પુરુષ

લાફ્ટર આફ્ટર: યજમાનનો અભ્યાસક્રમ

-પ્રજ્ઞા વશી

જેમ મહેમાનો અનેક પ્રકારના હોય છે તેમ યજમાનો પણ અનેક પ્રકારના હોય છે. ભારતમાં મહેમાનોને ભગવાન સાથે સરખાવવામાં આપણા કવિ, લેખકો અને ચારણોએ ભારે દાટ વાળ્યો છે. ગળું ફાડી ફાડીને ચારણોએ, કવિઓએ લખેલા મહેમાનગતિ ઉપરના છંદ, દુહાઓ અને કવિતાઓ ગાઈ ગાઈને આખા વિશ્વને જાણ કરી છે કે ‘પધારો મારે દેશ!’ પછી વિશ્વ પ્રવાસીઓ ભારતના મહેમાન બને જ ને? એમાં મહેમાનોનો કોઈ વાંક નથી.

આપણા હરખપદૂડા કવિઓએ તો મહેમાનોના આમંત્રણ રૂપે અનેક કવિતાઓ વહેતી કરી દીધી,પણ મહેમાનો તો કવિ સિવાય અન્ય કોઈના ઘરે જઈને જ ધામા નાખે છે. (કવિઓને ઘરે જતા નથી. કારણ તમે જાણો છો ભાઈ!) ‘કોઈ આંગણિયા પૂછીને આવે, તો આવકારો મીઠો આપજે રે.’ એક મહેમાને આ પંક્તિ ફોન ઉપર સંભળાવીને યજમાનને એટલા ભાવુક કરી દીધા કે યજમાને મહેમાનને ભાવનામાં વહી જઈને, ’સપરિવાર આવો તો ગમશે.’ એમ કહેતાં તો કહી દીધું, પણ પછી એ સપરિવાર આવેલા વીસ જણના (વેવાઈ સહિતના) પરિવારના દસ દિવસના ધામા અને નિરંતર… ‘હુરતી ખાવાનું તો ભાઈ લાજવાબ…! સો ડિલિસિયસ! યમ્મી! ચટાકેદાર એટલું છે કે પાછા ઘરે જવાનું મન થતું નથી.’ આ વાક્ય સાથે મહિનાભરનું યજમાનનું બજેટ હલાવી નાખનાર મહેમાનોને ઠપકારવા માટે એક પણ હુરતી અપશબ્દ કામ આવે એવો નથી.

આ ભાવુક યજમાનને મહેમાનોએ જ્યારે એમ કહ્યું કે, ‘ભાઈ, હવે જ હુરતમાં હાફૂસ અને કેસર ખાવાનો ખરો સમય છે એટલે અમે ખાસ આવેલા છીએ જૂનનો પહેલો વરસાદ પડે ત્યાં સુધી હુરતમાં રહીને તમારા જેવા શામળશા શેઠ જેવા દિલેર અને ઉદાર દિલવાળા મહેમાનની વિનંતીને માન આપીને રહી જ જોઈએ છીએ.’

ભાઈ ભાવુકે ફરી ખર્ચા વિશે વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મહિનાનું નહીં, પણ આખા વર્ષનું બજેટ મહેમાન મંડળીએ ખોરવી નાખ્યું છે! (એ ઉપરાંત મહેમાનના ગયા પછી પત્નીનું રૌદ્ર સ્વરૂપ કેવું હશે એ વિચારીને રાતોની નીંદ હરામ થઈ ગઈ છે.. એ વાત કહે, તો પણ કોને કહે?)

આ પણ વાંચો….લાફ્ટર આફ્ટર: મહાભારતનું કોકડું ઉકેલાશે ખરું?

આવેલા તમામ મહેમાનોને યજમાનને ત્યાં કઈ રીતે રહેવું અને કઈ રીતે દૂધમાં સાકર ભળે એમ ભળી જવું એનો પદ્ધતિસરનો અભ્યાસ કરાવીને જ લાવ્યા હોય એમ સવારે વહેલા ઊઠી, બાથરૂમ – ટોઇલેટ કઈ રીતે રોકી રાખવા, નાસ્તા – પાણીમાં શું ખાવું છે, ક્યાં સારા નાસ્તા મળે છે, એનું લિસ્ટ… અને હવે શું શું ખાવાનું બાકી છે… એ યજમાન ભાવુક થઈ જાય એ રીતે સતત એને જાણ કરતાં રહેવી.

‘ફલાણાભાઈ પણ તમારા જેવા જ ભાવુક અને દિલેર હતા. તમે નહીં માનો, પણ સવારે ઊઠતાંવેંત ડાઇનિંગ ટેબલ ઉપર ગરમ ગરમ નાસ્તા, ચા – કોફી, સૂપ, જ્યૂસ, વેસ્ટર્ન નાસ્તા ઉપરાંત એમના શહેરની પ્રસિદ્ધ વાનગીઓ પણ હાજરાહજૂર! તમે નહીં માનો સાહેબ, પણ એટલા પ્રેમથી દબાણ કરીને દિવસમાં ચાર વાર આગ્રહ કરી કરીને એટલું ખવડાવ્યું હતું, કે ઘરે પાછાં ફર્યાં, ત્યારે બધાનાં વજન ચાર – પાંચ કિલો જેટલા વધી ગયેલાં! અને રહેવાનો આગ્રહ તો એટલો કર્યો, કે નાછૂટકે પાછો એકાદ મહિનો એમના ઘરે ક્યાં પસાર થયો તે ખબર પણ ના પડી. અમે એ દિલેરસિંહ જાડેજાને આપની ભાવના અને મહેમાનગતિની વાત કરીશું, તો એ પણ ખુશ થઈ જશે.’ (ભાવુકભાઈ વખાણ સાંભળીને ફરી ભાવનામાં વહેવાની તૈયારી કરતા હતા, ત્યાં પત્નીએ કેડમાં ચીમટી મારી અને ભાવનાના પ્રવાહને બ્રેક લાગી.)

‘હવે હુરતમાં હું હું જોવાનું બાકી છે, અંકલ?’ એમ એક મહેમાન વૃંદના એક વેવાઈના દીકરાના દીકરાએ મીઠો ટહુકો કર્યો. બાળક તો ભગવાનનું સ્વરૂપ! પાછું બાળક હુરતી હો બોલતો થેઈ ગીયો (સુરતી અપ-શબ્દો વિના!) એટલે તો ભાવુક અંકલ ફરી આર્દ્ર થઈ ઊઠે એ પહેલાં જ યજમાનની અર્ધાંગિની બોલી ઊઠ્યાં, ‘લગભગ બધું જ જોવા જેવું જોવાઈ ગયું છે અને ખાવા જેવું ખવાઈ ગયું છે. હવે હુરતમાં તમારે લાયક ખાસ કંઈ બચ્યું નથી.’ (પણ અભ્યાસક્રમમાં આવા રુક્ષ જવાબોના પ્રતિજવાબો બધાને શીખવી દીધા જ હતા હશે.. જુઓ મહેમાનોનો જવાબ.)
એક બોલ્યો, ‘આન્ટી, એમ પન ગરમી એટલી છે કે બહાર ફરવામાં સીક થેઈ જવાય. એના કરતાં અમે તો તમારાં એ.સી. રૂમમાં બેહીને હાફૂસ ને કેસર ખાધે રાખહું.’

આ પણ વાંચો….લાફ્ટર આફ્ટર : વજન વજનનું કામ કરે…

તરત બીજો નિશાળિયો બોલ્યો, ‘આન્ટી, હવે અમે તમારા બંગલા અને ફાર્મ હાઉસથી પરિચિત થેઈ ગીયાં છીએ. એટલે અમે જાતે જાતે તમારે હીંચકે ઝૂલીશું. તમારા પર્સનલ જિમમાં કસરત કરીશું. તમારા સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારીને બપોરે બીજીવારનું ન્હાઈ લઈશું. (કોના નામનું ન્હાવાનાં છો?) યુ ડોન્ટ વરી આન્ટી. અમે તો તમારા બંગલાના ફેમિલીયર થઈ ગયાં છીએ. હવે અમને બિલકુલ અજાણ્યું લાગતું જ નથી. આન્ટી, યુ આર સો ચાર્મિંગ એન્ડ બ્યુટીફૂલ!’ (અભ્યાસક્રમના ભાગરૂપે)

ત્રીજો ઉવાચ: ‘આન્ટી, અંકલ આર સો લકી! તમારાં જેવાં વાઇફ જો મળ્યાં!’

પછી તો વેવાઈ કેમ બાકી રહે? એ બોલ્યા, ‘આ વખતે હાફૂસ અને કેસર કેરીનું પેમેન્ટ હું કરીશ. કશે એવું લખ્યું નથી કે યજમાન જ બધો ખર્ચો ઉઠાવે! અમારો પણ ધર્મ છે. જે અમે નિભાવીશું.’ (વેવાઈને ખબર હતી કે કેરીના નવા સ્ટોકનું પેમેન્ટ ભાવુકભાઈએ આગોતરું… પત્ની ન જાણે તેમ કરી દીધું હતું.)

ફરી પાછું વાતાવરણ મહેમાનોની ફેવરમાં ફેરવાયું. પછી તો જ્યારે જ્યારે વાતાવરણ ભારે થાય, ત્યારે કયા ડાયલોગ બોલવા, વિશેષણો, ઉપમા, રૂપકો, કવિતાઓ અને ભાવુક કથાઓના ઉપસંહાર કોણે કોણે, ક્યાં ક્યાં પીરસવા એ અભ્યાસક્રમ પ્રમાણે ચાલુ રાખવાથી, મહેમાનો એમના ટાર્ગેટ સુધી રોકાઈ શકે છે. એ વાત પુરવાર કરીને સૌ ભારે હૈયે વિદાય થયાં!

તમે પાછા મને પૂછશો નહીં, કે મહેમાનોએ યજમાનને ત્યાં ટકી રહેવાના કોર્સ ક્યાં ચાલે છે? ભૂલેચૂકે પણ ઉપરનો પ્રયોગ કામે લગાવશો નહીં પરિણામે કદાચ માર ખાવાનો કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે ફરી કોઈ કવિની કવિતાઓ લલકારશો નહીં, કારણ કે કવિઓને તો કલ્પનાની છૂટ છે જ છે, પણ આપણને નથી જ નથી!

આ પણ વાંચો….લાફ્ટર આફ્ટર: કયા ટ્રેક ઉપર ચાલવું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button