પાકિસ્તાનને મદદ કરવી ભારે પડી! તુર્કી અને અઝરબૈજાન બહિષ્કારનો ટ્રેન્ડ વધ્યો, 250% બુકિંગ રદ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. જેના કારણે ભારતીયો નારાજ થયા અને હવે તુર્કી અને અઝરબૈજાનના બહિષ્કાર (Turkiye–Azerbaijan Boycott)નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો આ બે દેશોમાં જવાનું પણ ટાળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપની MakeMyTrip (MMT)એ આપેલા આંકડા પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં તુર્કી અને અઝરબૈજાન માટે બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. જે હજી પણ વધી શકે તેવું લાગી રહ્યું છે.
અમે અમારા દેશ અને સેના સાથે ઉભા છીએ: MakeMyTrip
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો તુર્કી અને અઝરબૈજાનમાં ફરવા માટે જતાં હોય છે. જેમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દુશ્મન દેશને શા માટે સાથ આપ્યો? આ ભાવના સાથે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોએ બુકિંગ રદ્દ કરાવવાની સંખ્યામાં 250 ટકા જેટલો વધારો થયો છે. MakeMyTrip દ્વારા હાલમાં આ દેશો માટે ફ્લાઇટ બુકિંગ સંપૂર્ણપણે બંધ કર્યું નથી. પરંતુ કંપનીએ કહ્યું કે, અમે અમારા દેશ અને સેના સાથે ઉભા છીએ. એટલું જ નહીં પરંતુ આ દેશો માટે ચાલી રહેલા તમામ પ્રમોશન અને ઑફર્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
અઝરબૈજાનનું 30 ટકા બુકિંગ રદ્દ કરવામાં આવ્યું
ભારતીયોએ તુર્કી જવાનું ટાળ્યું અને 22 ટકા બુકિંગ રદ્દ કરાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે અઝરબૈજાનનું પણ 30 ટકા બુકિંગ રદ્દ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. જેના કારણે હવે તુર્કીને પ્રવાસન ક્ષેત્રમાં મોટું નુકસાન થયાનું છે. તુર્કીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, અમે આ સ્થિતિમાં અમારા મુસ્લિમ ભાઈ દેશ પાકિસ્તાન સાથે છીએ. દુશ્મન દેશને મદદ કરવાનું તુર્કીને ભારે પડવાનું છે.
2024માં 3.30 લાખ ભારતીયો તુર્કી ફરવા માટે ગયા હતા
તુર્કીમાં ભારતના કારણે થયેલા પ્રવાસના આંકડાની વાત કરવામાં આવે તો, ભારતના લોકો તુર્કીમાં માત્ર ફરવા માટે જ નહીં પરંતુ રહેલા માટે અને વેપાર કરવા માટે પણ જાય છે. 2024માં અઝરબૈજાનમાં કુલ 2.43 લાખ ભારતીયો ફરવા માટે ગયાં હતાં. જ્યારે તુર્કીની વાત કરીએ તો 2024માં 3.30 લાખ ભારતીયો ફરવા માટે ગયાં હતાં. આ સંખ્યાં 10 વર્ષ પહેલા ક્રમશઃ 4,853 અને 1.19 લાખ હતી. પરંતુ ફરી એકવાર આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.