષણ પણ પ્રમાણમાં ઘણું ઓછું હોય છે.’

આપણ વાંચો : `અમદાવાદ ઑલિમ્પિક્સ’ સૌથી મોંઘી કહેવાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button