ભારતની વીરાંગનાઓ : અભિનય ને સંગીતનો સંગમ કાનનદેવી

-ટીના દોશી
તૂફાન મેલ… દુનિયા યહ દુનિયા તૂફાન મેલ…
ઈસકે પહિયે જોર સે ચલતે ઔર અપના રાસ્તા તેય કરતે
સયાને ઈસસે કામ નિકાલેં બચ્ચે સમજેં ખેલ તૂફાન મેલ….
જૂની ફિલ્મોના રસિયાઓએ જવાબ ફિલ્મનું આ સુપરહિટ ગીત અચૂક સાંભળ્યું હશે. વારંવાર ગણગણવાનું મન થાય એવું આ ગીત કાનનદેવીએ ગાયેલું. કાનનદેવી એટલે ભારતીય સિનેમાની ઝળહળતી તારિકા. મશહૂર અભિનેત્રી અને એટલી જ મશહૂર ગાયિકા. કાનનદેવીએ પોતાની કારકિર્દીમાં 57 જેટલી ફિલ્મોમાં અભિનયનાં ઓજસ પાથરેલાં અને ચાળીસેક ગીતો ગાઈને કંઠનાં કામણ પાથરેલાં… સિનેમાક્ષેત્રે કાનનદેવીએ કરેલા યોગદાનને પગલે 1968માં ભારતના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી એને પુરસ્કૃત કરાયેલી. ભારતીય સિનેમાના સર્વોચ્ચ ગણાતા દાદાસાહેબ ફાળકે સન્માનથી એને 1976માં પુરસ્કૃત કરાયેલી. ભારત સરકારના સૂચના અને પ્રસારણ વિભાગે કાનનદેવીની સ્મૃતિમાં 13 ફેબ્રુઆરી 2011ના પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
આ કાનનદેવીનો જન્મ 22 એપ્રિલ 2016ના પશ્ર્ચિમ બંગાળના હાવડામાં એક મધ્યમ પરિવારમાં થયો. એની જીવનકથા અનુસાર રતનચંદ્ર દાસ અને રજોબાલાએ દીકરીને દત્તક લીધી. ઓળીઝોળી પીપળ પાન માએ પાડ્યું કાનન નામ. પણ કાનનના કમનસીબે એની છ વર્ષની ઉંમરે એના પાલક પિતાનું મૃત્યુ થયું. રજોબાલાએ પોતાનાં ઘરેણાંગાંઠાં વેચીને રતનનું કરજ ચૂક્વ્યું. માદીકરી ભૂખમરાથી પીડાવા લાગ્યાં. રજોબાલા છ વર્ષની કાનન સાથે કોલકાતાના અમીરોના ઘરમાં કામ કરવા લાગી. રમકડાંથી રમવાની ઉંમરે કાનન એક નોકરાણી બની ગઈ.
ઉપર આસમાન અને નીચે ધરતી. આકાશને ઓઢણું ને પૃથ્વીને પાથરણું બનાવીને, ઘરકામ કરીને માદીકરી પોતાનું ગુજરાન ચલાવતાં. આખરે એક સંબંધી તુલસી બેનરજી દસ વર્ષની કાનનને મદન થિયેટર અને જ્યોતિ થિયેટરમાં લઈ ગઈ. મદન મૂવી સ્ટુડિયોએ કાનનની ખૂબસૂરતીથી પ્રભાવિત થઈને મહિને પાંચ રૂપિયાના પગારે જયદેવ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવવાની તક આપી. ત્યાર બાદ ‘રાધા ફિલ્મ્સ’ના બેનર હેઠળની બોલતી ફિલ્મોમાં કામ કર્યું. પૈસાની તંગી દૂર થવા લાગેલી.
કાનનદેવી અભિનય પણ કરતી અને ગીતો પણ ગાતી. રાધા ફિલ્મ કંપની સાથે કામ કરતાં કાનનદેવી એક સુપરસ્ટાર બની ગયેલી. કાનન એવી પહેલી અભિનેત્રી બની જેને પુરુષપ્રધાન ફિલ્મજગતમાં મેડમ કહીને સંબોધન કરવાનો આરંભ થયો. દરમિયાન, કાનનદેવીની મુલાકાત અશોક મૈત્રા સાથે થઈ. જોતજોતામાં બન્નેની દોસ્તી થઈ. પ્રેમ થયો. પણ લગ્નની વાત આવી ત્યારે અશોકના પરિવારે વિરોધ કર્યો. પણ છત્રીસ વર્ષના અશોકે સમાજની ખફગી વહોરીને 1940માં પચીસ વર્ષની કાનન સાથે લગ્ન કરી લીધા. કોલકાતા શહેરના લોકોમાં હાહાકાર મચી ગયો. પણ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ લગ્નને આશીર્વાદ આપેલા અને પોતાની એક છબી પોતાના હસ્તાક્ષર સાથે ભેટમાં મોકલેલી. એની પાછળનું કારણ એ હતું કે કાનનદેવીએ રવીન્દ્રનાથ ટાગોરનાં કેટલાંક ગીતોને પોતાનો કંઠ આપેલો. પરિણામે એમનો પરસ્પર પરિચય થયેલો. આ પરિચયને પગલે ટાગોરે કાનનદેવીને આશીર્વાદ આપેલા.
આ સમાચાર અખબારમાં છપાયા ત્યારે લોકો ટાગોરના પણ વિરોધી થઈ ગયા. કેટલાયે લોકોએ ટાગોરને ફોન કરીને એમની નિંદા કરી અને ધમકીઓ આપી. પણ પોતાની શરતે જીવવામાં માનતી કાનને ભસતા શ્વાનના વિરોધની પરવા કર્યા વિના ગજગામી થઈને ફિલ્મી કારકિર્દી આગળ વધારી. જે ભીડ પહેલાં કાનનની એક ઝલક મેળવવા પડાપડી કરતી, એ જ ભીડ હવે વિરોધીઓમાં પરિવર્તિત થઈ ચૂકેલી. રોજબરોજના વિરોધથી પરેશાન થઈને કાનને પહેલાં જાહેર કાર્યક્રમોમાં જવાનું અને પછી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. ખુદને લોકનજરથી બચાવવા માટે એ પોતાના 11-એ, કબીર રોડ સ્થિત ઘરના આંગણા સુધી પણ ન જતી. કારણ દરેક સમયે કેટલાંક લોકો વિરોધ કરવા ખડા જ રહેતા. લોકો ગાળાગાળી કરતા. બ્રહ્મ પરિવાર પર લગ્ન તોડવા દબાણ કરતા.
કાનનદેવી માટે જીવનનો આ સમય ડરામણા સ્વપ્ન જેવો હતો. વિષમ પરિસ્થિતિ સામે એણે એકલાં જ ઝઝૂમવું પડતું. કારણ શહેર આખાના વિરોધે અશોકની મતિ ફેરવી દીધી. અશોક આશિક મટીને માત્ર પતિ બની ગયો. અશોકે કાનનનો વિરોધ શરૂ કરી દીધો. કાનન પર ફિલ્મી દુનિયા છોડવાનું દબાણ કરવા માંડ્યું. સિનેમા સાથે જોડાયેલા કોઈનો ફોન આવે તો અશોક કાનન સાથે ઝગડવા માંડતો. અશોક એના હાથમાંથી ફોન ઝૂંટવી લેતો. ઘરની રોજની લડાઈથી કાનન ભાંગી ગઈ. પતિના અત્યાચાર વધી ગયા ત્યારે કાનને રૂપેરી સૃષ્ટિ છોડવાને બદલે, લગ્નનાં પાંચ વર્ષ પછી 1945માં અશોકનો જ ત્યાગ કર્યો. વાંસ જ નહીં રહે અને બેસૂરી વાંસળી પણ નહીં વાગે ! જોકે છૂટાછેડા પછી કાનને પોતાના પુસ્તકમાં અશોકનો આભાર માનેલો. કારણ કે કાનનને સમાજમાં સન્માન અપાવનાર એ પહેલો માણસ હતો !
આપણ વાંચો: મા તુઝે સલામ…મા જ્યારે ઘરડી થઈ છે ત્યારે સંતાને નથી સાચવવાની માને?
1947માં વિદેશી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમજવા કાનન પરદેશ ચાલી ગઈ. પાછાં ફરીને કાનને કેટલીક ફિલ્મો કરી અને પોતાનું નિર્માણગૃહ શ્રીમતી પ્રોડક્શન નામે શરૂ કર્યું. દરમિયાન, કોલકાતાના ટોલીગંજમાં એક શાળાના કાર્યક્રમમાં કાનનાનો પરિચય બંગાળ સરકારની સેવામાં કાર્યરત હરિદાસ ભટ્ટાચાર્ય સાથે થયો. થોડા જ સમયમાં, 1949માં બન્નેએ લગ્ન કરી લીધાં. પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. હરિદાસે સરકારી નોકરી છોડીને કાનન સાથે ફિલ્મનિર્માણમાં અને ફિલ્મ દિગ્દર્શનમાં જોડાઈ ગયા. હરિદાસે ઘણી સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, પણ એમની ઓળખ કાનનદેવીના પતિ તરીકેની જ રહી. આ બાબત મતભેદ અને પછી મનભેદનો મુદ્દો બન્યો. આખરે 4 એપ્રિલ 1987ના હરિદાસે કાનનનું ઘર છોડી દીધું. હરિદાસે કાનન સાથે તમામ સંબંધ કાપી નાખ્યા, પણ એને છૂટાછેડા ન આપ્યા. કાનન બીમાર પડી તો હરિદાસે એનો ઈલાજ કરાવ્યો. કાનનના કાનની શસ્ત્રક્રિયામાં પણ હરિદાસ પડખે ઊભા રહ્યા. પણ લાંબી માંદગીને અંતે 17 જુલાઈ 1992ના કાનનનું નિધન થયું ત્યારે હરિદાસ એના અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા. પોતાની શરતે જીવવાની આકરી કિંમત ચૂકવી કાનનદેવીએ!