મોદી સરકારની મંજૂરી હશે તો જ પાકિસ્તાની હૉકી ટીમ ભારત આવી શકશે

નવી દિલ્હીઃ આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતમાં મેન્સ હૉકીનો એશિયા કપ (Hockey Asia Cup) યોજાવાનો છે અને એમાં ભાગ લેનારા દેશોમાં પાકિસ્તાન (PAKISTAN)નું નામ પણ છે, પરંતુ જો નરેન્દ્ર મોદી સરકારની મંજૂરી હશે તો જ પાકિસ્તાનની હૉકી ટીમને ભારત (India)માં આ ટૂર્નામેન્ટ રમવા દેવામાં આવશે.
પાકિસ્તાન માટે બીજી મોટી મુસીબત એ છે કે આવતા વર્ષે નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં પુરુષોની હૉકીનો વર્લ્ડ કપ યોજાવાનો છે અને એમાં ક્વૉલિફાય થવા માટે ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, જાપાન, કોરિયા, મલયેશિયા, ઓમાન અને ચાઇનીઝ તાઇપેઇની ટીમે એશિયા કપમાં ભાગ લેવો જરૂરી છે.
આપણ વાંચો: દેવાદાર પાકિસ્તાનનું હૉકીમાં પણ નાક કપાયું…જાણો કઈ નાલેશી થઈ…
જોકે પાકિસ્તાનને એશિયા કપમાં નહીં રમવા મળે તો એને માટે મોટી મુશ્કેલી ઊભી થશે. બની શકે કે ક્રિકેટની જેમ હૉકીમાં પણ પાકિસ્તાનની મૅચો હાઇબ્રિડ મૉડેલ મુજબ અન્ય કોઈ દેશમાં રાખવામાં આવશે.
એશિયા કપ 27મી ઑગસ્ટથી સાતમી સપ્ટેમ્બર સુધી બિહારના રાજગીરમાં યોજાશે.
હૉકી ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહે પીટીઆઇને બુધવારે જણાવ્યું હતું કે `હમણાં કહેવું ખૂબ વહેલું છે, પણ અમે આ મુદ્દે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને જ અનુસરીશું. ભૂતકાળમાં પણ અમે તેમને જ અનુસર્યા હતા.
તાજેતરમાં પહલગામમાં જે ઘાતક આતંકવાદી હુમલો થયો અને પછી ભારત તરફથી ઑપરેશન સિંદૂરના બૅનર હેઠળ વળતી કાર્યવાહી થઈ એ જોતાં પાકિસ્તાનની ટીમના ભારતમાં રમવા બાબતમાં હમણાં સ્પષ્ટપણે કંઈ જ ન કહી શકાય.’