કવર સ્ટોરી : અંતમાં આરંભનો અણસાર…

-હેમા શાસ્ત્રી
ઓડિયન્સને અપીલ કરતી કથાનો દુકાળ અને સિક્વલ ચલણી નાણું લાગવાથી ફિલ્મના એન્ડિંગમાં સ્ટોરી આગળ ચાલશે એવો ઈશારો કરવામાં આવી રહ્યો છે
એકવીસમી સદીમાં હિન્દી ફિલ્મો સહિત ઘણું બધું બદલાઈ ગયું છે. 30 વર્ષ પહેલાં એક ફિલ્મ આવેલી, જેનો આરંભ અંતથી થયો હતો. 1994ની સુનીલ શેટ્ટી, સોમી અલી અને પરેશ રાવળની ફિલ્મનું ટાઈટલ ‘અંત’ હતું. પડદા પર ‘અંત’ દેખાયા પછી ફિલ્મનો આરંભ થતો હતો.
2025માં પરિસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે. આજે ઓડિયન્સને અપીલ કરતી કથાનો દુકાળ હોવાથી અને સિક્વલ ચલણી નાણું લાગવાથી ફિલ્મના અંતમાં સ્ટોરી આગળ ચાલશે એવો એટલે કે નવા આરંભનો ઈશારો કરવામાં આવી રહ્યો છે.
અજય દેવગનની ‘રેડ 2’ આ લખાય છે ત્યાં સુધીમાં 130 કરોડનો નોંધપાત્ર વકરો કરવામાં સફળ રહી છે. સિક્વલ સેલ્સ – સિક્વલ રોકડા કમાઈ આપવાની ક્ષમતા ધરાવે છે એવી માન્યતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરી વળી છે. બોલિવૂડના ‘સિક્વલ સમ્રાટ’ના તાજના હકદાર એવા અજય દેવગનને ‘તેરે પીછે પીછે મૈં આ ગઈ’ સ્ટાઈલની ફિલ્મો ફળી રહી છે. ‘સિંઘમ અગેન’, ‘દ્રશ્યમ 2’, ‘ટોટલ ધમાલ’ પછી ‘રેડ 2’ને સફળતા મળતા અજયનો વાવટો સિક્વલની ભૂમિ પર લહેરાઈ રહ્યો છે. 2025 ‘સિક્વલ યર’ સાબિત થાય એવી પરિસ્થિતિ ફિલ્મોના ટાઈટલ સૂચવી રહ્યા છે, જેમકે ડોન 3, વોર 2, સન ઓફ સરદાર 2, વેલકમ ટુ જંગલ… લિસ્ટ ખાસ્સું લાંબું છે. આ યાદીમાં વધુ નામ ઉમેરાય એવી ઉજળી સંભાવના દેખાઈ રહી છે. તાજું ઉદાહરણ જોઈએ.
આ પણ વાંચો….કવર સ્ટોરી : પહલગામના આ તે કેવા પડઘા…
‘રેડ 2’નો અંત સિક્વલ તરફ જરૂર આંગળી ચીંધે છે. 2018ની ‘રેડ’માં અમય પટનાયક (અજય દેવગન) કાળા કરતૂતો ઉઘાડા પાડતા સંસદસભ્ય રામેશ્વર સિંહ (સૌરભ શુક્લા)ને હાથકડી પહેરાવી કેદખાનામાં જવાનો વારો આવે છે. ‘રેડ’નો વિલન છે રામેશ્વર સિંહ. ‘રેડ 2’ની કથાનો વિલન છે દાદાભાઈ (રિતેશ દેશમુખ). સમાજસેવાનો ઢોંગ કરી બ્લેક મનીનો ડુંગર ઊભો કરનાર રાજકારણી અને લોકલાડીલા નેતાની અનીતિ પરથી પડદો ઊંચકી લેવામાં આવતા દાદાભાઈ પણ જેલમાં ધકેલાય છે. આમ પહેલી ફિલ્મમાં રામેશ્વર સિંહ અને બીજીમાં દાદાભાઈ ખલનાયક છે.
સિક્વલના અંતમાં ‘રેડ ’ના વિલનની મુલાકાત ‘રેડ 2’ના વિલન સાથે થાય છે – રામેશ્વર સિંહ અને દાદાભાઈ આમનેસામને આવે છે. ‘દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ’ એ ન્યાયે રામેશ્વર સિંહ ભવિષ્યમાં સાથે કામ કરવાની ઓફર કરે છે. દાદાભાઈના પતનનું કાવતરું ઘડ્યા પછી રામેશ્વર સિંહ એને ઓફર આપી અમય પટનાયક સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવાના સપનાંનાં બીજનું વાવેતર કરે છે. મૂળ ફિલ્મનો વિલન અને સિક્વલનો વિલન હાથ મિલાવશે એવી સંભાવના દેખાડવામાં આવી છે. સંભવત: આ જ ‘રેડ 3’ની પાર્શ્વભૂમિ છે. ટૂંકમાં ફિલ્મના અંતમાં નવી ફિલ્મના આરંભનો અણસાર આપી દેવામાં આવ્યો છે. અમર પટનાયક માટે નવી લડાઈ, નવા દુશ્મનનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એના માટે જનમાનસમાં આદર છે. વાગોળવું એ ગાયની પ્રકૃતિ છે. ગાય ઘાસ કે અન્ય ખોરાક મોઢા દ્વારા જઠરમાં ઉતારી લે છે અને આરામથી બેસે ત્યારે એ ખોરાક ફરી મોઢામાં લાવી ચાવે છે. આ પ્રક્રિયા ‘વાગોળવું’ કહેવાય છે. હિન્દી ફિલ્મના દર્શકોમાં ભૂતકાળને, જૂની સ્મૃતિઓ વાગોળવાની ઉત્કંઠા હોય છે અને એને રોકડી કરવા માટે તેમજ પસંદ પડેલી સ્ટોરી લાઈન આગળ વધારી લોકપ્રિયતાને કમાણીમાં રૂપાંતર કરવાના ઈરાદા સાથે સિક્વલ – ફ્રેન્ચાઈઝીનો સિલસિલો શરૂ થયો અને આજની તારીખમાં ધમધોકાર ચાલી રહ્યો છે. પરિચિત પાત્ર અને પરિચિત વાતાવરણમાં આકાર લેતી કથા સાથે પ્રેક્ષકો જલદી જોડાઈ જાય છે. પસંદ પડેલી વાર્તા આગળ કઈ દિશામાં વધે છે એની આતુરતા પ્રેક્ષકોમાં નજરે પડી રહી હોવાથી સિક્વલ બોક્સ ઓફિસ પર ધીકતો નફો કરાવી દેશે એવી માન્યતા રૂઢ બની ગઈ છે.
આ પણ વાંચો….કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ
રણબીર કપૂરની ખૂબ ગાજેલી અને એની કરિયરની સૌથી સફળ ફિલ્મ ‘એનિમલ’ પૂરી થાય છે ત્યાં ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીએ સિક્વલના એંધાણ આપી દીધા છે. ‘એનિમલ પાર્ક’ ટાઇટલ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના છે અને સિક્વલ શરૂ થાય એ પહેલા જ રણબીરે ‘એનિમલ 3’ સુધ્ધાં બનશે એવો ઈશારો પણ આપી દીધો છે. તમે જો ’એનિમલ’ જોઈ હોય તો આ વાર્તા કેવી અને કઈ દિશામાં આગળ વધશે એનીકલ્પના કરવી આસાન તો નથી, પણ મેકર એ માટે કટિબદ્ધ છે. પહેલી ફિલ્મને મળેલા જ્વલંત પ્રતિસાદ બાદ એના ઉત્સાહમાં ભરતી આવી હોય એ અત્યંત સ્વાભાવિક છે. હોરર કોમેડી યુનિવર્સના રચયિતા ‘મેડોક ફિલ્મ્સ’- દિનેશ વિજન પણ ’સ્ત્રી’ની બે ફિલ્મની સફળતાથી હરખાઈ ‘સ્ત્રી 3’ ક્યારે રિલીઝ કરશે એની ઘોષણા કરી દીધી છે. બંને ફિલ્મના અંતે આ વાર્તા હજી આગળ વધશે એવો અણસાર આપી સિને રસિકોમાં ઉત્સુકતા જગાડવાનો કીમિયો સફળ રહ્યો છે.
તમિળ ભાષામાં બનેલી અને સાઉથની અન્ય ભાષા ઉપરાંત હિન્દીમાં પણ ડબ કરવામાં આવેલી ફિલ્મGOAT (Greatest of All Time) ભરપૂર એક્શન ધરાવતી ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર હિટ નીવડેલી આ ફિલ્મ સાઉથની હિન્દીમાં ડબ થતી ફિલ્મો જોતા દર્શકોના વર્ગને પસંદ પડી હતી.
ફિલ્મના અંતે રહસ્યનું એવું પડીકું ખોલવામાં આવે છે જે જોઈ ‘હેં, હવે આગળ શું થશે?’ એવો સળવળાટ દર્શકના ચિત્તમાં દોડાદોડ કરવા લાગે છે. સિક્વલની પૂરેપૂરી સંભાવના છે. ફિલ્મના દિગ્દર્શક તરફથી સંમતિ પણ દર્શાવવામાં આવી છે.
ટૂંકમાં, ફિલ્મનો આરંભ કરી અંતમાં નવા આરંભનો ઈશારો કરવાની સ્ટાઈલ બરાબર અપનાવીને બેન્ક બેલેન્સના ગુણાકાર કરવાની નીતિ-રીતિ હિટ પુરવાર થઈ રહી છે.
આ પણ વાંચો….કવર સ્ટોરી : સગાં ભાઈ-બહેને રોમેન્ટિક ફિલ્મ ન કરાય?