નેશનલ

અયોધ્યા વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારઃ રામ મંદિરના પરિસરમાં ગંગા દશેરાએ થશે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર પરિસરમાં 14 મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી પાંચમી જૂને ગંગા દશેરાના પાવન અવસરે મંદિર પરિસરમાં સ્થિત 14 વિવિધ દેવી-દેવતાઓના મંદિરોની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પવિત્ર પ્રસંગને ત્રણ દિવસીય ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવશે, જેની શરૂઆત ત્રણ જૂનથી થશે અને પાંચ જૂન સુધી ચાલશે.

ધાર્મિક વિધિઓનો પ્રારંભ 30 મેના રોજ

આ ધાર્મિક વિધિઓનો પ્રારંભ 30 મેના રોજથી જ થઈ જશે, જેમાં પરિસરમાં સ્થિત મંદિરમાં શિવલિંગની સ્થાપનાનો સમાવેશ થાય છે. કાશી અને અયોધ્યાના કુલ 101 વૈદિક વિદ્વાનો આ સમગ્ર અનુષ્ઠાનનું સંચાલન કરશે. આ વિધિઓમાં ‘યજ્ઞશાળા’ની પૂજા, વાલ્મીકિ રામાયણનું પઠન, મંત્રોચ્ચાર, ચારેય વેદોનું પઠન અને અન્ય પરંપરાગત ધાર્મિક કાર્યો કરવામાં આવશે.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં યોજાશે વધુ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો આ વખતે શું હશે ખાસ

દેવતાઓની સ્થાપના માટે આરસના સિંહાસનો તૈયાર

દેવતાઓની સ્થાપના માટે બે-બે ફૂટ ઊંચા આરસના સિંહાસનો ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આ મૂર્તિઓને આ સિંહાસનો પર સ્થાપિત કરવામાં આવશે. જે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેમાં મુખ્ય પરિસરમાં સ્થિત છ મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરો ભગવાન શિવ, સૂર્ય દેવ, ગણપતિ, હનુમાન, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણાને સમર્પિત છે. આ ઉપરાંત, સપ્ત મંડપમ ક્ષેત્રમાં સ્થિત સાત મંદિરોની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં ઋષિ વશિષ્ઠ, વાલ્મીકિ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, અહલ્યા, શબરી અને નિષાદરાજ જેવી પૂજનીય વ્યક્તિઓની મૂર્તિઓ સ્થાપિત થશે. શેષાવતાર મંદિરમાં લક્ષ્મણજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ટ્રસ્ટના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચે તેવી અપેક્ષા છે, અને તેનાથી રામ મંદિર પરિસરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ વધુ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેનો અનેરો ઉત્સાહ દેશભરમાં જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button