ગુજરાતના દહેગામમાં મેશ્વો-ખારી નદી પર 18 કરોડના ખર્ચે 6 ચેકડેમનું કરાયું લોકાર્પણ
રાજ્યના ખૂણે ખૂણે નાગરિકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ

ગાંધીનગરઃ દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત છ ચેકડેમોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ખારી નદી પર રૂ. ૨.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી તાલુકામાંથી પસાર થતી મેશ્વો અને ખારી નદી પર રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે કુલ ૬ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આશરે રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે નવનિર્મિત આ ચેકડેમોમાં કુલ ૪૧.૮૯ મિલિયન ક્યુબિક ફિટ પાણીનો સંગ્રહ થશે. જેના માધ્યમથી આસપાસના ૩૦થી વધુ ગામના ખેડૂતોના ૩૫૦ હેકટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂણે ખૂણે સુધી નાગરિકોને પીવાલાયક તેમજ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત પાણીદાર અને દુકાળ હવે ભૂતકાળ બન્યો છે. ઉનાળા દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થતી હશે, તેવા વિસ્તારોમાં ચેકડેમના માધ્યમથી સિંચાઈનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પર ૧૪ ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત્રક નદી પર પણ ચાર નવા ચેકડેમ બનાવીને આસપાસના ૧૦ ગામોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નદી પર આજે નવા બે ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બે ચેકડેમનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. આટલું જ નહીં, આગામી સમયમાં મેશ્વો નદી પર બીજા ચાર નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
ખારી નદી પર પણ હાલમાં ત્રણ હયાત ચેકડેમ ઉપરાંત આજે નવા ચાર ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ખારી નદી પર બીજા ત્રણ નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ તમામ ચેકડેમોનું કામ પૂર્ણ થતાં ગાંધીનગર અને દહેગામ તાલુકાના ૯૦ થી ૯૫ ગામોના ૫૫૦ હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, તેમ પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો….ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા નહીં: 64 જળાશયો પીવા માટે અનામત, ગયા વર્ષ કરતાં વધુ જળસંગ્રહ