ભુજના શેખ ફળિયામાંથી નકલી ચલણી નોટ છાપવાનું મટીરિયલ મળી આવ્યું, પોલીસ એક્શનમાં

ભુજઃ નકલી ભારતીય ચલણી નોટને યુક્તિપૂર્વક બંડલમાં રાખીને છેતરપિંડીના સેંકડો બનાવો કચ્છમાંથી બહાર આવી ચૂક્યા છે તેવામાં પોલીસ કોમ્બિંગ દરમ્યાન એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સનાં ભુજ ખાતેના શેખ ફળિયામાં આવેલા મકાનમાંથી નકલી ચલણી નોટના બંડલો બનાવા માટે વપરાતા કાગળના ૯૦ જેટલા બંચ મળી આવતાં આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: Surat પોલીસે કર્યો નકલી ચલણી નોટ ધુસાડવાના ષડયંત્રનો પર્દાફાર્શ, આટલા કરોડની નોટો ઝડપાઈ…
ઈન્ડો-પાક યુદ્ધ અને યુદ્ધવિરામ વચ્ચે સીમાવર્તી કચ્છમાં અપાયેલી હાઇએલર્ટ વચ્ચે ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને પકડવા માટે ખાસ કોમ્બિંગ આદરવા માટે રાજ્યસ્તરથી આપવામાં આવેલી સૂચના આપતાં પોલીસે વિવિધ ટુકડીઓ બનાવીને ભુજમાં કોમ્બિંગ આદર્યું હતું, જેમાં આલાવારા કબ્રસ્તાન પાછળ આવેલા શેખ ફળિયામાં રહેતા રમજાનશા કાસમશા શેખ નામના શખ્સના મકાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈને છેતરવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી ભારતીય ચલણની નોટોના રંગ અને માપના કાગળોના ૯૦ જેટલા બંચ મળી આવ્યા હતા.
જો કે, આરોપી હાજર મળ્યો ન હતો. રમજાનશા વિરુદ્ધ અગાઉ એ-ડિવિઝન તથા માધાપર પોલીસ મથકે છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સ્થાનિક ગુન્હાશોધક શાખાના પી.આઈ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.