નેશનલ

રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરથી સરકારે કર્યા ડિપોર્ટઃ સુપ્રીમ કોર્ટમાં પાછા લાવવા માટે કરી અરજી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓ સાથે અત્યાચારના અહેવાલો મળ્યા હતાં. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર પર 43 રોહિંગ્યા શરણાર્થીઓને હાથ અને આંખો બાંધીને દરિયામાં ફેંકી દેવાના આરોપ સાથે એક જાહેર હિતની અરજી (PIL) સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે રોહિંગ્યા શરણાર્થીઓને સરકાર દ્વારા બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા છે. અરજીમાં માંગ કરવામાં આવી કે આ લોકોને પાછા સ્વીકારવા જોઈએ.

આ પણ વાંચો: રોહિંગ્યાના બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી, કહ્યું શિક્ષણ મુદ્દે કોઈ ભેદભાવ રાખશો નહીં…

મહિલાઓ અને બાળકોને પણ ફેંકી દેવામાં આવ્યા:

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતાં એ 43 રોહિંગ્યા શરણાર્થીઓમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તેમનામાં ઘણા લોકો એવા છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ પીડાય છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ શરણાર્થીઓને દિલ્હી પાછા લાવવામાં આવે અને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે.

અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રોહિંગ્યા શરણાર્થીઓને પહેલા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા. આ પછી તેમને આંદામાન ટાપુના પોર્ટ બ્લેર લઈ જવામાં આવ્યા અને નૌકાદળના જહાજોમાં ચડાવવામાં આવ્યા, ત્યાર બાદ લોકોની આંખો અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. આરોપ મુજબ આ લોકોને દરિયાના પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓને ‘છોડી જવા’ ચેતવણી!

ખોટું બોલીને દિલ્હી બોલાવવામાં આવ્યા!

અરજદારે કહ્યું કે આ શરણાર્થીઓને બાયોમેટ્રિક વિગતો લેવા માટે બોલાવવામાં આવ્યા હત, પરંતુ પછી તેમને છોડવામાં આવ્યા ન હતા. તેના બદલે, આ લોકોને બળજબરીથી દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

અરજદારોએ ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે આ શરણાર્થીઓ પાસે UNHRC દ્વારા જાહેર કરાયેલા કાર્ડ પણ હતા. છતાં આ લોકોને પકડવામાં આવ્યા અને તેમને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટનો આગાઉનો આદેશ:

આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ફક્ત સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 8 એપ્રિલ, 2021 ના રોજ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કાયદા હેઠળ આ લોકોને પાછા મોકલવા માટે કાર્યવાહી કરવાની જવાબદારી સરકારની છે.

હકીકતમાં, એપ્રિલ 2021 ના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 14 અને 21 હેઠળ મૂળભૂત અધિકારો ભારતીય નાગરિકો અને અન્ય લોકોને ગેરંટી આપવામાં આવે છે. પરંતુ આમાં એવી કોઈ ગેરંટી શામેલ નથી કે જો કોઈ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને દેશનિકાલ કરવામાં આવશે નહીં.

8 મેના પોતાના ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ ભારતીય કાયદા હેઠળ વિદેશી હોવાનું સાબિત થશે, તો તેમને દેશનિકાલ કરવા પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button