બાંગ્લાદેશી બોલરને હજી એનઓસી નથી મળ્યું, ભારત કદાચ ન પણ આવે

ઢાકા/નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો જેક ફ્રેઝર-મૅકગર્ક આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચો માટે ભારત પાછો ન આવવાનો હોવાથી દિલ્હી કૅપિટલ્સ (DC)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને છ કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે અને તે ભારત આવવાની તૈયારીમાં પણ છે, પરંતુ એમાં મોટું વિઘ્ન આવ્યું હોવાનું એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે આઇપીએલમાં જે વિદેશી ખેલાડીને સાઇન કરવામાં આવ્યો હોય એ ખેલાડીએ તેના દેશના ક્રિકેટ બોર્ડ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવી લીધું હોય ત્યાર પછી જ આઇપીએલની ટીમ તેને સાઇન કર્યો હોવાની જાહેરાત કરે છે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના સીઇઓ નિઝામુદ્દીન ચૌધરીએ એક ભારતીય વેબસાઇટને આપેલી જાણકારી મુજબ બીસીબીને ન તો મુસ્તફિઝુર પાસેથી અને ન બીસીસીઆઇ (BCCI)પાસેથી એનઓસી બાબતમાં સંપર્ક થયો છે.
આ પણ વાંચો: આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…
હમણાં તો મુસ્તફિઝુર દુબઈ ગયો છે જ્યાં બાંગ્લાદેશની પાકિસ્તાન સામે બે ટી-20 મૅચની સિરીઝ રમાશે.
બાંગ્લાદેશની પાકિસ્તાન સામેની બે ટી-20 મૅચ 17 અને 19 મેએ રમાશે. ત્યાર બાદ પાકિસ્તાનમાં બાંગ્લાદેશની પાંચ મૅચ રમાશે અને એ સિરીઝ પચીસમી મેએ શરૂ થયા બાદ ત્રીજી જૂન સુધી ચાલશે.
બાંગ્લાદેશની આ બે સિરીઝ આઇપીએલના નવા શેડ્યૂલ મુજબની મૅચો દરમ્યાન જ રમાવાની છે.