લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી કોલેજિયન્સને થયો ડરામણો અનુભવ, વીડિયો થયો વાઈરલ…

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને હાલમાં જ સોશિયલ મીડિયા પર આ મુંબઈ લોકલ ટ્રેનનો એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. પશ્ચિમ રેલવેના ગોરેગાંવ સ્ટેશન પર બુધવારે સવારે ફર્સ્ટ ક્લાસ લેડિઝ કોચમાં પ્રવાસ કરી રહેલી બે વિદ્યાર્થિનીઓને એવો ખૂબ જ ડરામણો અનુભવ થયો હતો અને એની સાથે મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત ઉપસ્થિત થયો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રેડિટ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં કોલેજ જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓ સવારે 10.44 કલાકે ગોરેગાંવથી વિલેપાર્લે જવા માટે લોકલ ટ્રેન પકડી હતી. ટ્રેન જ્યારે સ્ટેશન પર હતી ત્યારે એક અજાણ્યા યુવકે લેડિઝ કોચની વિન્ડો પાસે આવીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને અશ્લીલ કમેન્ટ્સ કરવાનું ચાલુ કર્યું હતું. આ જોઈને બીજી વિદ્યાર્થિનીએ તરત જ વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીએ વીડિયો શૂટ થઈ રહ્યો છે એ જોતા જ જાણે તે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો છે એવું દેખાડીને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને વિન્ડોની નજીક જઈને તેણે વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
વિદ્યાર્થિનીની બહેનપણીએ આ વીડિયો શૂટ કરીને રેડિટ પર પોસ્ટ કરી દીધો હતો અને લખ્યું હતું કે આ ઘટના બાદ મારી બહેનપણી આઘાતમાં સરી પડી છે. પરંતુ હું આ વીડિયો અહીંયા એટલા માટે પોસ્ટ કરી રહી છું કે જેથી લોકોને તેનો ચહેરો દેખાય અને બીજી કોઈ મહિલા કે છોકરીઓને આવી સમસ્યાનો સામનો ના કરવો પડે.
હવે આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર જાત જાતની ટિપ્પણી આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ બંનેને રેલવે પોલીસની મદદ લેવાની સલાહ પણ આપી રહ્યા છે તો કેટલાક યુઝર્સ આ વીડિયોને એટલો વાઈરલ કરી દો કે તે મુંબઈ પોલીસ સુધી પહોંચી જાય એવી ડિમાન્ડ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આશા રાખીએ કોઈ તો આ માણસને ઓળખી લે. મને એ બંને છોકરીઓ અને તેના પરિવાર માટે દુઃખ થઈ રહ્યું છે.
આપણ વાંચો: મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું
આ વીડિયો વાઈરલ થતાં જ ફરી એક વખત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો એરણે આવ્યો છે. આ પહેલાં પણ અનેક વખત લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલા પ્રવાસીઓને આવા અનુભવ થતાં હોય છે.