મુખ્બિરે ઈસ્લામ : પીડિતની બદ્દુઆ અને કંજૂસે આ આફતો ભોગવ્યે છૂટકો

-અનવર વલિયાણી
અરબસ્તાનની માતૃભાષા અરબી છે અને ઇલાહી કિતાબ-ઈશ્ર્વરીય ગ્રંથ કુરાન કરીમની ભાષા પણ અરબી હોઈ તે અરબી પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ પર ઉતરી છે, આ અરબી ભાષાનો એક પ્રચલિત શબ્દ છે ‘બખીલ’ જેનો ગુજરાતી ભાષામાં સરળ અર્થ થાય છે ‘કંજૂસ.’
- હઝરત ઈમામ અબુબક્ર સિદ્કિ તેમના એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં કહે છે કે,
- ‘બખીલ- કંજૂસ શખસ આ સાત આફતો માંની એકેય આફતમાંથી બચી શકતો નથી….!’
- એ પછી ઉપસ્થિત સહાબી- ઈમાન- આસ્થા લાવનારાઓએ એ સાત આફતો આ મુજબ કહી સંભળાવી:
- બખીલ મૃત્યુ પામશે ત્યારે તેના વારસો કાંતો તેનો જમા કરેલો માલ નાજાઈઝ- હરામના કામમાં ઉડાવી દેશે અથવા- અને ગુનાહના માર્ગમાં ખર્ચી નાખશે અથવા અલ્લાહ કોઈ ઝાલિમ (દયા વગરનો) હુકુમતકર્તાને તેના પર સ્થાપિત કરી દેશે, તે ઝાલિમ (હુકુમતકર્તા- બાદશાહ) તેને ઝલીલ- અપમાનીત કરીને તેનો માલ છીનવી લેશે!
- યા તો તે કંજૂસમાં અલ્લાહ એવી કોઈ મનોકામના પેદા કરી દેશે, જેથી તે તેનો માલ બરબાદ કરી દેશે.
- અથવા તેને કોઈ મકાન બાંધવાનો અથવા કોઈ વિરાન જમીન આબાદ કરવાનો તેને વિચાર આવશે અને એ રીતે માટી અને પથ્થરોમાં તેનો માલ ચાલ્યો જશે.
- અથવા કોઈ દુન્યવી આફતથી દાખલા તરીકે ડૂબીને, સળગીને અથવા ચોરી થઈને તેનો માલ જતો રહેશે.
- અથવા તેને કોઈ કાયમની બીમારી લાગુ પડી જશે અને પછી તેના ઈલાજમાં જ તેનો માલ ખર્ચાઈ જશે.
- અથવા તે માલને કોઈ જગાએ દાટી દઈને પછી તે ભૂલી જશે. પછી તે માલ તેને મળશે નહીં…!
સુજ્ઞ વાચકો! બખીલ (કંજૂસ)ની શી વલે થશે તે આપણે જોયું.
સૃષ્ટિના સર્જનહારે માલ આપ્યો છે તે રાહે ખુદા (ઈશ્ર્વરના બતાવેલા માર્ગ)માં ખર્ચ કરવા માટે આપ્યો છે, નહીં કે ભેગો કરીને તેને દરરોજ જોવા માટે!
અલ્લાહે આપેલી નેઅમતો (ઈશ્ર્વરની દેણગી)ની સહી ઉપયોગ શુક્રાને નેઅમત (અલ્લાહનો આભારી) વિરુદ્ધની નાસ્તિકતા) છે.
ઉપર કહેલી આફતો કંજૂસે ભોગવ્યા સિવાય છૂટકો નથી, અને આવો જ હાલ પીડિતની બદ્દુઆનો છે. મઝલુમની બદ્દુઆ ત્વરિત દરબારે ઈલાહીમાં કબૂલ થઈ જવાના કિસ્સા આ કટારના સંપાદકે જોયા છે. જે પથ્થરની લકીર છે. પથ્થર પર દોરેલી લીટી કદી ભૂંસાતી હોતી નથી એ જ પ્રમાણે મઝલુમ- પીડિતે આપેલી દુઆ રબ તઆલા ત્વરીત કબૂલ કરે છે.
- અગાઉના વખતમાં લોકો પર તરત જ પ્રકોપ આવી પડતો હતો. ઉમ્મત (અનુયાયી, પ્રજા) પર રબ તઆલાની એ ઈશ્ર્વરીય દેણગી રહી છે કે દેખીતી સજા આપવામાં નથી આવતી. કારણ કે એમાં નામોશી છે, પરંતુ છુપી સજા આપવામાં આવે છે. જેથી એ લોકો સમજી શકતા નથી કે આ એના ગુનાહોની અથવા ફલાણા પાપોની સજા છે. જેથી દેખીતી વસ્તુઓને એનું કારણ માને છે, પરંતુ હકીકતમાં તે તેના અત્યાચારોની સજા હોય છે, ખાસ કરીને જેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો તે બદ્દુઆ પણ કરે, કારણ કે મઝલુમ (પીડિત)ની બદ્દુઆ ઘણી જ વહેલી કબૂલ થઈ જાય છે. આ ફક્ત એક મુસલમાને બીજા મુસલમાન સાથે કરેલ અત્યાચારની જ વાત નથી પરંતુ કોઈ પણ કોમ, જાતિ, જ્ઞાતિ અરે, માણસ માત્ર સાથે અત્યાચાર કરવામાં તેની પણ બદ્દુઆ (શ્રાપ) લાગી જાય તેની પણ વાત છે.
આ વાતને એક સંતે, વલીઅલ્લાહે શાયરીમાં આ મુજબ કહી છે:
‘બ તરસ અઝ આહે મઝુલામા
કે હગામે દુઆ કરદન,
ઈઝાબત અઝ દરેહક બહરે
ઈસ્તીકબાલમી આયદ.’
ફારસી ભાષાના આ શે’રનો સરળ ગુજરાતીમાં અર્થ થાય છે કે, મઝલુમની આહ (નિશાસા)થી ડરવું જોઈએ કારણ કે તેની બદ્દુઆના સમયે આકાશથી કબૂલિયત આવે છે. (ઈશ્ર્વરીય સહમતી) આવે છે.
આ પણ વાંચો….મુખ્બિરે ઈસ્લામ : જલતા હુઆ ચીરાગ મગર રોશની નહીં: શું જ્ઞાની અને અજ્ઞાની સમાન હોઈ શકે?
હદીસ શરીફમાં છે કે, ‘ઈત્તકિદઅવત મઝલુમિ ફઈન્નહુ લયસા બયનહા વ બયનલ્લાહી હિજાબુન.’ અર્થાત્ મઝલુમની બદ્દુઆથી ડરવું જોઈએ કારણ કે તેના અને ખુદાની વચ્ચે કોઈ ચિલમન્ (પરદો) અને રૂકાવટ (અડચણ)- આડ નથી. અહીં દરેક મઝલુમ જેની સાથે અત્યાચાર કરવામાં આવે ભલે તે ગમે તે ધર્મ- જાતિનો હોય તેને સતાવવાથી, તકલીફ આપવાથી પછી ભલે તે શારીરિક હોય કે માલો-દૌલત, ઈજ્જત આબરૂની! કોઈપણ પ્રકારના હક્ક મારવાની કે અત્યાચાર કરવાની ઘણી જ મનાઈ કરવામાં આવી છે.
બોધ:
આ હકીકત છે જેને ન માત્ર ઈસ્લામે કહી છે પણ દુનિયાના જે તે તમામ ધર્મોએ કહી છે.
- અને તેથી જ કહેવાયું છે કે માનવતા એ જ ધર્મનું મૂળ છે. ઈન્સાનિયત વગરનો કોઈ ધર્મ હોય શકતો જ નથી…!
સનાતન સત્ય:
- જીવનમાં સ્પર્ધા કરવાથી દૂર રહો.
- બીજાનું અનુકરણ કરો નહીં.
- કશુંક કરવું જ હોય તો આપણી કેડી આપણે જ કંડારવી પડશે. આગળ જતાં એ કેડી જ રાજમાર્ગ બની જશે અને તમે વિજયપથની મૌલિકતાના માણીગર બની જશો અને આગળ વધતા તમને કોઈ રોકી ટોકી શકશે નહીં.
- આ સચ્ચાઈ છે- સનાતન સત્ય છે જે કદી મિથ્યા થતું નથી.
- ભલાઈ કરવી એ કોઈને નુકસાન કરવાથી- હાનિ પહોંચાડવા કરતા ઘણું આસાન- સહેલું કામ છે.
સાપ્તાહિક સંદેશ:
સવાલ: પાપકર્મની સજા ક્યારે?
- આ કટારના એક વાચકે અમને એક સવાલ પૂછયો છે, જેનો જવાબ ઈસ્લામના આયના- દર્પણમાં ઈસ્લામની હીદાયત (ધર્મજ્ઞાન) મુજબ આ પ્રમાણે આપવાનો અમે નમ્ર પ્રયાસ કર્યો છે:
… અને જો અલ્લાહ માનવીઓને જે કૃત્યો તેઓ કરી ચૂક્યા છે તેના પ્રમાણમાં તેની ધરપકડ કરે તો પૃથ્વી પર એક પ્રાણીને પણ બાકી રહેવા ન દે, પરંતુ તે તેમને એક ઠરાવેલા સમય સુધી મોહલત આપી દે છે. પછી જ્યારે તેમનો ઠરાવેલો સમય આવી લાગશે તો બસ અલ્લાહ જ પોતાના બંદાઓના હાલનો જોનાર અને કરણીના પ્રમાણ બદલો આપનાર છે. - હુઝૂરે અનવર સલ.
આ પણ વાંચો….મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે