કર્નલ સોફિયા અંગે ટિપ્પણી કરનારા ભાજપના નેતાની મુશ્કેલી વધી, હાઈ કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ

ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને મારીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ દરમિયાન જેની પર ભારત ગર્વ લઈ રહ્યું છે તેવું નામ સોફિયા કુરેશીનું છે, પરંતુ મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક વરિષ્ઠ નેતાએ કર્નલ સોફિયા કુરેશી (Colonel Sofia Qureshi) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સોફિયા કુરેશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા મામલે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે સુઓ મૂટો લઈને (Madhya Pradesh High Court) ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પ્રધાન વિજય શાહ (MP Minister Vijay Shah) સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
સોફિયા કુરેશી વિરૂદ્ધ ભાજપ નેતાનું નફરત ફેલવાતું નિવેદન
ઓપરેશન સિંદૂર વિશે દેશને જાણકારી આપનાર સોફિયા કુરેશી વિરૂદ્ધ ભાજપ નેતા વિજય શાહે નફરત ફેલાવતી પોસ્ટ કરી હતી. જેના કારણે અત્યારે રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપ નેતા વિજય શાહે એક જાહેર કાર્યક્રમ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના પાકિસ્તાની આતંકવાદીઓ મુદ્દે કહ્યું હતું કે અમે તેમની બહેનને મોકલીને ઐસી-તૈસી કરી. આ નિવેદન આપ્યા પછી પ્રધાનની મુશ્કેલી વધી હતી.
આ પણ વાંચો: ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે
હાઈ કોર્ટનો એફઆઈઆર નોંધવાનો આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાની કાર્યવાહીની માહિતી મીડિયા સાથે શેર કરી હતી. જે બાબતે આ પ્રધાને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને અત્યારે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. એક વરિષ્ઠ નેતાને આવી વાતો શોભતી નથી! આ ભાજપ નેતાએ દેશમાં નફરત ફેલાવતું નિવેદન આપ્યું છે અને એ પણ જાહેરમાં! જેથી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે આ ભાજપ નેતા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી માફી માગી
વિજય શાહે કરેલી વિવાદસ્પદ ટિપ્પણીની દેશભરમાં આલોચના થઈ રહી છે, ત્યાર બાદ વિજય શાહે પોતાના નિવેદન અંગે ફરી માફી માગતા સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે કર્નલ સોફિયા તેની પોતાની બહેન કરતાં પણ વધુ આદરણીય છે અને જો તેની ટિપ્પણીથી કોઈને દુઃખ થયું હોય, તો તે દસ વાર માફી માંગવા તૈયાર છે’. પરંતુ પશ્ન એ છે કે, આવું નિવેદન આપવું શા માટે પડ્યું? જ્યારે દેશને એક થવાની જરૂર છે, તેવી સ્થિતિમાં વિવાદિત ટિપ્પણીઓ શા માટે કરવી પડે? ભારતમાં રહેતા દરેક ભારતીયો મા ભારતીના સંતાન છે, જેથી દરેકે એકસાથે રહીને દેશને સપોર્ટ કરવાનો છે, એવો એક જ ધ્યેય હોવો જોઈએ.