દિલ્હી કેપિટલ્સ સામે કેમ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો?

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોના હાથે તાજેતરમાં પાકિસ્તાન ઢોર માર ખાઈ રહ્યું હતું એ દરમ્યાન પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપનારા દેશોમાં ચીન, તુર્કી અને અઝરબૈજાન ઉપરાંત બાંગ્લાદેશ (BANGLADESH)નો પણ સમાવેશ હતો અને એ જ બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને આઈપીએલની દિલ્હી કેપિટલ્સ (DC) ટીમના ફ્રેન્ચાઈઝીએ પોતાની સ્કવોડમાં સમાવી લીધો હોવાની જાહેરાત કરી એટલે દિલ્હીની ટીમનો મોટા પાયે વિરોધ થયો છે.
દિલ્હીના ફ્રેન્ચાઇઝીએ બુધવારે જાહેર કર્યું હતું કે ઑસ્ટ્રેલિયાનો જેક ફ્રેઝર-મૅકગર્ક આઇપીએલની બાકીની મૅચો માટે પાછો ભારત નથી આવવાનો એટલે તેના સ્થાને અમે બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુરને છ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
જોકે વાસ્તવમાં મુસ્તફિઝુરે પોતે જ બુધવારે રાત્રે જાહેર કરી દીધું હતું કે પાકિસ્તાન સામેની આગામી સિરીઝો રમવામાં પોતે વ્યસ્ત રહેવાનો હોવાથી આઇપીએલમાં રમવા ભારત નહીં આવી શકે.
એ પહેલાં, આઈપીએલમાં રમવા માટે મુસ્તફિઝુરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાસેથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવ્યું જ નહોતું. એ વગર મુસ્તફિઝુરને ભારત આવવાની મંજૂરી જ ન મળી હોત.
જોકે ભારતમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશથી પણ ખફા છે અને એવામાં બાંગ્લાદેશના ખેલાડીને ખરીદ્યો હોવાની આઈપીએલની કોઈ ટીમ જાહેરાત કરે તો સ્વાભાવિક છે કે ભારતમાં વિરોધ થવાનો જ. ઉલ્લેખનીય છે કે માર્ચમાં ખેલાડીઓના ઓકશન દરમ્યાન આઈપીએલની 10માંથી એક પણ ટીમે બાંગ્લાદેશના એકેય ખેલાડીને નહોતો ખરીદ્યો. કારણ એ હતું કે પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશનો પણ થોડા મહિનાઓથી રાજકીય સ્તરે ભારત-વિરોધી અભિગમ રહ્યો છે.
આપણ વાંચો: આઇપીએલમાં હવે કોને પ્લે-ઑફનો કેટલો ચાન્સ છે?
મુસ્તફિઝુરને સિલેક્ટ કરવાના મુદ્દે દિલ્હી કેપિટલ્સની ટીમનો બહિષ્કાર કરવાની સોશિયલ મીડિયામાં માગણી થઈ રહી છે.
નવાઈની વાત એ છે કે બુધવાર, 21મી મેએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની આગામી મૅચ દિલ્હી સામે જ રમાવાની છે. એ પહેલાં, રવિવારે દિલ્હીનો મુકાબલો દિલ્હીમાં ગુજરાત સામે થશે.
પોઈન્ટ્સ ટેબલમાં પાંચમું સ્થાન ધરાવતી અક્ષર પટેલના નેતૃત્વ હેઠળની દિલ્હીની ટીમની ગુજરાત અને મુંબઈ બાદ પંજાબ સામે છેલ્લી લીગ મૅચ રમાશે.