ગુજરાતમાં નબળા વર્ગના લોકો માટે સરકારનો મોટો નિર્ણય: કાનૂની સહાયની આવક મર્યાદા વધારી

ગાંધીનગર: રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદો-૧૯૯૭ની કલમ-૨૦માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા રૂ. 1 લાખથી વધારીને હવે રૂ. 3 લાખ કરવામાં આવી છે.
આવક મર્યાદાને વધારીને રૂ. ૩ લાખ કરવાનો નિર્ણય
સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને અગાઉ વર્ષ ૨૦૧૨માં આ આવક મર્યાદા વધારીને રૂ. ૧ લાખ કરવામાં આવી હતી. હવે રાજ્યના વધુમાં વધુ નબળા વર્ગના નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે ફરી એકવાર કેબિનેટ બેઠકમાં આ આવક મર્યાદાને વધારીને રૂ. ૩ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ સુધારાથી સમાજના મોટા વર્ગને મફતમાં કાનૂની સેવાઓ ઉપલબ્ધ થશે અને તેઓ પોતાના હકોનું રક્ષણ સરળતાથી કરી શકશે.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-૧૯૯૭ના કાયદાની કલમ-૧૨ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો અને ઔદ્યોગિક કામદારો સહિત નિર્ધારિત આવક મર્યાદાથી ઓછી આવક ધરાવતા લોકોને મફત કાનૂની સહાય મળવાપાત્ર છે. આ કાયદાના નિયમ-૨૦ અનુસાર, નિર્ધારિત આવક મર્યાદાથી ઓછી આવક ધરાવતા વ્યક્તિ સુપ્રીમ કોર્ટ સિવાયની કોઈપણ કોર્ટમાં કેસ દાખલ કરવા અથવા બચાવ કરવા માટે કાનૂની સેવાઓનો હક ધરાવે છે.